ગૌતમ અદાણી 112.6 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે, આ જગ્યા પર પહેલા માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ હતા જે હવે પાંચમાં સ્થાને સરકી ગયા છે.
ફોર્બ્સની રિયલ ટાઇમ લિસ્ટ અનુસાર, ગૌતમ અદાણી 112.6 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે. જોકે લાંબા સમયથી આ પોઝિશન પર રહેલા માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ પાંચમા સ્થાને સરકી ગયા છે. ગેટ્સની નેટવર્થ હવે ઘટીને 103 અબજ ડોલર થઈ ગઈ છે.
- Advertisement -
અદાણી vs અંબાણી
ટોપ-10 અબજોપતિઓમાં બીજા ભારતીય ઉદ્યોગપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી છે. તે લિસ્ટમાં 10માં નંબર પર છે. તેમની કુલ સંપત્તિ 87.1 અબજ ડોલર છે. હવે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિ વચ્ચેનું અંતર વધી ગયું છે.
ટોપ પર એલન મસ્ક
ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક ટોચના અબજોપતિઓની યાદીમાં ટોચ પર છે. 230.4 અબજ ડોલરની સંપત્તિ સાથે મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ફ્રાન્સના અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ 148.4 અબજ ડોલર સાથે વિશ્વના બીજા અને એમેઝોનના જેફ બેઝોસ 139.2 અબજ ડોલર સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે.
ટોપ-10 અબજોપતિઓની યાદી
ટોપ-10 અબજોપતિઓની યાદીમાં સામેલ અન્ય અમીરોની વાત કરીએ તો લેરી એલિસન 97.3 અબજ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા નંબર પર છે, જ્યારે દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ 96.9 અબજ ડોલરની સંપત્તિ સાથે સાતમા સ્થાને પહોંચી ગયા છે. લેરી પેજ 96.7 અબજ ડોલર સાથે આઠમા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે, જ્યારે સર્ગેઇ બ્રિન 93 અબજ ડોલરની સંપત્તિ સાથે નવમા નંબર પર પહોંચી ગયા છે.
- Advertisement -
માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં ઘટાડો
ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તે અબજોપતિઓની યાદીમાં સતત પાછળ છે. હાલ તે ફોર્બ્સની રિયલ ટાઇમ લિસ્ટમાં 20માં ક્રમે પાછળ રહી ગયો છે. ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 59.3 અબજ ડોલર થઈ ગઈ છે.