ગુજરાતની તમામ સીટો પર 7 મેએ મતદાન થવાનું છે ત્યારે આવતીકાલે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. એવામાં રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો રાજ્યમાં સભાઓ ગજવશે.
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 7 મેએ મંગળવારેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો પર એક જ તબક્કામાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે હવે મતદાનને આડે માત્ર 3 જ દિવસ બચ્યા છે, ત્યારે આવતીકાલે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે ચૂંટણી પ્રચાર કરવા માટે તમામ રાજકીય પક્ષો પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ પણ સભાઓ, રેલીઓ અને રોડ શોમાં વ્યસ્ત રહેવાના છે.
- Advertisement -
મતદારોને રિઝવવા છેલ્લી ઘડીનો પ્રચાર
રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટેના પ્રચારનો પડઘમ તેના ચરમ પર પહોંચી ગયો છે. પ્રચાર કરવા માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં પ્રચાર કરતા જોવા મળશે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ જેવા ભાજપના નેતાઓ પોતાના પક્ષનો પ્રચાર કરશે તો કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી, શશી થરૂર જેવા નેતાઓ સભા કરશે.
છોટાઉદેપુર અને વલસાડમાં સભા સંબોધશે કેન્દ્રીય ગૃહમંત્રી
ચૂંટણી પ્રચારનો પડઘમ અંતિમ તબક્કામાં છે, ત્યારે અમિત શાહ, પાટીલ, પ્રિયંકા ગાંધી, આ સ્ટાર પ્રચારકો રાજ્યમાં વિવિધ સ્થળે સભાઓ ગજવશે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા ગૃહમંત્રી અમિત શાહ છોટાઉદેપુર અને વલસાડમાં સભા સંબોધશે. આ સિવાય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર અને પેટલાદ સહિત ત્રણ સ્થળોએ પ્રચાર કરશે. ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બે દિવસમાં આઠ સભાઓ ગજવશે. મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણા અને રાજસ્થાનના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
પ્રિયંકા ગાંધી કરશે બનાસકાંઠામાં સભા
ગુજરાતમાં બધી જ બેઠકો કબજે કરવા માટે ભાજપનાં પ્રચારકોએ સભાઓ ગજવી છે તો કોંગ્રેસે વધુમાં વધુ બેઠકોને તોડી પાડવા માટે કમર કસી લીધી છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ બનાસકાંઠાના લાખણીમાં સભા ગજવશે. પૂર્વ વિદેશ મંત્રી શશી થરૂર વડોદરામાં ચૂંટણી પ્રચાર કરશે. ત્યારે આવતીકાલે સાંજે પ્રચારનાં પડઘમ શાંત થઈ જશે અને કાલે છેલ્લો દિવસ હોવાને કારણે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે જોર લગાવશે. ત્યારે સ્ટાર પ્રચારકો ગુજરાતને બે દિવસમાં ખૂંદી વળશે. કાલે સાંજે 6 વાગે પ્રચાર શાંત થઈ ગયા પછી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર થશે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા જ મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થશે.