આપણાં હિતેચ્છુઓની સલાહ અવશ્ય માનવી જોઈએ, પરંતુ જો આપણને શ્રદ્ધા હોય કે આપણે શ્રેષ્ઠ કામ કર્યું છે, આપણે કોઈ કચાશ રાખી નથી, આપણે ઉત્તમ ગુણવત્તા જાળવી છે તો પછી જગત શું કહે છે તેની પરવાહ કરવી નહીં.
મોર્નિંગ મંત્ર
– ડૉ. શરદ ઠાકર
– ડૉ. શરદ ઠાકર
પાબ્લો પિકાસો વિશ્ર્વના મહાન ચિત્રકાર હતા. વીસમી સદીમાં તેમણે ’ક્યુબિઝમ’ અને ’સરરિયાલિઝમ’ જેવા ચિત્રકાળાના ક્ષેત્રોમાં અમૂલ્ય પ્રદાન આપ્યું. એમના ચિત્રોના પ્રદર્શનમાં આવતાં લોકો પિકાસોને મૂર્ખતાભરી સલાહો આપતાં રહેતાં હતાં. જેમને ખુદને સીધી રેખા દોરતાં પણ ન આવડતી હોય તેઓ પિકાસોને સલાહ આપતાં, “આ પાનખરના ચિત્રમાં પાંદડાનો રંગ તમે પીળો શા માટે રાખ્યો છે? થોડાંક પાંદડા લીલા રાખ્યાં હોત તો સારું થાત, દૂધનો રંગ લાલ કે ભેંસનો રંગ સફેદ રાખ્યો હોત તો ચિત્ર વધારે સારું બન્યું હોત.” આવા સૂચનો કરનારાં પણ મળી આવતાં હતાં. પિકાસો શાંત સ્વભાવના કલાકાર હતા. તેમણે આ બધા ‘વિદ્વાન’ સલાહકારો માટે એક તરકીબ શોધી કાઢી. એમણે મોટી કોઠી જેવું એક પાત્ર ‘ઍકઝીબિશન’ હોલની બહાર ગોઠવી દીધું, એ પાત્રના ઢાંકણામાં એક નાની તિરાડ રાખી. બધાં મુલાકાતીઓને વિનંતી કરી કે તમારી સલાહ અને તમારાં સૂચનો એક કાગળમાં લખીને આ પાત્રમાં નાખો. બધાંએ એમ જ કર્યું. આ બધાં સૂચનોનું પિકાસોએ શું કર્યું?
હકીકત એ હતી કે પિકાસોએ જ્યાં આ મોટું સજેશન બોક્સ મૂક્યું હતું, એમાં નીચે તળિયું રાખ્યું જ ન હતું અને એ બોક્સ જ્યાં મૂક્યું હતું ત્યાં જમીનમાં મોટો ખાડો હતો અને એ ખાડામાં ઉકરડો હતો. મૂર્ખ માણસોનાં વાહિયાત સૂચનો અને શિખામણો આ રીતે સીધી કચરો ભરેલાં ખાડામાં જતી રહેતી હતી.
- Advertisement -
અહીં આપણે સમજવા જેવી વાત એ છે કે આપણાં હિતેચ્છુઓની સલાહ અવશ્ય માનવી જોઈએ, પરંતુ જો આપણને શ્રદ્ધા હોય કે આપણે શ્રેષ્ઠ કામ કર્યું છે, આપણે કોઈ કચાશ રાખી નથી, આપણે ઉત્તમ ગુણવત્તા જાળવી છે તો પછી જગત શું કહે છે તેની પરવાહ કરવી નહીં. એક કાનથી સાંભળવું અને બીજા કાનથી કાઢી નાખવું. આ કહેવત આવાં સલાહકારો માટે બની છે.
અધ્યાત્મના માર્ગમાં પણ જો આપણે તીવ્ર લગનથી આગળ વધી રહ્યાં હોઈએ તો જગતના લોકો વખાણ કરે કે નિંદા એની પરવાહ કરવી નહીં.