રાજકોટનાં આકાશમાં જોવા મળશે અવનવી પતંગો
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે મકરસંક્રાંતિ – ઉત્તરાયણનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવશે. પતંગપર્વને અનુલક્ષી રાજકોટની બજારોમાં અવનવી પતંગો અને આકર્ષક દોરાઓનું આગમન થઈ ચૂક્યું છે. આ ઉપરાંત રાજકોટની બજારોમાં શેરડી, જીંજરા, બોર, ચીકીનું પણ આગમન થઈ ચૂક્યું છે. મકરસંક્રાંતિ – ઉત્તરાયણનાં તહેવારને એક જ દિવસની વાર હોય રાજકોટમાં ઠેરઠેર આનંદ-ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શનિવારે મકરસંક્રાંતિ હોવાથી રાજકોટિયોને રવિવારે રજાનાં દિવસે પણ વાસી ઉત્તરાયણ ઉજવવા મળશે. રાજકોટનાં સદર બજાર વિસ્તારમાં પતંગ રસિયાઓ પતંગ-દોરાની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. રંગીલા રાજકોટિયનોએ અગાસી-ધાબા પર ઉત્તરાયણની ઉજવણી કરવાની પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગના જથ્થા, ફિરકીઓ અને સાઉન્ડ સિસ્ટમ્સ સાથે અબાલ-વૃધ્ધો સૌ કોઈ પતંગોને આકાશી ઉડાન કરાવવા માટે પવનદેવને પધારવા પ્રાર્થના કરી રહ્યાં છે. જો આવતીકાલે પવન પૂરજોશમાં લહેરાશે તો દિવસભર સંગીતની ધૂન અને પીપૂડીઓના અવાજો સાથે એ કાઇપો છે.. કાઇપો..ના નાદ ગૂંજતા રહેશે.
- Advertisement -
પંતગ ચગાવતાં કે પકડવા જતાં કાળજી રાખજો
સૌનાં પ્રિય પર્વ ઉત્તરાયણને હવે ગણતરીનાં કલાકો બાકી રહ્યા છે. ઉત્તરાયણનો ઉત્સવ આનંદમય બની રહે તે માટે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે, પતંગ ઉડાડતા કે પકડતા સમયે અકસ્માત-ઈજાનો ભોગ ન બનીએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા પતંગ-દોરાથી અન્ય કોઈ જીવને પણ નુકસાન ન પહુચે તેની કાળજી રાખવી. બની શકે તો ઊંચાઈવાળી જગ્યાઓ ધાબા-અગાસીની જગ્યાએ ખુલ્લા મેદાનોમાં પતંગ ચગાવવી. વહેલી સવારે અને મોડી સાંજે પશુપક્ષી આકાશમાં વધુ પ્રમાણમાં ઉડતા-વિહરતા હોય બપોરનાં સમયે પતંગ ચગાવવી પ્રત્યેક જીવ માટે હિતાવક છે. પતંગ ચગાવતા સમયે ઈલેક્ટ્રિક તાર કે થાંભલામાં પતંગ અટવાઈ જાય તો તેને ખેંચવી નહીં, વીજ કરંટ લાગી શકે છે. બાળકો પતંગ ચગાવતા હોય ત્યાં મોટેરાઓએ તેમની પર ખાસ ધ્યાન દેવું. સ્વયં કે કોઈપણ વ્યક્તિને પતંગ-દોરાથી ઈજા ન પહુચે એ પ્રકારે ઉત્તરાયણનો તહેવાર સુખ-શાંતિથી ઉજવવો જોઈએ.
સંક્રાંતે 12થી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
મકરસંક્રાંતિને માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે અને ત્યારે પતંગ કેવી ચગશે તેને લઈને પતંગબાજો ખૂબ જ ઉત્સાહી હોય છે. ઘણા લોકો પવનની ગતિના આધારે પતંગની ખરીદીનો આગ્રહ પણ રાખે છે. આ તમામ ઉપરાંત જો પવન હોય તો જ સંક્રાંતની મજા લેવાય છે, ઘણી વખત એવું પણ બન્યું છે કે, ઝાકળ અથવા તો પવનની ગતિ નહિવત હોવાને કારણે અડધા અડધા દિવસની સંક્રાંત લોકોની બગડી હોય અને પતંગની મોજ ન માણી શક્યા હોય. જોકે આ વખતે આખો દિવસ પતંગ ચગાવી શકશે તેવી શક્યતા વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીએ કરી છે. હવામાન વિભાગના નિવૃત્ત અધિકારી ઉકાણી જણાવે છે કે, પવનની ગતિ 10 કિ.મી. કે તેથી વધારે હોય ત્યારે પતંગ ચગાવવાનો આનંદ સારી રીતે માણી શકાય છે. આ વખતે પણ ગતિ વધારે રહેશે. શુક્રવારે આખો દિવસ પવનની ગતિ ક્યારેક 15 તો ક્યારેક 20 કિ.મી. પ્રતિ કલાક સુધી જશે.