સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 કેસ નોંધાયા
કંજંક્ટિવાઇટિસના કેસનું સુરત, ભાવનગર અને અમદાવાદ બાદ રાજકોટમાં આગમન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસું આવે એટલે વિવિધ પાણીજન્ય રોગ તેમજ અન્ય પ્રકારના રોગચાળા ફેલાય છે. તે પૈકી કંજંક્ટિવાઇટિસ એટલે કે વાઈરસજન્ય આંખનો રોગ પણ થાય છે. જેમાં દર્દીની આંખો સોજી જાય છે અને સતત દુખાવો રહે છે. ધ્યાન ન આપવામાં આવે તો કીકીમાં પણ સોજો આવી જાય છે. રાજ્યમાં હાલ સુરત, ભાવનગર અને અમદાવાદમાં કેસ જોવા મળ્યા છે જ્યારે રાજકોટમાં સોમવારથી કેસમાં વધારો જોવા મળ્યો છે.
સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાંથી મળતી માહિતી મુજબ ગત સપ્તાહ સુધી દૈનિક 7થી 8 કેસ આવતા હતા જોકે સોમવારે પ્રથમ દિવસે જ 30 કેસ આવ્યા છે અને ધીરે ધીરે સંખ્યા વધી રહી છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ જણાવ્યું છે કે, આરોગ્ય કેન્દ્રોમાં છૂટા છવાયા કેસ આવી રહ્યા છે.
ચાલુ સપ્તાહથી કંજંક્ટિવાઇટિસના કેસમાં વધારો થયો છે. દર ચોમાસે આવી સ્થિતિ સર્જાતી હોય છે અને દૈનિક 400 કેસ સુધી પહોંચે છે. આ કારણે અત્યારે તો શરૂઆત ગણાવી શકાય. આ રોગને ફેલાતો અટકાવવો હોય તો મુખ્ય 3 બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. આંખોને હાથ અડાડવા નહિ, આંખો મસળવી નહિ તેનાથી હાથમાંથી ચેપ આંખો સુધી પહોંચી શકે છે. કોઇને રોગ થયો હોય તો તેમણે વાપરેલી કોઇપણ વસ્તુ અડવી જોઇએ નહિ. વાઈરસના વાહનમાં માખીની પણ ભૂમિકા હોય છે તેથી માખી ન થાય તેવી સ્વચ્છતા રાખવી જોઈએ. જે લોકોમાં ઈન્ફેક્શનની અસર છે તેમણે અન્યોથી દૂર રહેવું જોઈએ.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું છે કે, કંજંક્ટિવાઇટિસના હાલ શહેરના આરોગ્ય કેન્દ્રમા છૂટા છવાયા કેસ જોવા મળ્યા છે. ચોમાસામાં આ રોગચાળો વધે છે. રાજ્યમાં અન્ય શહેરોમાં જોઈએ તો સુરતમાં કેસનો ઉછાળો આવ્યા બાદ હવે ઘટવા લાગ્યા છે. ભાવનગર અને અમદાવાદમાં ખૂબ જ ઝડપથી કેસ વધ્યા છે અને હાલ પિક હોય તેવું લાગે છે. જ્યારે રાજકોટ શહેરમાં હવે શરૂઆત થઈ શકે છે. રોગને અટકાવવા માટે અત્યારે જ સાચો સમય છે. લોકો સ્વચ્છતા તેમજ આંખોની કાળજી રાખે તો વાઇરસને ફેલાતો અટકાવી શકાશે.
આંખ આવે, લાલાશ થાય તો મેડિકલ સ્ટોર પરથી ટીપાં લઈને નહીં નાખવાની આરોગ્ય વિભાગે સલાહ આપી
રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં આંખો આવવાના એટલે કે વાઈરલ ક્ધઝક્ટિવાઈટિસના કેસો સામે આવ્યા છે, જેને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખાતે સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી છે, સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું કે, આંખમાં લાલાશ, દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ, ગભરાવાની જરૂર નથી પણ યોગ્ય સારવાર, સાવચેતી રાખવી જરૂરી છે, આંખો આવે તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં, દવા નાખવી નહિ. ચેપ ધરાવતા દર્દીએ ચશ્ર્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. આંખોમાં લાલાશ દેખાય, દુખાવો થાય કે ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઈ સારવાર કરાવવી, જાતે ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહીં.
આંખના રોગથી બચવા શું કરવું?
સંક્રમિત વ્યક્તિએ ચશ્ર્મા પહેરવા, આંખમાંથી પાણી નીકળે તો ટિશ્ર્યૂ પેપરથી સાફ કરવું, ચેપીની સંભાળ લેનારે વારંવાર હાથ ધોવા, સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવવો નહીં તેમની વસ્તુ વાપરવી નહિ, ડોક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક કે સ્ટેરોઈડ ન વાપરવા, સંક્રમિત બાળકોએ શાળાએ ન જવું.
આંખના રોગના લક્ષણો અને ઈન્ફેક્શન શું થાય?
કંજંક્ટિવાઇટિસના લક્ષણોમાં આંખો લાલ થવી, આંખોમાં ખંજવાળ આવવી, આંખમાંથી સતત પાણી પડવું, આંખમાં દુખાવો થવો, આંખોના પોપચા ચોંટી જવા, પ્રકાશ સામે સંવેદના થવી, અમુક કિસ્સામાં રસી પડવી વગેરે છે.