સાંસદો-ધારાસભ્યોની સંપતિ વિશે વખતોવખત રીપોર્ટ જારી થાય છે અને દર વખતે તેઓની સંપતિમાં મોટો વધારો થતો હોવાનું માલુમ પડી રહ્યુ છે ત્યારે એક નવા અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે 4001 વર્તમાન ધારાસભ્યોની સંપતિ 54545 કરોડની છે. જે નાગાલેન્ડ, મીઝોરમ, અને સિકકીમમાં વાર્ષિક બજેટ કરતાં પણ વધુ થવા જાય છે.આ ધારાસભ્યોમાં ભાજપનાં 1356 ધારાસભ્યો પાસે 16234 કરોડની અને કોંગ્રેસનાં 719 ધારાસભ્યો પાસે 15798 કરોડની સંપતિ છે.
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ તથા નેશનલ ઈલેકશન વોચનાં રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્યોએ ચૂંટણી વખતે રજુ કરેલા મિલકત સોગંદનામાનાં આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. કુલ 4033 ધારાસભ્યોમાંથી 4001 ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
4001 ધારાસભ્યોની કુલ સંપતી ગણતરીમાં લેવામાં આવે તો નાગાલેન્ડ, મીઝોરમ અને સિકકીમ જેવા ત્રણ રાજયોનાં વાર્ષિક બજેટ કરતાં પણ વધુ થઈ જાય છે. આ ત્રણેય રાજયોનું ચાલૂ વર્ષનું વાર્ષિક બજેટ 49103 કરોડનુ હતું નાગાલેન્ડનું 23086 કરોડ મીઝોરમનું 14210 કરોડ તથા સિકકીમનું 11807 કરોડનુ હતું.
ભાજપ-કોંગ્રેસ સિવાય વાયએસઆરસીપીના 146 ધારાસભ્યો પાસે 3379 કરોડની સંપતિ છે. જયારે ડીએમકેનાં 131 ધારાસભ્યો પાસે 1663 કરોડ આપનાં 161 ધારાસભ્યો પાસે 1642 કરોડની સંપતિ છે. દેશનાં 34 રાજકીય પક્ષો અને અપક્ષનાં ધારાસભ્યોની સરેરાશ સંપતિ 13.63 કરોડ થવા જાય છે.ભાજપનાં ધારાસભ્યની સરેરાશ સંપતી 11.97 કરોડ તથા કોંગ્રેસના ધારાસભ્યની સરેરાશ 21.97 કરોડ થવા જાય છે. કર્ણાટકનાં ધારાસભ્યોની સંપતિ સૌથી વધુ છે.