શાપરના શ્રમિક પરિવારની દીકરીને શખસ ભગાડીને જબલપુર લઇ ગયો
ભક્તિનગર અને કુવાડવા રોડ પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સગીર દીકરીઓના અપહરણના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં સ્કૂલે ફોર્મ ભરવા આવેલી શાપરના શ્રમિક પરિવારની દીકરીને શખ્સ ભગાડીને જબલપુર લઇ ગયો હોય આ અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જયારે કુવાડવાની મીડલ સ્કૂલેથી સગીરા લાપતા થઇ જતા તેમજ નવાગામમાંથી સગીરા લાપતા થઇ જતા આ બંને બનાવ અંગે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ યુપીના અને હાલ 20 વર્ષથી શાપર વેરાવળમાં રહી મજૂરી કરતા શ્રમિક પિતાએ તેની 16 વર્ષની દીકરીના અપહરણ અંગે અભિષેક તાતી નામના શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 18 જૂનના રોજ અપહરણનો ભોગ બનનાર દીકરી ધોરણ 10ની પરીક્ષામાં બે વિષયમાં ફેઈલ થઇ હોય જેથી તેના બે નાના ભાઈ બહેન સાથે રાજકોટના 80 ફૂટ રોડ ઉપર સ્કૂલે ફોર્મ ભરવા આવી હતી બપોર બાદ બે ભાઈ બહેન પરત આવી ગયા હતા જયારે મોટી દીકરી પરત નહીં આવતા માતાએ ફોન કરતા વરસાદ આવે છે હું થોડીવારમાં આવી જઈશ તેમ વાત કરી હતી પરંતુ દીકરી પરત નહીં આવતા બીજા દિવસે સ્કૂલે જઈને તપાસ કરતા તેણી ફોર્મ ભરીને જતી રહી હોવાનું જણાવ્યું હતું તેના દસેક દિવસ પછી દીકરીએ ફોન કરી હું પરત આવી જઈશ ક્યાં છું તે નહિ કહું તેમ કહી ફોન મૂકી દીધો હતો તેવી જ રીતે ફરી દસેક દિવસ બાદ ફોન કરી આ પ્રમાણે વાત કરી હતી જેથી અમે શાપર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા તેનો નંબર આપ્યો હતો અને કોલ ડિટેઇલ આવ્યા બાદ તમને જાણ કરીશું તેમ કહ્યું હતું તે પછી દીકરીને જન્માષ્ટમી પર્વ પૂર્વે ફરીથી ફોન કરી કહ્યું હતું કે મને અભિષેક તાતી જબલપુર લઈને આવ્યો છે અને તે કહે છે કે હું તારી સાથે લગ્ન કરીશ મને અહીંથી લઇ જાવ તેમ જણાવ્યું હતું તે પછી પણ ત્રણથી ચાર વખત ફોન આવ્યો હતો અને મને તેડી જાવ તેમ દીકરીએ કહ્યું હતું જેથી અંતે ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ એમ સરવૈયા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જયારે કુવાડવાની મીડલ સ્કૂલેથી 15 વર્ષની દીકરી ગત 4 તારીખે બપોરે લાપતા થઇ જતા તેણીના પિતાએ અપહરણ અંગે અજાણ્યા શખ્સ સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ ઉપરાંત નવાગામ આણંદપરમાં રહેતા પરિવારની 17 વર્ષ 6 માસ ઉમરવાળી દીકરી ગત 15 ઓગષ્ટના રોજ લાપતા થઇ જતા પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી પરંતુ આજદિન સુધી કોઈ પતો નહિ લાગતા તેણીને અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયાની શંકાએ અજાણ્યા શખ્સ સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ રજિયા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



