જૂનાગઢમાં રોજનું દૂધ ઉત્પાદન 1,80,000 લિટર
ખાસ-ખબર સંવાદદાતા
દૂધનું મહત્વ ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વનાં દરેક દેશમાં છે. આ મહત્વના કારણે જ દર વર્ષે 1 જૂને વર્લ્ડ મિલ્ક ડેની ઉજવણી થાય છે. દૂધ દરેક ઘરના રસોડામાં મળતી અનિવાર્ય વસ્તુ છે. દરેક ઘરની શરૂઆત દૂધ વિના અધુરી રહી જાય છે. બીમારી આવે તો ડોક્ટર પણ દૂધ પીવાની સલાહ આપે છે. ઘરમાં નાનું બાળક હોય તો તેને પણ ચા કે અન્ય પીણા આપવાને બદલે દૂધ આપવાનો આગ્રહ રાખવામાં આવે છે.1 જૂન દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ છે કે, દૂધના મહત્વને જન જન સુધી પહોંચાડી શકાય. દૂધ વિશે લોકોને જાગૃત કરી શકાય અને તેનું આપણા જીવનમાં શું મહત્વ છે તે પણ જાણી શકાય. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 1 જૂનને વિશ્ર્વ સ્તરે વિર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. આમ કરવાનું કારણ કે, દૂધને એક વૈશ્ર્વિક ભોજન તરીકે કેન્દ્રિત કરી શકાય. જૂનાગઢ જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગનાં 3.75 લાખ પશુ છે. આ ઉપરાંત જૂનાગઢમાં જિલ્લા દૂધ સંઘ અને માહી ડેર દ્વારા દૂધ એકત્ર કરવામાં આવે છે. એક અંદાજ મુજબ રોજનું 1.80 લાખ લિટર દૂધનું ઉત્પાદન થઇ રહ્યું છે. આ ઉપરાંત માલધારીઓ દ્વારા સુધી જ ગ્રાહકને દૂધ આપવામાં આવતુ હોય તે અલગ છે. આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પશુ સંવર્ધન કેન્દ્ર કાર્યરત છે. અહીં ગીર ગાય અને જાફરાબાદી ભેંસની નસલની ઉત્તમ ઓલાદનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. કુત્રિમ બીજદાન મારફત ગીર ગાયમાં 37 ટકા અને જાફરાબાદી ભેંસમાં 27 ટકા દૂધ વધારો મેળવ્યો છે.
- Advertisement -
ગીર ગાયમાં 37% અને જાફરાબાદી ભેંસમાં 26% દૂધ વધારો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પશુ સંવર્ધન કેન્દ્ર આવેલું છે. આ ગીર ગાય અને જાફરાબાદી ભેંસનું ભારતમાં એક માત્ર સંવર્ધન કેન્દ્ર છે. ખાસ કરીને ગીર ગાયનું દેશ – વિદેશમાં મોટું નામ છે. 1920માં શરુ થયેલ પશુ સંવર્ધન કેન્દ્ર દ્વારા ગીર નસલની ઉત્તમ ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. કુત્રિમ બીજદાન મારફત ગીર ગાયોમાં 37 ટકા જેવો દૂધ વધારો મેળવેલ છે. જે ભારતીય કૃષિ અનુંસંધાન પરિષદ દ્વારા આપણા પ્રયત્નોની સરાહના કરવામાં આવી હતી. તેવી જ રીતે જાફરાબાદી ભેંસમાં પણ 26 ટકા જેવો દૂધ વધારો મેળવેલ છે. આ ઉપરાંત આ કેન્દ્રને જાફરાબાદી બ્રીડ ક્ધઝર્વેશનનો એવોર્ડ પણ મળ્યો છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિ.નાં સહ વિસ્તર શિક્ષણ નિયામક ડો. જી.આર. ગોહિલે કહ્યું હતું.
દૂધનાં મુખ્ય લાભ
દૂધ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે.
સ્થૂળતાના જોખમને ઘટાડે છે.
તમારા દાંતને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
હાર્ટબર્નને રોકવામાં મદદ કરી શકે છે.
તમારી ત્વચાને ગ્લો કરવામાં મદદ કરે છે.
રોગો સામે લડવામાં મદદ કરે છે.
ડિપ્રેશન સામે લડવામાં મદદ કરી શકે છે.
જૂનાગઢ જિલ્લામાં ગાય, ભેંસ વર્ગનાં 3.75 લાખ પશુ
નાયબ પશુુપાલન નિયામક ડો. ડી.ડી. પાનેરાએ કહ્યું હતું કે, પશુઓની છેલ્લી વસ્તી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લામાં ગાય વર્ગનાં 1,65,135 અને ભેંસ વર્ગનાં 2,10,500 પશુની સંખ્યા છે. દર પાંચ વર્ષે પશુઓની ગણતરી કરવામાં આવે છે.
- Advertisement -
ઠંડું દૂધ પીવા કરતાં ગરમ દૂધથી વધુ ફાયદો
દૂધમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફોરસનો ભરપૂર ખજાનો હોય છે. ઠંડુ દૂધ પીવા કરતા ગરમ દૂધ પીવાથી વધારે ફાયદા થાય છે. બ્રેકફાસ્ટ હોય કે ડિનર દૂધ તમારા ડાયટનો મુખ્ય ભાગ હોય છે. દૂધથી શરીરને આરામ મળે છે અને શરીરને એક્ટિવ રાખવા માટે જરૂરી પોષક તત્વો પણ દૂધમાંથી મળે છે. દૂધ એ વિટામિન્સ અને મિનરલ્સ, ખાસ કરીને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે હાડકાના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે,તેમ ડો.જી.આર.ગોહિલે કહ્યું હતું.