કાર્તિક મહેતા
નાનપણમાં લગભગ બધાએ ઉનાળાની બપોર અને શિયાળાની સવારના નિબંધ લખ્યા હશે
- Advertisement -
એ ઉનાળાની બપોર હજી એટલી જ સુંદર છે પણ હવે સહન કરવા જેવી રહી નથી. આંકડા અને બીજા પુરાવા કહે છે કે આખા વિશ્ર્વમાં ગરમી વધી છે, ઉનાળા આકરા થઈ ગયા છે. છેક ઉત્તરમાં આવેલા દેશોમાં પણ ત્યાંના લોકોની સહનશક્તિ કરતા ક્યાંય વધારે ગરમી પડી રહી છે. અધૂરામાં પૂરું હવે સુખ સુવિધાઓ વધવાને કારણે લોકોની સહનશક્તિ આમેય ઘટી છે એટલે લોકોને ઉનાળો જાણે શ્રાપ હોય એવો લાગે છે. પણ ઉનાળો શ્રાપ નથી, કદી નથી. ઉનાળો તો વરદાન છે. જગતના પોષક એવા સૂર્યદેવ પોતાની ચડતી કળાએ હોય એટલે કે મકર (જાન્યુઆરી)થી મેષ રાશિમાં (મે મહિનામાં) પહોંચે એને આપણે ઉનાળો કહીએ. ઉનાળાને ખરી રીતે જાણીએ તો એને માણી શકાય એમ છે. કેમકે ભલે વૈદરાજો શિયાળાને આરોગ્યની ઋતુ કહેતા, ખરેખર તો ઉનાળો આરોગ્યની ઋતુ છે. શિયાળાના અંતે તો વૃક્ષોમાં નવી કૂંપળ ફૂટે છે. કેમકે વૃક્ષો માટે શિયાળો આકરો છે, ઉનાળો વૃક્ષો માટે વરદાન છે કેમકે એમને ભરપૂર તેજ સૂર્યપ્રકાશ સ્વરૂપ ઊર્જા નો સપ્લાય અવિરત મળ્યા કરે છે. શિયાળો બાળકો અને વૃદ્ધો માટે ઘણી વાર ભારે નીવડે છે પણ ઉનાળામાં સહુકોઇ જો યોગ્ય રીતે રહે તો રોગો થતા નથી. ઉનાળો જામે ત્યારે એકેય રોગચાળો ફાટી નીકળતો નથી. શિયાળામાં રોગચાળાની ભરમાર હોય છે.
ઉનાળાને ખરેખર માણવો હોય તો આ રહી અમુક ટિપ્સ:
1. સ્લો ટ્રાવેલ: ઉનાળામાં વેકેશન ને કારણે લોકો ઠંડા પ્રદેશો કે હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરે છે. પણ સબૂર, …. ત્યાં આપણે ફરવા જઈએ છીએ, રિલેક્સ થવા જઈએ છીએ. સાઇટ સિઇંગ કરવા નહિ!! માટે આ સ્લો ટ્રાવેલ નો કોન્સેપ્ટ છે. એક સરસ જગ્યા/શક્ય હોય તો ગામડું પસંદ કરો. જ્યા સહેલાણીઓ ઓછા આવતા હોય. ત્યાં જઈને કમસે કમ નવ દિવસ ખાસ કોઈ એજન્ડા વિના બસ આરામ ફરમાવો. કોઈ ઇટેનીરરી નહિ!! બસ આજુબાજુના લોકોની રહેણી કરણી, સંસ્કૃતિ જુઓ. તમારી બધી નેગેટીવિટી, કટ્ટરતા, દ્વેષ નવ દિવસમાં નાબૂદ થશે એની ગેરંટી !! સ્લો ટ્રાવેલ માટે બહુ દોડ દોડ કરવાને બદલે લોકો અને પ્રકૃતિને જોવાનું હોય છે.
2. દેશી ઠંડા પીણા : જેવો ઉનાળો શરૂ થાય એટલે ભાત ભાતનાં ઠંડા પીણાની જાહેરાતોનો મારો થવા લાગે. પણ એકવાર છાશ કે ગોળ લીંબુ નું શરબત કે આમલવાણુ (આમલી અને ગોળનું શરબત) બનાવી અને પી જુઓ. કદી એકેય કોલ્ડ ડ્રીંક કે ગ્લુકોઝ ડ્રીંક ની જરૂર નહિ પડે.
- Advertisement -
3. ટોપી અને છત્રી : એક જમાનો હતો જ્યારે ભારતમાં એકેય ઉઘાડામાથા વાળો માણસ શોધવો મુશ્કેલ હતો. લોકો પાઘડી કે ટોપી અચૂક પહેરતા. સ્ત્રીઓ માંથે ઓઢતી. માથા ઉપરનો તડકો હીટ સ્ટ્રોક માટે સીધો જવાબદાર છે. ઉત્તર ભારતમાં તો લોકો ઉનાળામાં છત્રી વાપરે છે જે શ્રેષ્ઠ ઉપાય છે.
4. એર કંડીશનર : આ સાધન જેટલું ઉપકારક છે એટલું ડેન્જર પણ છે. આનો બહુ મર્યાદિત ઉપયોગ જ કામનો! બાકી જો આની ટેવ પડી તો એના વિના જીવવું તો અઘરું થઈ જ જશે પણ સાથે એક બીજી વિકરાળ સમસ્યા પણ વેતાળ ની જેમ ખભે ચડી બેસશે. આ સમસ્યા એટલે હોર્મોન અસંતુલન અને બીજા અનેક રોગો!! શરીરમાં અનેક હોર્મોન બનવા માટે શરીરને ચોક્કસ તાપમાન જોઈએ . એસી ને 25 ઉપર રાખીને બેસવા વાળા અથવા તો સતત એસિમાં બેસવા વાળા લોકોએ ચેતવું જરૂરી છે કે એમના શરીરમાં અમુક હોર્મોન બનશે જ નહિ. પરિણામ ?? દુનિયાભરના રોગો જેનો કોઈ ઈલાજ નહિ મળે.માટે એસી ભલે વાપરો પણ બહુ સંયમથી.
5. પાણી : બહુ સમજી શકાય એવી વાત છે કે ઉનાળામાં પાણી પીવું જ જોઈએ પણ ઘણા લોકો પાણીની અવેજીમાં ઠંડા પીણા પિએ છે જે ખોટી ટેવ છે. પાણી પાણી છે એની જગ્યા કોઈ કોલ્ડ ડ્રીંક કે જ્યુસ કે શરબત કે ફ્રૂટ લઈ શકે નહિ. અતિશુદ્ધ પાણી પીવાને બદલે મિનરલ વોટર (એટલે કે જેમાં મિનરલ્સ એટલે કે ખનીજો છે તે )પીવું, બોટલ ઉપર વાંચીને ખાતરી કરવી કે એમાં મિનરલ નાખેલા છે એવી ચોખવટ છે. પરસેવો અવશ્ય વાળવો પણ અતિશય શ્રમ કરીને નહિ, માપસર ગરમીમાં માપસર શ્રમ કરીને.
6. સમર કેમ્પ : બાળકો માટે સમર કેમ્પ વેકેશનમાં યોજાતા હોય છે પણ એટલું યાદ રાખવું કે બાળકોને માં બાપ દાદા દાદી કે નાના નાની સાથે પણ સમય ગાળવો જરૂરી છે. આજના ફાસ્ટ યુગમાં આ સમય બાળકોને મળતો બંધ થઈ ગયો છે.એટલે બાળકોમાં અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ ઉદભવી છે. બાળકોને હૂંફ આપો જેમ સૂર્યદેવ ઉનાળામાં આપણને આપે છે.
હેપ્પી સમર્સ !!