માત્ર પૈસાનાં જોરે ચૂંટણી જીતી શકાતી નથી, ઈન્દ્રનીલને આટલી સાદી સમજ કોણ આપશે?
વચનનું કે પોતાની જ જબાનનું ઈન્દ્રનીલને મન કોઈ મૂલ્ય નથી
- Advertisement -
વિધાનસભા-68નાં મતદારો સાથે દ્રોહ કરનાર ઈન્દ્રનીલ રાજગુરૂને ત્યાંના જ મતદારો ઘરભેગા કરશે
ખાસ-ખબર સંવાદદાતા
પક્ષ પલટુ અને બેઠક પલટુ તરીકે કુખ્યાત બની ચૂકેલા ઈન્દ્રનીલ રાજગુરૂને કોંગ્રેસ દ્વારા રાજકોટ વિધાનસભા પૂર્વમાં ટિકિટ અપાતા પક્ષ અને પ્રજામાં ખુલ્લો વિરોધ શરૂ થઈ ગયો છે.ઈન્દ્રનીલ રાજગુરૂ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં ગયા હતા અને ફરી આમ આદમી પાર્ટીમાં આંટો મારીને કોંગ્રેસમાં આવી ગયા છે. કોંગ્રેસમાં ઈન્દ્રનીલ રાજગુરૂની રિ-એન્ટ્રીથી કોંગ્રેસના જ કેટલાંક આગેવાનો નારાજ છે, ઈન્દ્રનીલ રાજગુરૂ સામે કોંગી આગેવાનો બળવો કરવાની તૈયારીમાં છે. અન્ય પક્ષમાંથી પરત ફરેલાને વિધાનસભાની ટિકિટ નહીં આપવામાં આવે એવું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું, છતાં ઈન્દ્રનીલ રાજગુરૂને વિધાનસભા ચૂંટણી લડવા માટેની ટિકિટ અપાતા તેમનો કોંગ્રેસના એક જૂથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તો બીજી તરફ પક્ષ પલટુ સાથે બેઠક પલટુ તરીકે પંકાઈ ગયેલા બાગી નેતા ઈન્દ્રનીલ રાજગુરૂને જનતામાંથી પણ જાકારો મળી રહ્યો છે.
પોતાના કારનામાઓથી ઈન્દ્રનીલ રાજગુરૂ પક્ષ અને પ્રજામાં અસ્વીકાર્ય બની ગયા છે. ઈન્દ્રનીલ રાજગુરૂના કાર્યાલય પર કાગડાઓ ઉડી રહ્યા છે. તેમને એકપણ કોંગ્રેસ કાર્યકર કે આગેવાનનો સાથ-સહકાર મળી રહ્યો નથી. માત્ર પૈસાના જોરે ચૂંટણી લડવા આવી ગયેલા ઈન્દ્રનીલ રાજગુરૂ કોંગ્રેસના કાર્યકરોનો વિશ્વાસ જીતવામાં અને મતદારોને રિઝવવામાં નિષ્ફળ નિવડી રહ્યા છે.
- Advertisement -
ઈન્દ્રનીલનું ડબલ સ્ટાન્ડર્ડ: આપમાં જઈને કોંગ્રેસનું ખરાબ બોલ્યું અને કોંગ્રેસમાં આવી આપનું ખરાબ બોલ્યું
ઈન્દ્રનીલ રાજગુરૂ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટિમ ગણવતા હતા અને પછી આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે કોંગ્રેસને ભાજપની બી ટિમ ગણાવતા હતા. હવે તેઓ ફરી કોંગ્રેસમાં આવીને આપ વિશે ખરાબ બોલી રહ્યા છે. કોંગ્રેસમાં રહી આપ વિશે અને આપમાં રહી કોંગ્રેસ વિશે ખરાબ બોલનારા ઈન્દ્રનીલ રાજગુરૂ કેવું ડબલ સ્ટાન્ડર્ડ ધરાવે છે તેના અસંખ્ય વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે, તક જોઈ ગમે તે બોલનારા ઈન્દ્રનીલ રાજગુરૂ પર ભરોસો કરવા લાયક નથી.
હું ચૂંટણી લડવાનો નથી કહીને ટિકિટ લઈ લીધી: રાજગુરૂ બોલે તે રતિભર પણ પાળી બતાવતા નથી
ઈન્દ્રનીલ રાજગુરૂ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં વાપસી કરી ત્યારે કહ્યું હતું કે, હું આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો નથી. હું જે બોલું છું તો પાળી બતાવું છું. કોંગ્રેસમાં વાપસી કર્યા બાદ ઈન્દ્રનીલ રાજગુરૂના આ નિવેદનના ફક્ત ત્રણ દિવસમાં જ તેમણે પોતે બોલેલું તોડી પાડ્યું હતું અને રાજકોટ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા કોંગ્રેસ પાસેથી ટિકિટ માંગી લીધી હતી અને કોંગ્રેસે તેમને ટિકિટ આપી પણ દીધી હતી. આમ, ઈન્દ્રનીલ રાજગુરૂ પોતાના શબ્દો પર ખરા ઉતર્યા નહતા.