-1992ના વન-ડે વર્લ્ડકપમાં બન્ને વચ્ચે ટક્કર થઈ’તી જેમાં પાકિસ્તાન જીત્યું હતું: ઈંગ્લેન્ડ જૂનો હિસાબ ચૂકતે કરવા આતૂર
-ત્યારે પણ પાકિસ્તાને સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું: બપોરે 1:30 વાગ્યાથી જંગ શરૂ
- Advertisement -
આવતીકાલે આઈસીસી ટી-20 વર્લ્ડકપ-2022નો ફાઈનલ મુકાબલો ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાશે. બન્ને ટીમો મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ટ્રોફી માટે ટકરાશે. 30 વર્ષ પહેલાં 1992માં પણ કંઈક આવો જ સંયોગ બન્યો હતો જ્યારે ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે મેલબર્નમાં જ વર્લ્ડકપનો ફાઈનલ રમાયો હતો. જો કે ત્યારે પાકિસ્તાને જીત મેળવી હતી ત્યારે હવે ઈંગ્લેન્ડ પાસે પૂરી તક છે કે તે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરીને પોતાનો બદલો પૂર્ણ કરે…
પાકિસ્તાને 1992માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જ ઈંગ્લેન્ડને હરાવીને પોતાનો પહેલો વર્લ્ડકપ જીત્યો હતો. કાલે ફાઈનલમાં તેની પાસે આ પરિણામ દોહરાવવાની તક હશે તો ઈંગ્લેન્ડની ટીમ 30 વર્ષ પહેલાં બાકી રહી ગયેલો હિસાબ પૂર્ણ કરવા મરણિયા પ્રયાસો કરશે. બન્ને ટીમોએ ટી-20 વર્લ્ડકપ એક-એકવાર જીત્યો છે. વર્ષ 2009 અને 2010ની ચેમ્પિયન ટીમો વચ્ચે અત્યાર સુધી અનેક રોમાંચક મુકાબલા રમાઈ પણ ચૂક્યા છે.
પાકિસ્તાનની ટીમ 1992 વર્લ્ડકપની જેમ જ આ વખતે પણ ન્યુઝીલેન્ડને હરાવીને જ ફાઈનલમાં પહોંચી છે. ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાને બે વાર એકબીજાનો સામનો કર્યો છે અને બન્નેવાર ઈંગ્લેન્ડે જ જીતનો સ્વાદ ચાખ્યો છે. વન-ડે વર્લ્ડકપમાં બન્ને વચ્ચે રમાયેલા 10 મુકાબલામાં જીતના મામલે પાકિસ્તાન 5-4થી આગળ છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. બન્ને ટીમો સુપર-12 તબક્કામાં કમજોર ટીમો સામે હારી હતી. પાકિસ્તાનને ઝીમ્બાબ્વે તો ઈંગ્લેન્ડને આયર્લેન્ડ સામે પરાજિત થવું પડ્યું હતું. ટી-20 જીત-હાર મામલામાં ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે 18-9થી આગળ છે.
- Advertisement -
એક મેચનું કોઈ જ પરિણામ આવ્યું નથી. પ્રતિષ્ઠિત મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બન્ને ટીમોમાંથી કોઈએ પણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી નથી. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનનો સર્વોચ્ચ સ્કોર 232 અને સૌથી ઓછો સ્કોર 89 રનનો છે. પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડનો સર્વશ્રેષ્ઠ 221 અને સૌથી ઓછો સ્કોર 135 રનનો છે. કેપ્ટન બાબર આઝમએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20માં 560 રન બનાવ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન વતી હારિસ રઉફે સૌથી વધુ 14 વિકેટ મેળવી છે. ઈંગ્લેન્ડ વતી ગ્રીમ સ્વાન અને આદિલ રાશિદ 17-17 વિકેટ લઈને ટોચ પર છે.