ન્યારી ડેમ તરફના મેદાનમાં કપાસની સાંઠીઓ નીચે છુપાવેલી એક અજાણ્યા શખ્સની લાશ મળી હતી જેનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરની ભાગોળે કાલાવડ રોડથી ન્યારી ડેમ તરફના રસ્તા પર લગુન્સ રિસોર્ટની સામે આવેલા મેદાનમાંથી કપાસની સાંઠીઓ નીચે છુપાવેલી લાશ મળી આવી હતી. આ લાશ પરપ્રાંતીય યુવકની હતી. પોલીસે આ લાશને ઓળખવા માટે પ્રયત્નો આદર્યા હતા પરંતુ હવે તેનો ભેદ ઉકેલાયો છે. પરપ્રાંતીય શખ્સે ઘટનાસ્થળ નજીક આવેલા વરંડામાં રહેતા ચોકીદારની 13 વર્ષની પુત્રીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં સગીરાના પિતાએ પરપ્રાંતીય શખ્સને ઊંધી કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી લાશને છુપાવી દીધી હતી.
- Advertisement -
ન્યારી ડેમ તરફ જવાના રસ્તે લગુન્સ રિસોર્ટની સામે આવેલા મેદાનમાં કપાસની સાંઠી નીચે લાશ છુપાવાયેલી હોવાની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફના કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ અવાડિયા, ગોપાલસિંહ જાડેજા તથા રઘુભા વાળા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે કપાસની સાંઠીઓ દૂર કરતાં જ તાડપત્રીથી વીંટાયેલી લાશ મળી આવી હતી. લાશ મળી તે તાલુકા પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોવાથી મૃતદેહ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો અને તાલુકા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.હત્યા અને હત્યારાનો યુનિવર્સિટી પોલીસની ઉપરોક્ત ટીમે ભેદ ઉકેલી નાખ્યો હતો અને આરોપી ભરત ઉર્ફે સુનિલને પણ પકડીને તાલુકા પોલીસ હવાલે કર્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલે જણાવ્યું હતું કે, મૃતક આશરે 38થી 40 વર્ષની વયનો છે. સુનિલની પૂછપરછમાં મૃતક પરપ્રાંતીય હોવાનું અને બે દિવસથી જ તેનો પરિચય થયો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થયે હત્યાનો ગુનો નોંધાશે.
13 વર્ષની પુત્રીના કપડાં ઉતારતો હતો શખ્સ
વરંડામાં ચોકીદારી કરતો ભરત ઉર્ફે સુનિલ રાઠોડ શનિવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં વરંડામાં પોતાની ઓરડીમાં સૂતો હતો ત્યારે કોઇ અવાજ આવતા તે જાગી ગયો હતો અને નજર કરતા જ તેની 13 વર્ષની નિદ્રાધીન પુત્રીના કપડાં એક શખ્સ ઉતારી રહ્યો હતો અને આબરૂ લૂંટવાની કોશિશ કરતો હતો. નજર સામે જ વહાલસોયી પુત્રીની ઇજ્જત લૂંટાતી હોવાનું જોઇ ભરત ઉર્ફે સુનિલે નજીકમાં પડેલો કુહાડો ઉઠાવી કુહાડાનો ઊંધો ઘા તે શખ્સને માથામાં ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ ભરત ઉર્ફે સુનિલે લાશને તાડપત્રીમાં વીંટાળી દીધી હતી અને વરંડાની બાજુમાં આવેલા મેદાનમાં લાશ લઇ જઇ લાશ પર કપાસની સાંઠીઓ નાખી દઇ લાશ છુપાવી દીધી હતી.