સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં પ્રતિનિધિ મંડળે નવા મંત્રી મંડળની મુલાકાત લીધી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં માછીમારોને સાગરખેડુઓને બંધારણીય અધિકાર આપવા, મત્સ્યપાલન માટે જમીન અધિકાર આપવા, વેરા મુક્ત ઈંધણ આપવા જેવા માછીમારોના પડતર પ્રશ્નોથી નવનિયુક્ત મંત્રી મંડળને વાકેફ કરાવવા માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમાર સમાજના આગેવાનોનું પ્રતિનીધી મંડળ ભરૂચના ધારાસભ્યની આગેવાની હેઠળ મુખ્યમંત્રી સહીતના નેતાઓને ગાંધીનગર ખાતે રૂબરૂ મળ્યું હતુ. ત્યારે આગામી દિવસોમાં તબક્કાવાર બેઠકો યોજીને માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે નક્કી કરવામાં આવ્યુ હતુ.
તાજેતરમાં રાજ્યની કમાન નવા મંત્રી મંડળે સંભાળ્યા બાદ ઝડપભેર લોકઉપયોગી કામો કરવા કમ્મર કસી છે. ત્યારે રાજ્યના લાંબા દરીયા કિનારે વસતા માછીમારી કરી ગુજરાન ચલાવતા માછીમારોને અનેક પ્રશ્નોની કનડગત હોય જે હલ કરવા માટે ગઇકાલે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના માછીમાર સમાજના આગેવાનોનું પ્રતિનીધી મંડળ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની આગેવાની હેઠળ મુખ્યમંત્રી, મત્સ્યોદ્યોગ મંત્રી અને નાણાં મંત્રીને રૂબરૂ મળીને માછીમારોના કનડગત સમાન પડતર પ્રશ્નો અંગે વિસ્તાર પુર્વક રજૂઆત કરવાની સાથે ઝડપભેર ઉકેલ લાવવા માટે માંગણી કરી હતી.આ અંગે અખીલ ભારતીય ફીશરમેન્સ એસો. ગુજરાત પ્રાંતનાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવેલું કે, મંત્રીઓની રૂબરૂ મુલાકાતમાં પ્રશ્નોમાં વનબંધુ તથા ખેડુતની જેમ પરંપરાગત સાગરખેડુઓને બંધારણીય અધિકાર આપવા બંધારણમાં સુધારો કરવામાં આવે, સમુદ્ર કિનારાથી જમીન પર મત્સ્ય પાલન માટે જમીન અધિકાર આપવા, વેટ અને એક્સાઈઝ મુક્ત પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આપવાની વ્યવસ્થા અમલી બનાવી, કામધેનું યુનિવર્સિટી તથા મહાવિદ્યાલયોમાં શૈક્ષણિક તથા તાલીમી અભ્યાસ માટે જોગવાઇ કરવા, મત્સ્યોદ્યોગને એગ્રીકલ્ચર સ્ટેટસ આપવું જોઈએ જેવા અનેક પડતર પ્રશ્નોથી વાકેફ કરવામાં આવ્યા હતા.આ પ્રતિનિધિ મંડળમાં ભારતીય ફીશરમેન્સ એસો. વેલજીભાઈ મસાણી, ઉપપ્રમુખ ટી.પી.ટંડેલ, પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ વિશાલભાઈ ટંડેલ, ભીડીયા ખારવા બોટ એશો. ના પ્રમુખ રમેશભાઈ ડાલકી, બોટ એશો. માંગરોળ ખારવા સમાજના પ્રમુખ ખીમજીભાઈ પરમાર સહિત નાના મોટા બંદરોના માછીમાર સમાજ અને સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.