તાલાલાની હિરણ નદીનું દરીયા માં વહી જતું પાણી તાલાલાની મેઈન કેનાલ દ્રારા કપીલા નદીમાં વહેતું કર્યુ
196 ક્યુસેક પાણીનો પ્રવાહ દરીયામાં જતો હતો, ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની રજુઆતને સફળતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
ગીરના પાટનગર તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદીનું દરીયા માં વહી જતો પાણીનો પ્રવાહ ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ની માંગણી પ્રમાણે તાલાલાની મેઈન કેનાલ મારફત પીપળવા ગામના વોંકળા વાટે કપીલા નદીમાં ભળતા તાલાલાથી બાદલપરા સુધીના બે તાલુકાના 15 ગામના ખેડૂતોને મબલખ ફાયદો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ ઓવરફ્લો થતાં ડેમનું ઓવરફ્લો નું પાણી તથા વિવિધ ગામના વોંકળામાંથી આવતા પાણીના પ્રવાહના કારણે હિરણ નદી બે કાંઠે વહે છે.નદીનું બધું પાણી દરીયા માં જતું હોય આ પાણીનો પ્રવાહ તાલાલા ની મેઈન કેનાલ વાટે પીપળવા ગામના વોંકળા મારફત કપીલા નદીમાં ડાયવર્ટ કરવામાં આવે તો તાલાલા-વેરાવળ તાલુકાના 15 ગામના ખેડૂતોનાં બોર અને કુવાના પાણીના તળ ઉંચા આવે…પરિણામે 15 ગામની ત્રણ હજાર હેક્ટર ખેતીની જમીનને સિંચાઈ માટે મબલખ લાભ પ્રાપ્ત થાય માટે હિરણ નદીનું દરીયા માં વહી જતું પાણી તાલાલાની મેઈન કેનાલ મારફત કપીલા(છુછરી) નદીમાં વાળવા ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ માંગણી કરેલ જેનાં અંતર્ગત તાલાલા ની હિરણ નદીનું દરીયા માં વહી જતું પાણી પીપળવા ગામના વોંકળા મારફત સિંચાઈ વિભાગે કપીલા નદીમાં વાળવામાં આવેલ છે.નદીનું આ પાણી તાલાલા થી બાદલપરા સુધીના 15 ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે.
ગુજરાત સરકારના ખેડૂતલક્ષી આ નિર્ણયની વિગતો આપતાં તાલાલા સિંચાઈ વિભાગના સેક્શન અધિકારી આકાશસિંહ નકુમે જણાવ્યું હતું કે હિરણ નદીમાંથી અત્યારે 196 ક્યુસેક પાણીનો પ્રવાહ વહે છે તે બધું જ પાણી હિરણ-2 ડેમ મારફત દરીયા માં વહી જતું રહે છે.આ પાણી કપીલા નદીમાં વાળતાં તાલાલા-વેરાવળ તાલુકાના 15 ગામને સીધો કે આડકતરો અમુલ્ય લાભ થશે.આ પાણીથી અંદાજે ત્રણ હજાર હેકટર ખેતિની જમીનને સિંચાઈ માટે ઉપયોગી બનશે.કુવાના ભુગર્ભ જળ સ્તર ઉંચા આવશે.ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ની ખેડૂતલક્ષી રજુઆતને તાલાલા-વેરાવળ તાલુકાના 15 ગામના ખેડૂતોએ આવકારી ખુશી વ્યક્ત કરી છે.
તાલાલાથી બાદલપરા સુધી ક્યા ગામને ફાયદો થશે..!!
હિરણ નદી ઉપર તાલાલાની મેઈન કેનાલ મારફત નદીનું વધારાનું પાણી કપીલા નદીમાં વહેતું કરવાથી 15 ગામને ફાયદો થશે જેમાં તાલાલા, પીપળવા, ધ્રામણવા, ગુણવંતપુર, કોડીદ્રા, પંડવા, કુકરાશ, નાખડા, બોળાશ, મેઘપુર, આજોઠા, નાવદ્રા, સોનારીયા, કાજલી અને બાદલપરાનો સમાવેશ થાય છે.



