કાર ચાલકે હડફેટે લેતા રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે જ ગઈકાલે સવારે સર્જાયો ગોઝારો અકસ્માત, એક ગંભીર
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીથી દ્વારકા પગપાળા જતા મોરબીના રવાપરના પટેલ પરિવારના ચાર સભ્યોને જામનગરના મોટી ખાવડી નજીક રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે જ કાર ચાલકે હડફેટે લેતા એક જ કુટુંબના ત્રણ સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની આ ગોઝારી દુર્ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, તેમના મામાના દીકરા પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજા તેમજ રમેશભાઈના સાળા પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયા ગત તા.12 ના રોજ મોરબીના રવાપરથી દ્વારકા પદયાત્રા કરી દર્શનાર્થે જવા નીકળ્યા હતા તે દરમિયાન ગઈકાલે સવારે આ પદયાત્રિકો જામનગર ખંભાળિયા હાઇવે ઉપર મોટી ખાવડી પાસે રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે પહોંચ્યા ત્યારે જીજે-02-ડીએમ-5918 નંબરની કારના ચાલકે મોરબીના એક જ કુટુંબના ચારેય લોકોને હડફેટે લેતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં અકસ્માતના આ બનાવ અંગે પડાણા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.