વરસાદ રહી ગયાના 24 કલાક બાદ પણ ઔદ્યોગિક વસાહતમાંથી પાણી ઓસર્યાં નહીં
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પાલિકા વિસ્તારમા આવેલા લાતી પ્લોટ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં વર્ષોથી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થાના અભાવે આખું વર્ષ હાલાકી ભોગવી રહ્યાં છે, તેમાં પણ ચોમાસાની સ્થિતિમાં તો હાલત અત્યંત ખરાબ થઈ જાય છે. એક તરફ રસ્તા પર પાણીના તલાવડા ભરેલા હોય છે તો બીજી તરફ કાદવ કીચડનું પણ સામ્રાજ્ય છવાયેલ રહેતું હોય છે. બીજી તરફ અહીં ચોમાસા સિવાય પણ ખરાબ રસ્તા, ભૂગર્ભના ખાડા, ગટરો ઉભરાવા સહિતની સમસ્યાઓની લાંબી યાદી તૈયાર જ હોય છે કે જે ઉદ્યોગકારોને કનડી રહી છે.
- Advertisement -
તાજેતરમાં વાવાઝોડાંને પગલે થયેલા વરસાદને પગલે થયેલી આ ખરાબ સ્થિતિમાંથી લાતી પ્લોટ વિસ્તારમાં હજુ પાણી નિકાલ થયો પણ ન હતો ત્યાં ફરીવાર સોમવારે થયેલા સાડા ત્રણ ઇંચ વરસાદમાં આખું શહેર જળબંબાકાર થઈ ગયું હતું.મોરબી શહેરના ઘણા વિસ્તારમાં તો પાણી ઓસરવા લાગ્યા પરંતુ લાતી પ્લોટની સ્થિતિ ફરી એકવાર ખરાબ થવા લાગી છે.
પાલિકા દ્વારા કોન્ટ્રાકટરને એક વર્ષ પહેલાં ભૂગર્ભ ગટરની પાઇપ લાઇનની કામગીરી સોંપી હતી, જો કે ગુણવતા વિહીન કામગીરીના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જો કે આ કામગીરી ફરી શરૂ ન થતાં આજ દિન સુધી લાતીપ્લોટની તમામ મુખ્ય શેરી તેમજ લાતી પ્લોટમાં આવેલા નાના મોટા કારખાના સુધી પહોંચવાનો માર્ગ અતિ ખરાબ હાલતમાં થઈ ગયો છે. જેના કારણે ત્યાંથી વાહન લઇને નીકળવું અતિ કઠીન થઈ ગયું છે.