જૂનાગઢમાં ગૌ આધારિત અને પંચગવ્ય વસ્તુઓનાં નિકાસને પ્રોત્સાહન મળ્યું
વંથલીના સખી મંડળની બહેનોને 5000 દીવડા, 500 રાખડી, 1500 ગણપતિ અમેરિકા મોકશે
- Advertisement -
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં સખી મંડળનાં બહેનો ગૌ આધારિત અને પંચગવ્યની વસ્તુઓ બનાવી રહ્યાં છે.આ વસ્તુનાં વેચાણને પ્લેફોર્મ મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ગીર ગૌ જતન સંસ્થાન સાથે એમઓયુ કર્યા છે. સખી મંડળની બહેનોને વિદેશથી ઓર્ડર મળી રહ્યાં છે. અમેરિકાનાં ન્યૂ જર્સીથી 483 ડોલરનો ઓર્ડર મળ્યો છે. ડીડીઓ મિરાંત પરિખે ટ્વીટ કરી બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું. અને આગામી મહિનામાં 5000 ડોલરની વસ્તુઓનું નિકાસ કરવા જઇ રહ્યાં છે તેવું કહ્યું હતું. વંથલીના ગોપી મંગલમ સ્વ સહાય જૂથને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તથા ગીર ગૌ જતન સંસ્થાના સહયોગથી તાજેતરમાં 5000 દીવડા, 500 રાખડી, 1500 ગણપતિ અમેરિકા મોકલવાનો ઓર્ડર મળ્યો છે. તેમ વંથલીના તાલુકા લાઈવલીહુડ મેનેજર મિતલ મેનપરાએ જણાવ્યું હતું. વંથલીના ગોપી મંગલમ સ્વ સહાય જૂથ દ્વારા રાખડી, ગણપતિ, હવન કુંડા, શાકનો મસાલો, ફેસ પેક, નસ્ય એલોવેરાનો સાબુ, સરગવાના પાવડરની ગોળી સહિતની વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. જેમાં મોટાભાગની વસ્તુઓ પોતાના પ્રાકૃતિક ખેતરની જ પેદાશ અને ગાયના ગોબરમાંથી બનેલી હોય છે.
આ જૂથના મુખ્ય સભ્ય ભાવનાબેન ત્રાંબડીયા કહ્યું હતું કે, છેલ્લા છ વર્ષથી હું આ જૂથમાં જોડાઈને આર્થિક ઉપાર્જન માટેની વિવિધ પ્રવૃત્તિ કરી રહી છું. આજુબાજુના ગામોમાં પણ બહેનોને પગભર કરવા આવા કેટલાક જૂથો ઉભા કરીને બહેનોને આર્થીક ઉપાર્જનની પ્રવૃતિઓ પણ શીખવીએ છીએ.જ્યારે હું શરૂઆતમાં સખી મંડળમાં જોડાઈ ત્યારે મારી વસ્તુ તો બની જતી હતી પરંતુ તેના માર્કેટિંગ તેમજ પેકેજીંગની સમસ્યા રહેતી હતી.જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સી દ્વારા અપાતી સમયાંતરે અપાતી વિવિધ વિષયોની તાલીમના કારણે માર્કેટિંગ અને પેકેજીંગમાં અમારી હથોટી આવી ગઈ છે. જેને અમારી પ્રવૃત્તિનો વ્યાપ અને વિસ્તાર વધાર્યો છે.