પોતાની પ્રથમ બન્ને મેચ જીતીને આત્મવિશ્વાસથી ભરપૂર થયેલી રાજસ્થાન રોયલ્સની ટીમ મંગળવારે વાનખેડે ખાતે રમાનારી આઇપીએલની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેદાનમાં ઊતરશે ત્યારે સંજૂ સેમસનની ટીમ વિજયની હેટ્રિક નોંધાવવાના તમામ પ્રયાસ કરશે. ફાફ ડુ પ્લેસિસની ટીમ પ્રથમ મેચ ગુમાવ્યા બાદ કોલકાતા સામે ત્રણ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. વાનખેડેની પિચ શરૂઆતમાં પેસ બોલર્સને વધારે મદદગાર બનતી હોવાના કારણે બન્ને ટીમ ટોસ જીતીને તેનો ફાયદો ઉઠાવવા માગશે.
રાજસ્થાન તરફથી ઓપનર જોસ બટલર શાનદાર ફોર્મમાં છે અને તે કોઈ પણ બોલિંગ આક્રમણના છોતરાં કાઢી શકે તેમ છે. અન્ય ઓપનર યશસ્વી જયસ્વાલ તથા ત્રીજા ક્રમાંકે બેટિંગ કરતા દેવદત્ત પડિક્કલે તેને સાથ આપવો પડશે. પ્રથમ મેચમાં સ્ફોટક અડધી સદી ફટકાર્યા બાદ સુકાની સંજૂ સેમસન પણ મોટી ઇનિંગ રમી શક્યો નથી. તેણે પોતાના પ્રદર્શનમાં સાતત્યતા લાવીને ટીમને પ્રેરણા આપવી પડશે. વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન શિમરોન હેતમાયરે પ્રથમ બંને મેચમાં આક્રમક બેટિંગ કરીને ઉપયોગી રન બનાવ્યા હતા. રાજસ્થાનના ટોપ-5 બેટ્સમેન બેંગ્લોરના બોલર્સ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.



