24 એપ્રિલ એટલે નેશનલ પંચાયતી રાજ દિવસ, પંચાયતી રાજના શિલ્પી બળવંતરાય મહેતા સમિતિની મુખ્ય ભલામણો કઈ હતી?, ઈતિહાસ સાથે હાલ ગુજરાત સરકાર ગ્રામપંચાયત માટે કઈ કઈ યોજના ચલાવે છે તેના પર પણ કરો નજર
આજે પંચાયતી રાજ દિવસ..લોકશાહીના એ મૂળ પાયાનો દિવસ જ્યાંથી ગામનો, તાલુકાનો કે જિલ્લાના વિકાસનો ઉદય થાય છે. એવી વ્યવસ્થા કે જે લોકશાહીનો મૂળ હેતુ, લોકો દ્વારા લોકો માટે અને લોકોનું સુશાશનને સાર્થક કરે છે. પંચાયતી રાજને ભારતનું ઘરેણું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે જેનો પાયાનો એકમ પંચાયતી રાજ છે અને તેમા પણ ખાસ કરીને ગ્રામ પંચાયત ઉપરોક્ત વાતને સારી અને સાચી રીતે ફળીભૂત કરે છે.કહેવત છે કે જેને સમાજનો ઈતિહાસ ખબર નથી તે ઈતિહાસ શું રચી શકવાના..ત્યારે આજે સમગ્ર ભારતીય સમુદાયના સમાજના પાયાના કાર્યકર તરીકે પંચાયતી રાજના ઊંડેથી જાણીએ અને તેના ઈતિહાસ પર નજર કરીએ તેમાં જેણે ગ્રામ સ્વરાજનું સપનું જોયું તેવા ભારત રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીના એક વિચારથી કરીએ…
- Advertisement -
1947માં દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નેહરુએ લોકશાહી દેશના વહિવટના વિક્ન્દ્રીકરણ માટે પંચાયતી રાજનો મહત્વ આપ્યું હતું. ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્યમંત્રી બળવંતરાય મહેતા એક ભારતીય રાજકારણી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમને લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે “પંચાયતી રાજ શિલ્પી” તરીકે ગણવામાં આવે છે. બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ. જો કે રાજસ્થાન બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પંચાયતીરાજનો ક્રમશ અમલ શરુ થયો હતો.પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય ” આંધ્રપ્રદેશ” હતુ.
ગામને નાણા ઉઘરાવવા સુધીની સત્તા મળી
બળવંતરાય મહેતા સમિતિની મુખ્ય ભલામણો કે જેને ગામડાને પ્રાધાન્ય આપી તેમણે વહીવટ આપ્યો અને ગામની સત્તા આપી અને નાણા ઉઘરાવાનો સુધીની જવાબદારી આપી અને આ જ ભલામણોએ ભારતના પંચાયતી રાજના માળખાને ન કેવળ મજબૂત કરવાનું કામ કર્યું પણ ગામડાને બેઠું કરવા, તેને લોકશાહીનો ભાગ બનાવવા, ગામની સરકાર ચલાવવાનો મોકો આપ્યો. અને આ જ તકે ગામડાની શકલ બદલી આજે એવા ઘણા ગામડા છે જે શહેરોની ભભકાને ઝાંખા પાડે છે.
- Advertisement -
પંચાયત રાજ એક એવી બંધારણીય પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો. પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. “રાજ”નો શાબ્દિક અર્થ “શાસન” અથવા “સરકાર” થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે “ગ્રામ સ્વરાજ” એવો શબ્દ પ્રયોજાયો હતો. કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને 1950થી 60ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય(૭૩મો સુધારો) એક્ટ 1992 બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. ૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો (અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં અમલમાં છે. દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે.