આજ સવારથી 4 ઈંચ વરસાદ, ઠેર-ઠેર કેડસમા પાણી ભરાતાં શાળાઓમાં રજા
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા, તા.20
- Advertisement -
શુક્રવારે દ્વારકાને ધમરોળ્યા બાદ આજે પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ફરી બેટિંગ ચાલુ કરી દીધી છે. સવારથી 10 વાગ્યા સુધીમાં દ્વારકામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે સમગ્ર દ્વારકા જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદના અને નુકસાની પગલે NDRFની દ્વારકા જવા રવાના થઈ છે.
હાલ દ્વારકા તાલુકાનો સિઝનનો કુલ વરસાદ 36 ઈંચથી વધુ વરસી જવા પામ્યો છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજરોજ સવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી. આમ, દ્વારકા તાલુકાને બાદ કરતા જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓ ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં મહદ અંશે મેઘ વિરામ રહ્યો છે. જુદા-જુદા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા વરસ્યા હતા, પરંતુ દ્વારકામાં પાણી ભરાવાને લઈ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા અવિરત રીતે દોડધામ જારી રાખવામાં આવી હતી.
મકાનોમાં ત્રણ-ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ત્યારે આજ રોજ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણે ભારે હાલાકી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ થયા હતા, ખેતરો જળબંબાકાર તો જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અનેક મકાનમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં લોકો મુશ્ર્કેલીમાં મુકાઈ ગયા હતા. અમુક નીંચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ તો અમૂક વિસ્તારોમાં છાતીસમા પાણી ભરાયા છે.
- Advertisement -
NDRFની ટીમ દ્વારકા જવા રવાના
મુખ્ય માર્ગ એવા ઇસ્કોન ગેટ પાસે બેથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે. જ્યારે ગુરુદ્વારા વિસ્તારમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણીમાં ગાડી બંધ પડી જતાં લોકોને ગોઠણડૂબ પાણીમાં કારને ધક્કો મારી દોરવાની ફરજ પડી હતી. જ્યારે અમુક રાહદારીઓએ ઉંઈઇનો સહારો લઈ વરસાદી પાણીમાંથી રસ્તો પસાર કર્યો હતો. દ્વારકામાં ભારે વરસાદના અને નુકસાની પગલે NDRFની ટીમ દ્વારકા જવા રવાના થઈ છે.