જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, 325 કરોડના વિકાસ કામો મંજૂર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ અને માળખાકીય સુવિધાઓને લગતા અનેક મહત્વપૂર્ણ કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં 325 કરોડના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા
- Advertisement -
શહેરના રસ્તાઓની બિસ્માર હાલત સુધારવા માટે બેઠકમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી શહેરમાં મોટાભાગના રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રસ્તાઓના સમારકામ માટેની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી. આ કામગીરી ફરજિયાતપણે આરએમસી સાથે કરવાની અને પાંચ વર્ષ સુધી તેની પીક્યુસી એટલે કે ક્વોલિટી જાળવવાની શરત રાખી છે. આ નિર્ણયથી શહેરના રસ્તાઓની ગુણવત્તામાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
શહેરના 1 થી 15 વોર્ડમાં અલગ-અલગ ગ્રાન્ટ હેઠળ અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવશે. જેમાં સીસી રોડ, પેવર બ્લોક, વેટમિક્સ રોડ, અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સહિતના કામોનો સમાવેશ થાય છે. સોનાપુરી સ્મશાન ખાતે 10 લાખના ખર્ચે ચાર વિદ્યુત ભઠ્ઠીઓનું ઓપરેશન અને મેન્ટેનન્સનું કામ ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યું છે. ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર અને ફાયર સ્ટેશન ખાતે કુલ 150 કિલોવોટના સોલાર પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા છે. શહેરના વિવિધ રસ્તાઓ પર મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરી વૃક્ષોને ઉછેરવાની અને તેની જાળવણીની જવાબદારી ખાનગી સંસ્થાને સોંપવામાં આવી છે.