ગાંધીનગર ખાતે ભાજપની મહત્વની બેઠક આજે યોજાવાની છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ તથા સાંસદો ઉપસ્થિત રહેશે.
લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. તો બીજી તરફ તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. આજે ગાંધીનગર પથિક આશ્રમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ, સાંસદો તેમજ આગેવાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મુખ્ય આમંત્રિતો સિવાય કોઈ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે નહી. આ બેઠકમાં આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગુપ્તતા જાળવવા પ્રદેશ નેતાઓ અને મંત્રીના મોબાઈલ પણ બહાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહેવાની શક્યતા
લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં આવ્યું છે. જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 જાન્યુઆરીએ ગુજરાત આવશે. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મહત્વની બેઠકમાં તેઓ ભાગ લેશે. બેઠકમાં 52 નેતાઓને બોલાવાયા છે. સી.આર.પાટીલ, વિજય રૂપાણી નીતિન પટેલ સહિતના નેતાને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. બેઠકમાં લોકસભા ચૂંટણીની જવાબદારી અને એક્શન પ્લાન પર ચર્ચા થવાની સંભાવના છે.
2014 થી 2019 સુધી ભાજપનો થયો છે પ્રચંડ વિજય
મહત્વનું છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા તે લોકસભા ચૂંટણીથી લઈ અત્યાર સુધી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જોકે હવે જ્યારે ભાજપ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા પર પાછા ફરવા માંગે છે ત્યારે પાર્ટી PM મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક પણ બેઠક ગુમાવવા માંગતી નથી. જેના ભાગરૂપે પાર્ટીએ અમુક જૂના જોગીઓની સાથે આ પ્રભારીઓની નિમણૂક કરી છે.
વિધાનસભામાં પણ ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન
નોંધનિય છે કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભાજપે 156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી.પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો જીતી હોવાની સાથે સાથે ગુજરાતની લોકસભાની 22 સીટો પર પાર્ટી ઘણી મજબૂત છે. જોકે અહીં એક વાત એ પણ છે કે, આ વખતે અનેક કારણો સાથે પાટણ, જૂનાગઢ, અમરેલી અને ભરૂચની બેઠકો પર પાર્ટીને કોંગ્રેસ તરફથી પડકારનો સામનો કરવો પડે તેવી ધારણા છે. જોકે ભાજપ આ બેઠકો માટે અલગથી રણનીતિ પણ બનાવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
- Advertisement -