મુંબઈમાં દેશની પ્રથમ વીજળીવાળી ફાઈવ સ્ટાર હોટેલ તાજ જમશેદજી તાતાએ બનાવેલી
આજે તાતા ગ્રુપ મીઠાથી માંડીને ટ્રક સુધી ઉત્પાદન કરે છે પરંતુ આ તાતા ગ્રુપના પાયાના પથ્થર છે. જમશેદજી તાતા આજથી 183 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો. મુંબઈમાં તાજ હોટેલના પાયા નાખનાર જમશેદજી તાતાનો જન્મ 3 માર્ચ 1839માં દક્ષિણ ગુજરાતના નવસારીમાં પારસી પરિવારમાં થયો હતો. 19 મે 1904માં 65 વર્ષની વયે તેમનું મૃત્યુ થયુ હતું.
તેમનું પુરું નામ જમશેદજી નૌશીરવાનજી તાતા હતું. માત્ર 14 વર્ષની વયે જ જમશેદજીએ પિતાની સાથે મુંબઈ આવી વ્યવસાયમાં શરુઆત કરી હતી. 17 વર્ષની વયે તેમણે મુંબઈની એલફિસ્ટન કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. બે વર્ષ બાદ 1858માં ગ્રીન સ્કોલર (સ્નાતક સ્તરની ડીગ્રી) બન્યા. જમશેદજીના જીવનના મોટા લક્ષ્યોમાં સ્ટીલ કંપની ખોલવી, વિશ્ર્વ પ્રસિદ્ધ અધ્યયન કેન્દ્ર સ્થાપવું, અનોખી હોટલ ખોલવી, પનબિજલી પ્રોજેકટ હતા.અલબત, તેમના જીવનકાળમાં તેઓ માત્ર તાજ હોટેલને જ બનેલી જોઈ શકેલા. આ હોટેલ ડિસેમ્બર 1903માં 4 કરોડ 21 લાખ રૂપિયાના ખર્ચે બની હતી. આ ભારતની પ્રથમ હોટેલ હતી, જયાં વીજળીની વ્યવસ્થા હતી. બાદમાં જમશેદજીનાં વારસદારોએ જમશેદજીના સપના સાકાર કર્યા હતા. જમશેદજીનું વિઝન ઝારખંડના જમશેદપુરમાં જોવા મળે છે. આ શહેર તાતાનગરથી પણ જાણીતું છે.