‘ટોલ નહીં બને’નું વચન તૂટ્યું : નેતાઓની ખાતરી ખોખલી સાબિત થઈ
રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા પણ ટોલ ટેક્સ ચુકવવો પડશે
- Advertisement -
સૌરાષ્ટ્ર પંથકના છ જિલ્લા રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથના વાહનચાલકો પર વધારાનો ટોલ બોજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેનું કામ હજુ સંપૂર્ણ પુરૂ થયું નથી ત્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લાના વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસુલવા ટોલનાકાનું કામ ધમધોકાર શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટની ભાગોળે માલિયાસણ પાસે બનતા ટોલનાકાનો રાજકોટ શહેરમાંથી વિરોધ થયો પરંતુ હજુ સુધી એ ટોલ નાકાનું કામ બંધ થયુ નથી. પ્રચંડ વિરોધ બાદ રાજકોટના સાંસદ-ધારાસભ્યોએ ટોલનાકું નહીં બને તેવી ખાતરી આપી હતી. રાજકોટના સાંસદ પુરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયાએ વચન આપ્યુ હતુ કે શહેરની નજીક ટ્રાફિક અડચણ રૂપ ટોલનાકુ હટાવવા માટે યથા યોગ્ય મહેનત કરીશું પરંતુ હજુ ટોલ નાકાનું કામ ચાલુ જ છે. પરંતુ રાજકીય નેતાઓની ખાતરીનું સુરસુરીયું થઈ ગયું હોય તેમ કામ શરૂ થતા ફરીથી વાહનચાલકોમાં વિરોધનો સળવળાટ શરૂ થયો છે. રાજકોટ-અમદાવાદ સિક્સ લેનમાં વધારાના બે ટોલનાકા બનાવવાના કેન્દ્રીય હાઈવે ઓથોરિટી અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા બાદ હવે માલીયાસણ પાસે નવા ટોલનાકાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રાત-દિવસ કામ શરૂ કરવામાં આવતા ક્રોક્રિટથી રોડ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ ટોલનાકું શરૂ કરવામાં આવે તે પહેલા આસપાસના ગ્રામ્ય વિસ્તાર, ટ્રક ચાલકો સહિતનાઓએ વિરોધ કર્યો હતો. પરંતુ સાંસદ અને ધારાસભ્યોની વાતનું સુરસુરીયું થઈ ગયું હોય તેમ ટોલનાકાનું અડધું કામ પુર્ણ થઈ ગયું છે.
- Advertisement -
ભવિષ્યમાં ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ માટે નુકસાનકારક અને હાડમારીભર્યું થશે
રાજકોટ શહેરની એન્ટ્રીમાં બિનજરૂરી ટોલનાકાનો વિરોધ એટલા માટે જરૂરી છે કે આ ટોલનાકું શહેરથી ખૂબ નજીક છે ટોલ નાકુ એ રાજકોટમાં એઈમ્સ અને નવું એરપોર્ટ ન હતુ ત્યારનો પ્રોજેક્ટ છે જે હવે અમલમાં લાવ્યા છે. હાલમાં રાજકોટનો વિસ્તાર ખૂબ વધ્યો છે. ટોલનાકાની આગળ પણ નવા રસ્તાઓ નીકળવાના છે. જેથી ટ્રાફિક સમસ્યાનો વિકટ પ્રશ્ર્ન ઊભો થશે. ભવિષ્યમાં શહેરની નજીક ના બધા ઉદ્યોગ, ફેક્ટરી, કારખાના વેપાર, ધંધા, ખેડુત, માલ ગોદામ, વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ ટ્રાન્સપોર્ટને ખૂબ જ નુકસાન કારક અને હાડમારી ભર્યું થશે. જેથી સર્વે રાજકોટવાસીઓ તથા આજુ બાજુના વિસ્તારના લોકો પણ આ ભવિષ્યની હાડમારી ઉપર વિચાર કરીને આગળ આવી વધુ વિરોધ કરે તો જ આ સમસ્યાનો ઉકેલ આવશે.
ટોલનાકાથી ટ્રાફિકનો વિકટ પ્રશ્ર્ન ઊભો થશે
સૌથી મહત્વની વાત તો એ છે કે, રાજકોટથી નવા એરપોર્ટ જતા મુસાફરોને પણ ટોલ ટેક્સ આપવો પડશે. એટલુ જ નહીં જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, સોમનાથ જિલ્લાના વાહનચાલકોને અમદાવાદ જવા માટે વધારાનો ટોલટેક્સ ચુકવવો પડશે.રાજકોટના પાદરમાં ટોલનાકાથી ટ્રાફિકનો વિકટ પ્રશ્ર્ન ઊભો થશે.



