શુક્રવારે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ઝ-20 મેચ
જામનગરથી આવતા મોટા વાહનોને પડધરી- મોવૈયા સર્કલથી ડાયવર્ઝન લઈ ટંકારા થઈ રાજકોટ આવવાનું રહેશે: સરકારી વાહનો, એમ્બ્યુલન્સને જાહેરનામામાંથી મુક્તિ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તા. 17ના રોજ ભારત તથા દક્ષિણ આફ્રિકા વચ્ચે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ મેચ પડધરી પોલીસ સ્ટેશનના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન, ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. આ મેચમાં આશરે 30 હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર છે. આ સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઈવે રોડ ઉપર આવેલ છે અને આ હાઈવે ઉપર નાના-મોટા તમામ વાહનોનો ટ્રાફિક રહેતો હોય જેથી ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકને કારણે અરાજકતા સર્જાવાની શક્યતા તથા મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થવાની શક્યતા છે ત્યારે ટ્રાફિક જામ નિવારવા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે રાજકોટ-જામનગર રોડ ઉપર તા. 17ના સાંજે 4થી રાત્રિના 1 વાગ્યા સુધી ટ્રાફિક ડાઈવર્ટ કરવા પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય, રાજકોટે દરખાસ્ત કરેલી છે.
તા. 17ના રાત્રિના 1 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને (ટ્રક, ટેન્કર, ટ્રેલર વ.) પડધરી-મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી નેકનામ મીતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન અપાશે તથા આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ 131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે તેવું અધિક જિલ્લા કલેકટર કે. બી. ઠક્કરે જાહેરનામુ બહાર પાડતાં જણાવ્યું હતું.