મસાલામાં ત્રીજુ સ્થાન : અનાજ – કઠોળ – ફળ – શાકભાજીમાં પણ વૃધ્ધિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચોમાસાના વહેલા આગમન તથા સમયસર વરસાદને પગલે ગુજરાતમાં ખરિફ પાકોનું વાવેતર ધમધોકાર થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત માટે ગૌરવરૂપ રીપોર્ટમાં એવુ બહાર આવ્યુ છે કે તેલીબીંયા ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં બીજા ક્રમે તથા મસાલા ઉત્પાદનમાં ત્રીજા ક્રમે પહોંચ્યુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રનાં 2011-12 થી 2023-24 ના ઉત્પાદન મુલ્ય વિશેનાં રીપોર્ટમાં આવુ જાહેર કરવામાં આવ્યું છે કે 2023-24 માં 14700 કરોડની કિંમતનાં મસાલાનાં ઉત્પાદન સાથે ગુજરાત ત્રીજા નંબરે પહોંચ્યુ હતું.પ્રવાસન ઉત્પાદનમાં ટોચનું સ્થાન જાળવી રાખીને 24900 કરોડનું ઉત્પાદન કર્યું હતું.મસાલા ઉત્પાદન 161 ટકા વધવા સાથે અભૂતપૂર્વ વૃધ્ધિદર નોંધાવ્યો હતો.
- Advertisement -
ઉકત સમયગાળા દરમ્યાન અન્ય કૃષિ પેદાશોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. તેલીબીંયા ઉત્પાદનમાં ગુજરાતે ટોચનું સ્થાન ગુમાવ્યુ હતું અને રાજસ્થાનથી પાછળ રહીને બીજા સ્થાને આવી ગયુ હતું. 2023-24 માં ગુજરાતમાં રૂા.29100 કરોડની કિંમતનું તેલીબીયા ઉત્પાદન હતું.
ગુજરાતનાં ઉત્પાદનમાં 31 ટકાનો વધારો હતો.સોયાબીનનાં ઉત્પાદનમાં મોખરે હતું. 2011-12 માં સોયાબીનનું ઉત્પાદન મુલ્ય 72 કરોડ હતું. તે 2023-24 માં 826 કરોડે પહોંચ્યુ હતું.
એરંડા સિવાયની તમામ તેલીબીંયા ચીજોનું ઉત્પાદન વધ્યુ હતું. એરંડાના ઉત્પાદનમાં 12 ટકા ઘટાડો હતો. મગફળીના ઉત્પાદન મુલ્યમાં 71 ટકા, રાયડામાં 61 ટકા, તલમાં 23 ટકાનો વધારો હતો. જોકે, કપાસમાં 12 વર્ષમાં ઉત્પાદન મુલ્યમાં 25 ટકાનો ઘટાડો હતો.અનાજનાં ઉત્પાદનનાં મુલ્યમાં 6 ટકાનો વધારો હતો.10643 કરોડથી વધીને 11313 કરોડ થયુ હતું. ડાંગરનું ઉત્પાદન મુલ્ય 35 ટકા થઈને 16 ટકા, બાજરાનું 6 ટકા વધ્યુ હતું ઘઉંમાં સાત ટકાનો ઘટાડો હતો.
કઠોળનાં ઉત્પાદન મુલ્યમાં 104 ટકાનો વધારો હતો.2580 કરોડથી વધીને 5254 કરોડનું થયુ હતું. ચણાના ઉત્પાદનનું કુલ મુલ્ય 290 ટકા વધ્યુ હતું. 2011-12 માં 944 કરોડના ચણાનું ઉત્પાદન હતું. તે 2023-24 માં 3686 કરોડનુ થયુ હતું. મસાલા ઉત્પાદન મુલ્ય 161 ટકા વધ્યુ હતું. આદુમાં 649 ટકા, ધાણામાં 417 ટકા, મરચામાં 392 ટકાનો વધારો હતો. જીરૂનુ ઉત્પાદન 2023-24 માં 7727 કરોડ હતું તે 2011-12 ના 3610 કરોડથી વધુનો વધારો સુચવે છે.
ફળ-શાકભાજીમાં બાવન ટકાની વૃધ્ધિ છે. સકરીયાનાં ઉત્પાદન કિંમતમાં 505 ટકાનો વધારો હતો. બટેટાનું 3222 કરોડ તથા કેળાનું 2774 કરોડનુ ઉત્પાદન હતું. કોબીજ, ફલાવર, લીંબુ, ડુંગળી જેવી ચીજોનાં ઉત્પાદન મુલ્યમાં પણ નોંધપાત્ર વૃધ્ધિ હતી.
- Advertisement -
તહેવારો ટાણે જ ખાદ્ય તેલો મોંઘા: ડબ્બાના ખેલમાં ગ્રાહકોને ડામ
રાજકોટ – સૌરાષ્ટ્રમાં માત્ર પામોલીનના જ 1.50 લાખ ડબ્બાનું વેંચાણ
ખાદ્યતેલો જૂનાં ડબ્બામાં વેંચવા પરના પ્રતિબંધનો એકાએક કડક અમલ શરૂ કરાતા સમગ્ર તેલમિલર – વેપારીઓમાં ખળભળાટ
ડબ્બે રૂા.80 સુધીનો તોળાતો ભાવવધારો ઉપરાંત માલખેંચ સર્જાવાની ભીતિ : મીલોના ટાંકામાં માલ હશે છતાં માર્કેટમાં નહીં આવે
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તહેવારો ટાણે જ ખાદ્યતેલોમાં ભાવવધારાથી ગ્રાહકો-વેપારીઓમાં જબરો દેકારો બોલી જવાના એંધાણ છે. જુના ડબ્બામાં ખાદ્યતેલ ભરવા કે વેચાણ કરવા પર પ્રતિબંધનો કડકાઈથી અમલ શરૂ થતા એકાદ-બે દિવસમાં જ માલખેંચની સ્થિતિ ઉભી થવા સાથે ડબ્બે રૂા.80 સુધીનો ભાવવધારો થવાના ભણકારા છે. ડબ્બાના ખેલમાં સામાન્ય વર્ગનો ‘ખો’ નિકળવાનુ ચિત્ર ઉપસવા લાગ્યુ છે.
તેલબજારના આધારભૂત વર્તુળોએ કહ્યું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જુના ડબ્બામાં ખાદ્યતેલોના વેચાણમાં કડક ચેકીંગ શરૂ થયુ છે. રાજકોટમાં શનિ તથા સોમવારે ઉપરાઉપર બે દિવસની ફુડ વિભાગે ચેકીંગ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ સર્જાયો હતો.
મીલરોએ જુના ડબ્બામાં ખાદ્યતેલ ભરવાનુ તથા વેપારીઓએ વેચવાનું બંધ કરી દીધુ હતું જેને પગલે આવતા દિવસોમાં અછતની સ્થિતિ સર્જાઈ શકે છે. એટલું જ નહીં ડબ્બે 80 રૂપિયાનો ભાવવધારો થવાના ભણકારા છે.વેપારીઓ-તેલમીલરોએ કહ્યું કે દૈનિક જરૂરિયાત મુજબના નવા ડબ્બા મળવાનું જ શકય નથી. સીંગતેલ, કપાસીયાતેલ, પામોલીનનુ મોટુ ચલણ છે. આ સિવાય રાયડા, સોયાબીન, સનફલાવર, મકાઈ જેવા અન્ય તેલોમાં પણ નોંધપાત્ર વેપાર-વેચાણ થતા હોય છે. દરરોજ લાખોની સંખ્યામાં ખાદ્યતેલોના ડબ્બા વેચાય છે અને પર્યાપ્ત સંખ્યામાં તે ઉપલબ્ધ થવાનું લગભગ અશકય છે.
કેન્દ્ર સરકારે થોડા વખત પુર્વે આ કાયદો ઘડયો હતો. તેની સામે લોકલ સહિતના તેલ સંગઠનો દ્વારા વિરોધ કરતી રજુઆતો પણ કરવામાં આવી હતી. કાયદો લાગુ રહેવા છતાં વેપારમાં કોઈ અસર ન હતી. પરંતુ હવે એકાએક કડક અમલ થતા ફફડાટ ઉભો થયો છે.
એક વેપારીએ નામ ન દેવાની શરતે કહ્યું કે સીંગતેલ-કપાસીયા જેવા ખાદ્યતેલોમાં તો જુના અને નવા એમ બન્ને પ્રકારના ડબ્બામાં વેચાણ થતુ હતું. પરંતુ જેનો સૌથી મોટો વપરાશ છે તે પામોલીન તો માત્ર જુના ડબ્બામાં જ વેચાતા હતા.
સૌરાષ્ટ્રમાં દરરોજ 1.50 લાખ ડબ્બા પામોલીન તેલનુ વેચાણ છે. નવા ખાલી ડબ્બા ઉપલબ્ધ ન થાય તો વેપાર વેરવિખેર થઈ જશે.
મીલરો પેકીંગ એકમો પાસે તેલના ટાંકા ભરેલા હશે. પરંતુ ડબ્બાના અભાવે માર્કેટમાં પુરતો માલ નહીં આવી શકે. તહેવારો ટાણે જ અત્યંત ખરાબ હાલત ઉભી થવાની આશંકા છે. આવતા દિવસોમાં કેવો વળાંક આવે છે તેના પર મીલરો-વેપારીઓની મીટ છે. હાલતુર્ત તો સમગ્ર તેલબજારમાં ફફડાટનો માહોલ છે.



