વીરતા, ત્યાગ અને બલિદાનના પરમ પ્રતીક, ’જૂના’ ગઢમાં સ્થાપિત થશે !!
વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈનો ઇતિહાસ દર્શાવાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પુરાતત્વ અને સંગ્રહાલય દ્વારા ઉપરકોટ ખાતે નિર્માણ પામનાર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતુ મેમોરિયલ અંદાજે રૂ.4 કરોડના ખર્ચે બનશે. આ સ્મારકનું નિર્માણ કાર્ય 9 -10 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. મંત્રીએ આ પ્રસંગે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના સૂત્ર વિકાસ ભી વિરાસત ભી મંત્રને સાર્થક કરવા ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કેન્દ્ર- રાજ્ય સરકાર ઉદાર હાથે બજેટ ફાળવે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉપરકોટ ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે અહીં આવનાર પ્રવાસીઓ તેમજ આપણી ભાવિ પેઢી સામાજિક સમરસતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધર્મની પ્રેરણા પ્રાપ્ત કરશે. અને આપણા ઉજ્જવળ વારસાથી માહિતગાર થશે.તેમણે ઉમેર્યુ હતૂં કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અને રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રવાસનના વિવિધ પ્રોજેક્ટ હાલ પ્રગતિ હેઠળ છે.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, જવાહરભાઈ ચાવડા ધારાસભ્ય સંજય કોરડીયા, જામનાગરના સાંસદ પૂનમબેન માડમ તથા મહંત મહાદેવ ગીરીબાપુ, સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધર્મેશ પોશિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણી, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ધારાસભ્ય ઉદય કાનગડ, હેમંતભાઈ ખવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, સાવજ ડેરીના ચેરમેન, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, મનન અભાણી, અગ્રણી નટુભાઈ ભાટુ લક્ષ્મણભાઈ વસરા, લીરીબેન માડમ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



