સોમનાથ સહિત આસપાસના પ્રવાસન સ્થળોને વિકસાવવા ટૂર ઓપરેટર્સ સાથે સંવાદ થકી મનોમંથન કરાયું
પ્રથમ જ્યોતિર્લિંગમાં દાર્શનિક અનુભવ સાથે વૈશ્ર્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકાર કટિબદ્ધ – પ્રવાસન મંત્રી
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.23
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં આધ્યાત્મિક અનુભવ અને પ્રાકૃતિક સૌંદર્યનું મિલન માણવા દૂર-સુદૂરથી પર્યટકો સોમનાથ ખાતે આવતાં હોય છે. આ પર્યટકોને ઉત્તમ સુવિધા મળી રહે અને દાર્શનિક અનુભવ સાથે પ્રવાસન સુવિધા સુદ્રઢ બને એ માટે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વેરાવળ ખાતે ટૂર ઓપરેટર્સ રોડ શો સમિટ યોજાઈ હતી. મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસન ક્ષેત્ર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ગુજરાત એ જંગલ, દરિયો, રણ, પહાડ સહિતની નૈસર્ગિક પ્રકૃતિ ધરાવતું રાજ્ય છે. આવી જ રીતે ગીર સોમનાથ જિલ્લો પણ અફાટ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે.
- Advertisement -
તાલાલાના શ્રી બાઈ આશ્રમ સહિતના પ્રવાસન સ્થળનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રેટર ગીર પ્રોજેક્ટમાં આસ્થાના કેન્દ્ર સહિત અનેક પ્રવાસન સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આસપાસના પ્રવાસન સ્થળોના વિકાસનો મુખ્ય ઉદ્દેશ સોમનાથ આવતાં પ્રવાસીઓ જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા એમ આસપાસના જિલ્લાઓ પણ ફરી શકે અને વધુ દિવસો રોકાય એવી સુવિધાઓ વિકસાવવાની નેમ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થાનોની પૂર્ણ સર્કિટમાં પ્રવાસ કરી શકે એવો ઉદ્દેશ્ર્ય રહેલો છે.
આ સેમિનારમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત વિવિધ ટૂર ઓપરેટર્સ, હોમ સ્ટે સંચાલકો, હોટેલ ઈન્ડસ્ટ્રીઝ સંચાલકો, હોટેલ એસોસિએશનના સભ્યો અને પ્રવાસન સાથે સંકળાયેલા સ્ટેકહોલ્ડર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.