સ્કૂલમાં ચોકલેટ ખાતા હોવાથી વાલી ઠપકો આપશે તેવો ડર લાગતા નીકળી ગયા હતા
મોડી રાત્રે તાલુકા પોલીસની ટીમે જૂનાગઢથી બાળકોનો કબ્જો મેળવી પરિવારને સોંપ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી કે.જી. ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતાં ત્રણ છાત્રો ગત સાંજે અચાનક લાપતા થઇ જતાં દોડધામ મચી ગઈ હતી. વાલીઓએ સ્કૂલે જઈ તપાસ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી અને પોલીસને જાણ કરતા તાલુકા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને સીસીટીવી ચેક કરતા ત્રણેય ચાલીને જતા નજરે પડ્યા હતા ત્રણેયની શોધખોળ દરમિયાન ત્રણેય જૂનાગઢથી હેમખેમ મળી આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો અને મોડી રાત્રે કબ્જો લઇ પરિવારને સોંપ્યા હતા સ્કૂલમાં ચોકલેટ ખાતા હોવાથી પ્રિન્સિપાલે વાલીને જાણ કરવાનું જણાવતા વાલી ઠપકો આપશે તેવી બીકે જૂનાગઢ તરફ નીકળી ગયાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ધો.8માં અભ્યાસ કરતાં અને રાજકોટમાં જ રહેતા ત્રણ છાત્રો સ્કૂલમાં હતા ત્યારે ક્લાસ ટીચર પાસેથી વોશરૂમ જવાની પરવાનગી લઈ નીકળ્યા હતાં. 10-15 મિનિટ જેટલો સમય વિતવા છતાં તે પરત ન આવતાં શિક્ષકે તપાસ કરતાં ત્રણેય વોશરૂમમાં ચોકલેટ ખાતા જોવા મળ્યા હતાં. આથી શિક્ષકોએ આ અંગે તેમને મનાઈ કરી પ્રિન્સિપાલની ઓફિસમાં લઈ ગયા હતાં. જ્યાં આ મામલે તેના વાલીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી આ ઘટના બાદ ત્રણેય છાત્રો ડરી ગયા હતા અને વાલીઓ ઠપકો આપશે તેવો ડર લાગતા ત્રણેય સાંજના ચારેક વાગ્યે અન્ય છાત્રો સ્કૂલેથી છૂટતાં તેની સાથે સ્કૂલમાંથી નીકળી ગયા હતા. બીજી તરફ વાલીઓ સ્કૂલે પહોંચતા ત્રણેય છાત્રો ગૂમ હોવાનું જાણવા મળ્યું હતું જેની શોધખોળ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરાતા ત્રણેય છાત્રો ગેઈટની બહાર જતાં જોવા મળ્યા હતાં જેથી ઘટના અંગે કંટ્રોલમાં જાણ કરતા તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી એમ હરીપરા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને સીસીટીવી આધારે તપાસ શરુ કરી હતી તપાસ કરતા ત્રણેય છાત્રો શાળાએથી નીકળ્યા બાદ કોઈ વાહન મારફતે જૂનાગઢ પહોંચ્યા હતાં એસટી બસ સ્ટેન્ડમાં ત્રણેય બેઠા હતા ત્યારે એસટી ડેપોના સ્ટાફને શંકા ઉદ્દભવતા ત્રણેય છાત્રોની પૂછપરછ કરી હતી આથી ત્રણેય રાજકોટથી નીકળી જૂનાગઢ આવી ગયાનું જાણવા મળતાં પોલીસને જાણ કરાઈ હતી હેમખેમ મળી આવતા રાજકોટ પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો અને તાલુકા પોલીસે મોડી રાત્રે કબ્જો લઇ વાલીઓને કબ્જો સોંપ્યો હતો.