રક્તસેવા રાજકોટ રેડક્રોસની ‘ડોર ટુ ડોર ઈમરજન્સી બ્લડ ડ્રાઈવ’ ત્રણ ઈલેક્ટ્રીક સ્કૂટરથી 24 કલાક ચાલતી સેવા
125 હોસ્પિટલને આ સેવાનો લાભ મળે છે, તાલીમબદ્ધ 10 લોકો રોજ સરેરાશ 30 યુનિટ રક્ત પહોંચાડવામાં માધ્યમ બને છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
‘14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ’ તરીકે મનાવાય છે. રાજકોટ રેડક્રોસના ચેરમેન ડો. દીપક નારોલાએ વિશ્વ રક્તદાતા દિવસે કહ્યું હતું કે, રક્તદાન એ લોકોની જિંદગી બચાવવાનું અને માનવતાનું કાર્ય છે. ઉનાળામાં સામાન્ય રીતે લોહીની અછત થતી હોય છે, ત્યારે લોકોને વિનંતી છે કે, વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કરીને અન્ય લોકોના જીવન બનાવવાના માનવતાના કાર્યમાં સહભાગી બને. તેમણે ઉમેર્યું હતું કે, ‘14મી જૂન રક્તદાતા દિવસ’ નિમિત્તે ઉપરાંત વાર-તહેવાર, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને અન્યોને જીવનદાન આપીને અનોખી ઉજવણી કરી શકાય છે.
રાજકોટમાં રક્તદાતાઓના મહામુલા રક્તને જરૂરિયાતમંદ દર્દીઓના સારવાર-સ્થળ સુધી પહોંચાડવા અનોખી ‘ડોર ટુ ડોર ઈમર્જન્સી બ્લડ ડ્રાઈવ’ રાજકોટ રેડક્રોસ દ્વારા શરૂ કરવામાં આવી છે. કોઈ હોસ્પિટલમાંથી રક્તની માંગ આવ્યા પછી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને 90 મિનિટમાં જ દર્દીના બેડ સુધી રક્ત પહોંચાડી દેવામાં આવે છે. રાજકોટની આશરે 125 જેટલી હોસ્પિટલોને આ સેવાના દાયરામાં આવરી લેવામાં આવી છે. આ ડ્રાઇવ માટે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ત્રણ ઈલેક્ટ્રિક સ્કૂટર રાખ્યા છે તેમજ તાલીમબદ્ધ 10 લોકોનો સમર્પિત સ્ટાફ છે. કોઈ હોસ્પિટલમાંથી કોઈ દર્દી માટે રક્તની માંગ આવે એટલે ઈ-સ્કૂટર પર જઈને સૌથી પહેલા દર્દીના રક્તનું સેમ્પલ કલેક્ટ કરી આશરે 20 મિનિટમાં જ રેડક્રોસ લેબ ખાતે લવાય છે. લેબમાં તેને પ્રોસેસ કરવામાં આવે છે. 40થી 45 મિનિટમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે. એ પછી રક્તદાતાઓએ આપેલા રક્તના સ્ટોરેજમાંથી મેચિંગ બ્લડ કોમ્પોનન્ટ કે રક્ત લઈને આશરે 20 મિનિટની અંદર જરૂરિયાતમંદ દર્દી સુધી પહોંચાડવામાં આવે છે. સ્પેશિયલ બેગ્સ અને અલગ-અલગ ક્ષમતાના આઇસ બોક્સમાં એક કે એકથી વધુ રક્ત યુનિટનું પરિવહન કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આ સેવા 24 કલાક ચાલુ છે અને તેના માધ્યમથી રોજ સરેરાશ 30 યુનિટ રક્ત પહોંચાડવામાં આવે છે. આ સેવાનો મોટો ફાયદો એ છે કે, તેનાથી દર્દીઓના સગાઓની રક્ત મેળવવા માટેની રઝળપાટ ઘણે અંશે ઘટી ગઈ છે. જો કોઈ દર્દીના સગા ના હોય તો પણ તેને સારવારના સ્થળે જ રક્ત મળી જાય છે. આમ રક્તદાતાઓનું રક્ત દર્દીના ખાટલા સુધી પહોંચાડીને તેમનું જીવન બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. રેડક્રોસ બ્લડ બેન્કમાં હવે ક્લીયામેથડ ઈન્સ્ટોલ કરવામાં આવેલી છે. જેના કારણે સિંગલ યુનિટ બ્લડને પણ ઈમરજન્સીમાં પ્રોસેસ કરીને દર્દી સુધી પહોંચાડી શકીએ છીએ. બ્લડ ડ્રાઈવના ઈ-સ્કૂટર પર મોબાઈલ નંબર 99096 95100 તથા 88668 71717 લખવામાં આવ્યા છે. આ નંબર પર કોલ કરીને બ્લડ ડ્રાઈવની સેવા મેળવી શકાય છે. રાજકોટ રેડક્રોસની ઈનડોર બ્લડ બેન્કની સેવા ચાલુ જ છે. કોઈપણ રક્તદાતા આ બ્લડબેન્કમાં આવીને રક્ત આપી શકે છે. આ ઉપરાંત વિવિધ રક્તદાન કેમ્પો પણ સમયાંતરે યોજવામાંઆવેછે.
1400 સક્રિય રક્તદાતા, વ્હોટ્સએપ્પ ગ્રૃપમાં ‘લોહીની જરૂર છે’ એવો મેસેજ પડે કે ક્ષણભરમાં રક્તદાન માટે તૈયાર
- Advertisement -
રક્તવીર મિત્ર ા થેલેસેમિયા દર્દી માટે રક્તની માંગને પહોંચી વળવા કલ્પેશ ગમારા અને વિજય પુનવાણી 4 વ્હોટસએપ ગૃપ ચલાવે છે
દર વર્ષે 14 જુને વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એ બધા રક્તદાતાઓના માનમાં સમ પત છે જેઓ કોઈપણ સ્વાર્થ વિના જ બીજાના જીવન બચાવવા માટે સ્વૈચ્છાએ રક્તદાન કરે છે. રાજકોટમાં રક્તદાનની માનવ સેવાના મહાયજ્ઞમાં વધુ નામી-અનામી 6,000થી વધુ નામ રક્તવીરો નિ:સ્વાર્થ ભાવે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. આવા જ બે રક્તવીર મિત્રો છે બડા બજરંગ ફાઉન્ડેશનના કલ્પેશ ગમારા અને વિજય પુનવાણી , જેઓ સોશિયલ મીડિયાનો સદ્દઉપયોગ કરીને ચાર વ્હોટ્સએપ ગૃપ ચલાવી રહ્યા છે, જેમાં 1400 જેટલા સક્રિય રક્તદાતા સભ્યો છે. એ ગૃપમાં ગમે ત્યારે ‘લોહીની જરૂર છે’ એવો મેસેજ પડે કે ક્ષણભરમાં તો રક્તદાન માટે પડાપડી થઈ જાય છે. એ રક્તવીરોને દિવસ-રાતના 24 કલાક સરખાં છે, ને તડકો, ઠંડી, વરસાદ પણ નડતા નથી.
રક્તસેવક અને બડા બજરંગ ફાઉન્ડેશનના કલપેશ ગમારા કહે છે કે, ’આજથી છ વર્ષ પહેલા અમે યુવામિત્રો રામનાથપરામાં બેઠા હતા ત્યારે એક પરિચિત થેલેસેમિક દર્દીને લોહીની જરૂર હોવાની ખબર પડી. રક્તદાન વિશે કંઈ ગતાગમ નહોતી, પણ હું અને મિત્ર વિજય પુનવાણી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લોહી આપવા માટે પહોંચી ગયા. લોહી આપવું કેટલું સરળ છે એ તો ખબર પડી પણ સાથે સાથે લોહીની અછત અને દર્દી માટે લોહી શોધવા માટે રઝળપાટ કરતા સગા-સંબંધીઓને જોઈને રક્તદાન માટે કંઈક કરવાનું બન્ને મિત્રોએ નક્કી કર્યું. થોડો વિચાર કરીને ‘બડા બજરંગ રક્તદાતા ગૃપ’ નામે વ્હોટ્સએપ ગૃપ બનાવ્યું, ને પ્રથમ 15-20 મિત્રોને એમાં જોડ્યા. પ્રથમ મહિને અમે ખૂબ જ જરૂરિયાત ધરાવતા પાંચ થેલેસેમિક બાળકો માટે રક્તદાન કર્યું. બાદમાં અમારું વ્હોટ્સએપ ગૃપ રક્તદાન કરવા ઈચ્છુક સભ્યોથી છલકાઈ ગયું. પછી બીજુ.. ત્રીજું અને ચોથું ગૃપ બનાવવું પડયું. આજે ચાર ગૃપમાં 1400 જેટલા સભ્યો છે. આજે દર મહિને 350 બોટલથી વધુ રક્તદાન કરીએ છીએ. અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોને 20,000 થી વધુ બોટલ રક્તની વ્યવસ્થા કરી આપી છે. હવે તો આખા વર્ષ દરમિયાન 12-15 રક્તદાન કેમ્પ પણ યોજવાનું ચાલુ કર્યું છે.
શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ સિવિલને દર મહિને 2000 યુનિટ રક્ત આપે છે
રાજકોટમાં શ્રીમદ રાજચંદ્ર જ્ઞાનમંદિરના માધ્યમથી અગણિત સેવા કાર્યો કરતા વિનયભાઈ જસાણીએ 37 વર્ષ પહેલા માત્ર 18 વર્ષની વયે પ્રથમ વખત રક્તદાન કર્યું હતું, જેઓ અત્યાર સુધીમાં 160 વખત બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે. તેઓ કહે છે કે સેવાભાવી કુટુંબમાં જન્મ થયો હોવાથી ગળગૂથીમાં જ પરોપકારના ઘૂંટડા પીધા’તા. નાનપણમાં મોટાભાઈને રક્તદાન કરતા જોતો ત્યારે જ મનમાં ઠસાવી લીધું કે રક્તદાન સેવાયજ્ઞની અખંડ ધૂણી ધખાવવી છે. 37 વર્ષમાં 160 વખત રક્તદાન તો કયું જ.. સાથે સાથે રાજકોટથી રક્તદાન કેમ્પ શરૂ કર્યા જે આજે રાજ્યવ્યાપી વિસ્તર્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે દર મહિને 2000 જેટલા યુનિટ રક્ત એકત્ર કરી આપીને 70 % જરૂરિયાત પૂરી કરીએ છીએ. હવે અમદાવાદ સહિતના શહેરોમાં પણ રક્તદાન કેમ્પ કરીને થેલેસેમિક દર્દીઓ માટે આપવાનું ચાલુ કર્યું છે. કોરોનાકાળ વખતે રક્તની બહુ અછત હતી ત્યારે તો રક્તદાતાને ઘરેથી લાવીને પરત મુકવા જવાની પણ વ્યવસ્થા ગોઠવી હતી.’