42 વર્ષ સુધી જે તર્પણ આ ખોળીયામાં રહ્યો એને તેણે અગ્નિદાહ આપી દીધો હતો…
હળવેથી ઉભા થઈ તર્પણે કવર કબાટમાં મુકયું, નોટોના બંડલમાંથી વીસ નોટ તેણે કાઢી તેમાંથી દસ નોટ બહાદુરને આપી અને કહ્યું કે, ફ્રુટ વગેરે માટે અવારનવાર તારે આની જરૂર પડશે, બાકીના ખિસ્સામાં સેરવી એ બાથરૂમમાં ફ્રેશ થવા ચાલ્યો ગયો….
- Advertisement -
પ્રકરણ – 6
ઘેર આવ્યા પછી તર્પણને ખાસ્સી તાજગીનો અનુભવ થતો હતો. તે હજુ તો પહોંચ્યો જ હશે ત્યાં ઘરના નોકર બહાદુરે તેના હાથમાં એક વજનદાર કવર પકડાવ્યું. કવર વિવેકના પિતા ભગવતીચરણ વર્માએ મોકલ્યું હતું. તર્પણે કવર ખોલ્યું. અને જોયું તો અંદર પાંચસોની નોટોનાં છ બંડલ હતાં. સાથે એક નાની ચબરખી હતી. જેમાં લખ્યું હતું: ‘હોસ્પિટલમાં પણ ખર્ચ થયો હશે. અને હવે ઘેર પણ દવા વગેરેનો ખર્ચ ચાલ્યા કરશે… હજુ વધુ કંઈ જરૂર હોય તો કહેજે. લગે રહો…’ હળવેથી ઉભા થઈ તર્પણે કવર કબાટમાં મુકયું. નોટોના બંડલમાંથી વીસ નોટ તેણે કાઢી તેમાંથી દસ નોટ બહાદુરને આપી અને કહ્યું કે, ફ્રુટ વગેરે માટે અવારનવાર તારે આની જરૂર પડશે. બાકીના ખિસ્સામાં સેરવી એ બાથરૂમમાં ફ્રેશ થવા ચાલ્યો ગયો.
સ્નાન વખતે પણ તેના દિમાગમાંથી શ્રીકુમાર ચતુર્વેદી હટયા નહોતા. સાહેબે કહેલી એક-એક વાત તેને જાણે દસ-દસ વખત સંભળાઈ રહી હતી. જાણે કોઈએ સિદ્ધ કરેલો ગુરૂમંત્ર આપ્યો હોય અને પછી મનમાં જે રીતે તેનું સ્વયંભુ રટણ ચાલું રહે તેમ તર્પણના મનમાં સાહેબના મંત્રો પડઘાઈ રહ્યા હતાં. ચતુર્વેદી સાહેબએ તેનું રાજકીય કુંડલિની જાગરણ કર્યા પછી તેની ભીતર જાણે કોઈ જ્ઞાનપુંજ પ્રગટયો હોય તેમ એ ઝળાંહળાં થઈ રહ્યો હતો. તર્પણને લાગ્યું કે જાણે દાયકાઓથી એ કોઈ જંગલમાં માર્ગ શોધવા માટે ભટકી રહ્યો હતો અને કોઈ ગેબી સહાયના કારણે તે પળવારમાં રાજમાર્ગ પર આવી ગયો. તેને નકશો સમજાવા લાગ્યો હતો અને મગજમાં જાણે જીપીએસ સિસ્ટમ એક્ટિવેટ થઈ હોય તેમ આગળનો હજારો કિલોમીટરનો રસ્તો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કયાં કેવોક ટ્રાફિક હશે, કયો વિસ્તાર અકસ્માત સંભવ ક્ષેત્ર જેવો હશે, રસ્તાનો કયો ટુકડો ઉબડખાબડ અને જર્જરિત હશે અને કયાં હોલ્ટ કરી શકાય… તે બધા વિશે તેને એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી રહ્યો હતો. ઘેરથી એ જ્યારે નીકળ્યો ત્યારે પણ સ્નાનાદિ પતાવીને જ ગયો હતો. પરંતુ સાહેબના ઘેરથી પાછા આવીને સ્નાન કરવા પાછળનું પ્રયોજન જ કદાચ એ હતું કે, એ પોતાની જાતને સ્પષ્ટ મેસેજ આપવા માંગતો હતો. એક તાજા જન્મેલા બાળકને જેટલી સલુકાઈથી સ્નાન કરાવાય છે તેમ તેણે ખુદને જ સ્નાન કરાવ્યું. અને કોઈની અંતિમક્રિયા પછી જે ભાવનાથી સ્નાન થાય છે તેનો ભાવ પણ તેમાં મિશ્રિત હતો. આજે એક નવો તર્પણ અવતર્યો હતો. અને 42 વર્ષ સુધી જે તર્પણ આ ખોળીયામાં રહ્યો એને તેણે અગ્નિદાહ આપી દીધો હતો.
- Advertisement -
બાથરૂમમાંથી બહાર નીકળી તેણે ટેલિવિઝન ઑન કર્યુ. ન્યૂઝ ચેનલમાં એક્ઝિટ પોલ આવી રહ્યો હતો. લગભગ દરેક ચેનલ એવું કહેતી હતી કે, અગાઉથી જ લોકશક્તિ મંચ માટે સારૂં વાતાવરણ હતું. પરંતુ તર્પણની જાહેરસભામાં થયેલા હૂમલા પછી એ માહોલ જાણે જુવાળમાં પરિવર્તિત થઈ ગયો હતો. અમુક ચેનલો કહેતી હતી કે, લોકશક્તિ મંચને કમ સે કમ 300 સીટ તો મળશે જ. કોઈ વળી 3ર0 જેવો અંદાજ પણ માંડી રહી હતી. રાજકીય નિરીક્ષકો દરેક ચેનલ પર છવાયેલા હતાં. મોટાભાગના સમીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય એ હતું કે, લોકશક્તિ મંચની સંભવિત જીત માત્ર અને માત્ર તર્પણના કરિશ્માને આભારી હશે.
કરિશ્મા. તર્પણના મનમાં શબ્દ પડઘાઈ રહ્યો હતો. તેને વિચાર આવ્યો: ‘વિવિધ સ્તરે અને અલગ-અલગ સમયે આ દેશમાં કેટકેટલા કરિશ્માટિક નેતાઓ આવ્યા. પણ પોતાના કરિશ્માનો હકારાત્મક ઉપયોગ કરવાને બદલે તેઓ પણ છેવટે લોકોમાં જ ભળી ગયા. તેમણે ધાર્યું હોત તો દેશ કયાંનો કયાં પહોંચી ગયો હોત.’
ચેનલો પર પીપલ્સ પાર્ટીના નેતાઓ પોતાની જીતના દાવાઓ કરી રહ્યા હતાં. લગભગ દરેક ચેનલ પર પીપલ્સ પાર્ટીના રાશીદ ખાન કહેતા હતાં કે, કોઈ જુવાળ નથી અને કોઈનો કરિશ્મા નથી. પીપલ્સ પાર્ટી બહુ આસાનીથી દિલ્હીની ગાદી કબ્જે કરશે. તર્પણ મનોમન મલક્યો અને રીમોટ હાથમાં લઈ ટેલિવિઝન ઑફ કર્યુ. મોટા પગલાં લેતો એ ઝડપથી પોતાના સ્ટડીરૂમ તરફ ગયો અને પોતાનું પર્સનલ કોમ્પ્યુટર ઑન કર્યુ. કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ કનેકટ કરી ગૂગલમાં તેણે સર્ચ આપી. ‘મિસ્ટેકસ ઓફ ગાંધીજી.’ સર્ચના રીઝલ્ટરૂપે લગભગ બે લાખ કરતાં વધારે ઓપ્શન્સ ખૂલી ચૂકયા હતાં. મહત્ત્વપૂર્ણ લીન્કો એ અલગ ટેબમાં ખોલવા લાગ્યો. કેટલીક ઈ-બુક પણ તેણે ડાઉનલોડ કરવાનું શરૂ કરી દીધું. એક પછી એક લીંકના લેખો એ ધ્યાનથી વાંચતો ગયો. કેટલાંક લેખો તેણે કોપી કરી એક અલગ ફાઈલમાં સેવ કરી લીધા.
ચોરનો ભાઈ સંત ન હોય
પણ ઘંટીચોર જ હોય,
ચૂંટણીઓ વખતે સોશ્યલ નેટવર્કિંગ સાઈટસનો જે માહોલ હોય છે તેવો જ ચોમેર ત્યાં જામેલો હતો, એક યુવાને
બહુ આકરૂં સ્ટેટસ મૂકયુ હતું
આજે એ જાણે ગૂગલનો કસ કાઢી લેવા બેઠો હોય તેમ અનેક પ્રકારની સર્ચ એ આપતો ગયો. ‘ઈન્ડિયાઝ એનિમીઝ’, ‘કરપ્શન ઈન ઈન્ડિયા’થી માંડીને નેશનલ સિકયુરીટી ઈન ઈન્ડિયા સુધીની અનેક સર્ચ તેણે આપી. વચ્ચે બહાદુર આવી જમવાનું પૂછી ગયો. પણ તર્પણએ સ્પષ્ટ ના કહી અને સૂચના આપી કે, દર કલાકે તેણે એક કપ કડક કોફી સ્ટડીરૂમમાં મુકી જવી.
સમય ઝડપભેર પસાર થઈ રહ્યો હતો. અચાનક તેને ખ્યાલ આવ્યો કે, તેનો સેલફોન પણ કલાકોથી રણકયો નથી. પોતાનો હેન્ડસેટ હાથમાં લીધો તો ખ્યાલ આવ્યો કે, એ ઑફલાઈન મોડમાં હતો. તેને યાદ આવ્યું કે સવારે ચતુર્વેદી સાહેબના ઘરની બહાર તેણે ફોન ઑફલાઈન મોડ પર મુકયો હતો, તે પછી નોર્મલ મોડ પર લેવાનું ભુલાઈ ગયુ હતું. ફોનને તેણે નોર્મલ મોડ પર લીધો તે સાથે જ મિસ્ડ કોલ એલર્ટનો ધોધ શરૂ થઈ ગયો. અનેક મેસેજ પણ ઈનબોકસમાં ટપકી પડયા. વિવિધ ન્યૂઝ ચેનલોમાંથી કેટલાય જાણીતા પત્રકારોએ તેને ફોન કરવા પ્રયત્નો કર્યા હતાં. સ્વાભાવિક રીતે જ દેશના અનેક સ્ટાર પત્રકારો પાસે તર્પણનો ડાયરેકટ મોબાઈલ નંબર રહેતો હતો. કોઈ સામાન્ય રીપોર્ટર હોય તો તેમણે તર્પણના પર્સનલ આસિસ્ટન્ટ એવા કિશન મહેતાનો સંપર્ક કરવો પડતો. મિસ્ડ કોલ એલર્ટમાંથી કોઈને પણ તર્પણએ કોલ બેક કર્યો નહીં. વ્હોટ્સઍપ્સ ચેક કર્યુ. તેમાં અનેક મેસેજીસ હતાં. અગત્યનો મેસેજ તેને ભગવતીચરણ વર્માનો લાગ્યો. વર્માજીએ માત્ર એટલુ જ પૂછ્યું હતું: ‘રિસીવ્ડ?’ તર્પણએ રિપ્લાય કર્યો: ‘યસ. થેન્કસ.’ ફરી પાછો એ પોતાના પર્સનલ કોમ્પ્યુટરની એલઈડી સ્ક્રીનમાં ખોવાઈ ગયો.
ન્યૂઝ પોર્ટલ પર જઈ તેણે ઈલેકશનના સેકશનમાં વિવિધ લેખો ઉલેચવાનું શરૂ કર્યું. મોટાભાગના લેખો કહેતા હતા કે, તર્પણની જાહેરસભા પર જો વિરોધ પક્ષોએ હૂમલો કરાવ્યો હોય તો એ કૂહાડા પર પગ મારવા જેવું કૃત્ય ગણાય. સોશ્યલ નેટવર્કિંગ સાઈટસ પર પણ આ જ સૂરમાં વાતો થઈ રહી હતી. યુવાનોને સાંકળતી અનેક કોમ્યુનિટીમાં ચૂંટણીની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી. કેટલાંક યુવાનો કહી રહ્યા હતાં કે, લોકશક્તિ મંચને વિજય મળશે તો દેશની શકલ બદલાઈ જશે. સામે કેટલાંક યુવાનોની પ્રતિદલીલ પણ હતી કે, શો ફર્ક પડશે? શાસકો બદલાતા રહે છે, દાનત બદલાતી નથી. તેમનો કહેવાનો સૂર એ જ હતો કે, ચોરનો ભાઈ સંત ન હોય પણ ઘંટીચોર જ હોય. ચૂંટણીઓ વખતે સોશ્યલ નેટવર્કિંગ સાઈટસનો જે માહોલ હોય છે તેવો જ ચોમેર ત્યાં જામેલો હતો. એક યુવાને બહુ આકરૂં સ્ટેટસ મૂકયુ હતું:
ચેનલો પર પીપલ્સ પાર્ટીના નેતાઓ પોતાની જીતના દાવાઓ કરી રહ્યા હતાં, લગભગ દરેક ચેનલ પર પીપલ્સ પાર્ટીના રાશીદ ખાન કહેતા હતાં કે, કોઈ જુવાળ નથી અને કોઈનો કરિશ્મા નથી, પીપલ્સ પાર્ટી બહુ આસાનીથી દિલ્હીની ગાદી કબ્જે કરશે
‘મારૂં ઈન્કમટેક્ષ રિટર્ન ફોર્મ મને રિજેકટ કરીને પાછું મોકલવામાં આવ્યું છે. કારણ કે તેમાંના એક સવાલનો મેં આપેલો જવાબ તેમને સંતોષકારક લાગ્યો નથી.
ફોર્મમાં પૂછયુ હતું કે, તમારા પર આધારિત હોય તેવી કેટલીક વ્યકિતઓ છે?
મેં જવાબ આપ્યો:
દેશના 65 ટકા નાગરિકો-જે ટેકસ ચૂકવતા નથી.
અઢી કરોડ બાંગ્લાદેશી, પાકિસ્તાની અને નેપાળી ઘૂસણખોરો.
દેશની 85 મુખ્ય જેલોમાં રહેલા 9 લાખ ક્રિમિનલ્સ.
અને આ બધાથી ઉપર એવા દેશની સંસદમાં બેઠેલા 769 ઈડિયટસ!
આવકવેરા વિભાગે કહ્યું કે, આ જવાબ સ્વીકાર્ય નથી.
મને હજુ આશ્ર્ચર્ય થાય છે કે, હું કોનો ઉલ્લેખ કરતા ચૂકી ગયો હતો!
સ્ટેટસ વાંચી તર્પણના ચહેરા પર હળવું સ્મીત આવ્યું. તેણે નીચે પોતાના ફેક આઈ.ડી.માંથી કમેન્ટ કરી:
‘પરફેકટ. આઈ એમ મોર ધેન એગ્રીડ.’
બીજું એક સ્ટેટસ તેની નજરમાં આવ્યું. મેહુલ ગુપ્તા નામના દેશના કોઈ બબુચક યુવા નેતાએ થોડા દિવસ પહેલા એવું સ્ટેટમેન્ટ આપ્યું કે, ‘ગરીબી એ બીજું કંઈ નથી પરંતુ માત્ર એક માનસિક પરિસ્થિતિ છે.’ ગરીબો અને ગરીબીના નામે ચાલતી રાજકીય મજાકથી દેશનો સમજદાર વર્ગ ત્રસ્ત છે એ તેને ખ્યાલ હતો. આયોજન પંચની ગરીબોને લગતી વિચિત્ર વ્યાખ્યાનો વિવાદ હજુ ઠર્યો ન હતો. આયોજન પંચના જે અધ્યક્ષ એક ફોરેન ટ્રીપ પાછળ લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરી નાંખતા હોય એ કહેતા હતાં કે, જો કોઈ વ્યકિત દિવસના 30-35 રૂપિયા કરતાં વધારે કમાતો હોય તો તે ગરીબ ન ગણાય. સરકારી સમારંભોમાં અને ઈફતાર પાર્ટીઓમાં 7800 રૂપિયાની ડીશ દાબનારા સાંસદો પાછા આ કરૂણ મજાક જેવા આંકડાઓને સહજતાથી સ્વીકારી લે છે એ સત્ય લોકોને બહુ કઠતું હતું. પેલા યુવા નેતાની ગરીબીની વ્યાખ્યા પર વ્યંગ કરતાં કોઈએ લખ્યુ હતું કે, આ દેશમાં ડેમોક્રસી પણ એક મીથ ઓફ માઈન્ડ છે. એ વાસ્તવમાં આ મહાન દેશમાં કયાંય ધબકતી નથી. નીચે કમેન્ટના ઢગલા થઈ ગયા હતાં. કોઈએ લખ્યું હતું કે, ‘આજ સુધી દેશમાં એવું કહેવાતું કે, સત્તાનું સુકાન દેશના યુવાનોના હાથમાં આવે તે જરૂરી છે. પણ આજકાલ દેશના રાજકીય આસમાનમાં જે યુવા સિતારાઓ દેખાય છે તેમાં ચાંદ કરતાં પણ વધુ ડાઘ છે. ઉત્તરપ્રદેશથી લઈને દિલ્હી સુધી સાબિત થયું છે કે, કહેવાતા યુવા નેતાઓ પ્રજાની અપેક્ષા મુજબ ડિલિવર કરી શકયા નથી.
અધૂરામાં પૂરૂં હોય તેમ મોટાભાગના કિસ્સાઓમાં તેમની દાનત પણ ખોટી-ખોરી ઠરે છે, એમની વિચારશક્તિ પણ કોઈ મંદબુદ્ધિના બાળક જેવી હોય તેવું પુરવાર થાય છે.’ કોઈ યુવતિએ લખ્યું હતું કે, ‘ગરીબી જો સ્ટેટ ઓફ માઈન્ડ હોય તો તેને લગતી યોજનાઓ પણ માનસમાં જ ઘડીને રાખી મુકો ને! તેને અમલમાં શા માટે મુકો છો?’
કહેવાતા યુવા નેતાના આ વધુ એક બાલીશ નિવેદન પર જબરી ચર્ચા જાગી હતી. એક યુવતિએ મેહુલ ગુપ્તાના આ સ્ટેટમેન્ટ વિશે ટવીટ કરી હતી કે, ‘જેવો સંગ, તેવો રંગ. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે, સોબત તેવી અસર હોય. મેહુલએ પોતાના મિત્રો અને આરાધ્ય દેવો બદલવાની જરૂર છે!’ આરાધ્ય દેવોથી યુવતિનો ઈશારો મેહુલના રાજકીય ગુરૂ રણવિજયસિંહ તરફ હતો. ભારતીય રાજનીતિનું આ એક એવું નામ હતું જે સતત ચર્ચાતું રહેતું, પરંતુ કોઈ તેને ગંભીરતાથી લેવાની ભુલ કરતું ન હતું. તેમને ઉંઘમાં પણ ભારત સ્વયં સેવક સંઘના સપનાઓ આવતા. પાછલા જન્મોમાં જાણે કોઈ સ્વયં સેવક સેવકએ તેમનું ગળુ દબાવીને ખતમ કરી નાંખ્યા હોય તેમ તેઓ દરરોજ સવારે ઉઠી સંઘ અને અન્ય હિન્દુવાદી સંસ્થાઓ માટે ઉટપટાંગ નિવેદનો આપતા રહેતા. બટલા હાઉસનું એન્કાઉન્ટર તેમને નકલી લાગ્યુ હતું અને દેશના દરેક બોમ્બ બ્લાસ્ટમાં તેમના દિવ્ય ચક્ષુઓ સંઘનો હાથ શોધી કાઢતા હતાં. આશ્ર્ચર્યની વાત એ હતી કે, તેમના રાષ્ટ્રવિરોધી નિવેદનોને દરેક ન્યૂઝ ચેનલોની હેડલાઈન્સમાં અવશ્ય સ્થાન મળતું. સોશિયલ મીડિયામાં એ ચર્ચા પણ ગરમ હતી કે, આવા નિવેદનોના મામલે પણ મીડિયા હંમેશા સંદેશાવાહક તરીકેની મર્યાદિત ભૂમિકા જ શા માટે ભજવે. શું મીડિયાનું પોતાનું કોઈ સ્ટેન્ડ ન હોઈ શકે?
ઉત્તરપ્રદેશથી લઈને દિલ્હી સુધી સાબિત થયું છે કે, કહેવાતા યુવા નેતાઓ પ્રજાની અપેક્ષા મુજબ ડિલિવર કરી શકયા નથી. અધૂરામાં પૂરૂં હોય તેમ મોટાભાગના કિસ્સાઓમાં
તેમની દાનત પણ ખોટી-ખોરી ઠરે છે
તર્પણને મનમાં વિચાર આવ્યો ‘સારૂં છે કે આજના યુગમાં સોશ્યલ નેટવકિંગ જેવું પ્લેટફોર્મ યુવા વર્ગને સાંપડ્યું છે. નહીં તો આ દેશનો યુવાન હતાશામાં ગરકાવ થઈ જાત.’ જો કે, બીજી જ પળે તેને એ વિચાર આવ્યો કે, દેશનું યુથ પોતાની બધી આગ જો કમ્પ્યુટરના સ્ક્રીન પર ઠાલવી દેશે તો તેની ભીતરની જવાળાઓ બુઝાઈ તો નહીં જાય ને. આ એક ભય સ્થાન તો છે જ. યુવાઓમાં જયારે ગુસ્સો વધે છે ત્યારે ક્રાંતિરૂપે તે બહાર આવે છે. જયારે અહીં તો એવું બની ગયું કે વધતો ગુસ્સો ફેસબુકના સ્ટેટસરૂપે કે ટવીટરની ટવીટ રૂપે ઠલવાતો હતો.
સોશ્યલ મીડિયાની ક્રાંતિ આગળ જઈને કેવા પરિણામ લાવશે તે એક સવાલ હતો. વિવિધ સોશ્યલ નેટવકિંગ સાઈટસ સાથે સંકળાયેલા આઠ-દસ કરોડના યુવાવર્ગને તકલીફો શું હતી તે તો તેઓ જાહેર કરતા હતાં. પણ મતદાન સ્વરૂપે તેઓ પોતાનો અભિપ્રાય આપવા નીકળે છે કે કેમ એ એક યક્ષ પ્રશ્ર્ન હતો. દેશના ભલભલા રાજકીય પંડિતો આ માહોલને પારખી શકયા ન હતાં. યુવાવર્ગ જાગૃત થયો હતો તે વાતમાં કોઈ શંકા ન હતી. પરંતુ તે જાગૃતિ કોમ્પ્યુટર સ્ક્રીનથી આગળ વધીને ઈલેકટ્રોનિક વોટીંગ મશીન સુધી પહોંચે તો જ કોઈ નકકર પરિણામ મળે તેમ હતું.
વર્તમાન ખિચડી સરકારએ કોમોડિટીના સટ્ટામાં જયારે છૂટછાટો આપી છે ત્યારથી સામાન્ય માણસની હાલત ખરાબ છે, રૂા.40માં મળતું
પેટ્રોલ 100 રૂપિયાને આંબવા જઈ રહ્યું હતું, શાસકો દાવો કરતા હતાં કે, ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, જયારે વાસ્તવિકતા એ
હતી કે ભારતમાં લોકશાહીનો ધ્વંશ થઈ રહયો હતો…
ત્રણ-ચાર સોશ્યલ નેટવકિંગ સાઈટસ પર ફરી વળ્યા પછી તર્પણને ફરી એક વખત એ વાતનો અહેસાસ થયો કે, દેશનો યુવાવર્ગ કેન્દ્રની ખિચડી સરકારથી તૌબા પોકારી ગયો છે. કોઈએ લખ્યું હતું કે, આ શંભુમેળા જેવી સરકારમાં જેટલી અવ્યવસ્થા છે તેટલી તો સાંસ્કૃતિક મેળાવડાઓમાં પણ હોતી નથી. કોઈએ કૌભાંડની એબીસીડી લખી હતી: ‘એ ફોર આદર્શ, બી ફોર બ્લેક મની, સી ફોર કોલ ગેટ અને કોમનવેલ્થ… એચ ફોર હેલિકોપ્ટર બિલ, આઈ ફોર આઈપીએલ, ટી ફોર ટુજી…’ ગુસ્સાનું કારણ એ પણ હતું કે, દેશમાં ભયાનક કરપ્શન બદલ પણ કોઈને સજા થતી ન હતી. અપંગ લોકોની કાખઘોડીના નામે નાણાં ચાવી જનાર મંત્રીઓ પણ કેબિનેટમાં મૌજૂદ હતાં અને સ્પેકટ્રમ વેચી મારનાર મંત્રીઓને સજાને બદલે પ્રમોશનથી નવાજવામાં આવતા હતાં. શાસક પક્ષ દવારા લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હતી. અને દરેક વખતે-જયારે તેમને સવાલો પૂછાય ત્યારે તેઓ સંસદીય લોકશાહીની દુહાઈ આપી મામલામાંથી છટકવાનો પ્રયાસ કરતા હતાં. જાગૃત નાગરિકો જયારે પણ આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે ત્યારે ખિચડી સરકાર દવારા એવું વર્તન થતું જાણે આ અવાજ ઉઠાવનારા પાપી હોય અને શાસકો દેવતા હોય.
દેશ આખો જાણે લૂંટાઈ રહ્યો હતો. ‘ભારત બચાવો’ તથા ‘લોકશાહી બચાવો’ જેવા ફેસબુક પેજીસ પર આવી અનેક ચર્ચાઓ જોરમાં હતી. લોકોનો સૂર હતો કે, દેશની પ્રાકૃતિક સંપદાઓ લૂંટાઈ રહી છે. સરકારને કોર્પોરેટ લોબી જાણે ડ્રાઈવ કરી રહી છે અને દેશના કાયદાઓ ઘડવામાં કે જૂના કાનૂન બદલવામાં પણ કોર્પોરેટસની દખલ ઓછી નથી. ગેસના ભાવથી લઈ પેટ્રોલના ભાવ સુધી અનુ કઠોળના દામથી લઈ જમીનોના રેટસ સુધીની બાબતો નકકી કરવામાં કોર્પોરેટસની મનમાની ચાલતી હતી. અધૂરામાં પૂરૂં હોય તેમ હજુ ચાર દિવસ પહેલા એક કોમોડિટી એકસચેન્જનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ હતું. લોકોના છ-સાત હજાર કરોડ રૂપિયા તેમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એક યુવાને લખ્યું હતું કે, ‘વર્તમાન ખિચડી સરકારએ કોમોડિટીના સટ્ટામાં જયારે છૂટછાટો આપી છે ત્યારથી સામાન્ય માણસની હાલત ખરાબ છે. અનાજ-કઠોળ કે મસાલા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પર સટ્ટો રમાય તે સ્થિતિ જ દેશના સામાન્ય જનની મજાક જેવી છે.’ વાત સાચી પણ હતી. વીસ-ત્રીસ રૂપિયામાં મળતો કઠોળનો ભાવ આવી નીતિઓના કારણે જ એંસી-સો કે દોઢસો રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ચાલીસ-પચાસ રૂપિયામાં મળતું તેલ બસ્સોનાં મથાળે હતું. ચાલીસમાં મળતું પેટ્રોલ સો રૂપિયાને આંબવા જઈ રહ્યું હતું. શાસકો દાવો કરતા હતાં કે, ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. જયારે વાસ્તવિકતા એ હતી કે ભારતમાં લોકશાહીનો ધ્વંશ થઈ રહયો હતો.
સોશિયલ મીડિયાની આ દરેક બાબતોથી તર્પણ અગાઉ પણ વાકેફ હતો. યુવાનોના મન જાણવા માટે જ તેણે અમુક નકલી આઈ.ડી. પણ ખોલી હતી. નિયમિત એ આવી સાઈટસની મુલાકાત લેતો અને તેમાંના કેટલાક મુદ્દાઓનો પોતાના વકતવ્યમાં પણ ઉપયોગ કરતો. ઘણું ખરૂં તે અગાઉ પણ વાંચી ચૂકયો હતો પરંતુ આજે તેની દૃષ્ટિ કંઈક અલગ હતી. વિગતો એ જ હતી પરંતુ એ નિરખવાની નજરમાં બહુ મોટું પરિવર્તન આવ્યું હતું. યુવાનોની દરેક વાત વાંચ્યા પછી તે પોતાની જાતને એક નવું વચન આપી રહ્યો હતો. પળભર માટે તેને લાગ્યું કે જાણે તે પણ આ દેશનો એક લાચાર યુવાન છે. એ રાજકીય તમાશાઓ નિહાળ્યા કરે છે. પરંતુ બીજી ક્ષણે તેને ઝબકાર થયો કે, એ માત્ર એક સાક્ષી નથી. ફરી તેને એ જ વાત યાદ આવી કે, સિસ્ટમને બદલવી હશે તો સિસ્ટમમાં રહેવું પડશે. પોતાની જાતને જ તેણે સવાલ પૂછયો, હું આ જ સિસ્ટમમાં છું તો શા માટે તેને બદલી ન શકું?
ક્રમશ: