તજજ્ઞોએ આંબાના વાવેતર, જમીન જાળવણી, પોષણ સહિતની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું
વિશ્ર્વભરમાં પ્રખ્યાત ગીરની કેરીની ગુણવત્તા ઈઝરાયેલી તજજ્ઞોના સથવારે વધુ ઉત્તમ બનશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.13
તાલાલા ગીરની કેરીના સ્વાદે ગુજરાત સાથે સમગ્ર વિશ્વના કેરી રસીયાઓમાં આગવું આકર્ષણ અને નામના મેળવેલી છે. આ કેરીનું ઉત્પાદન વધુ થાય તે માટે ઈઝરાયેલના કૃષિ તજજ્ઞોએ તાલાલાના સેન્ટર ઓફ એક્સલન્સના સહયોગથી યોજાયેલા સેમિનારમાં કેસર કેરીનું વધુ ઉત્પાદન થાય તે માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યાં હતાં. આ સૂચનોના ઉપયોગથી ભવિષ્યમાં કેસર કેરીનું ઉત્પાદન તો વધશે જ પણ તેની ગુણવત્તામાં પણ સુધારો આવશે.રાજ્યના હોર્ટિકલ્ચર વિભાગ અને તાલાલા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તેમજ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફેર કેન્દ્ર સરકાર અને ઈઝરાયલ સંસ્થા માશવના સંયુક્ત ઉપક્રમે તાલાલાના ચિત્રાવડ ખાતે ઈન્ડો-ઈઝરાયેલ મેંગો ક્લસ્ટર સેમિનાર યોજાયો હતો. જેમાં એમ્બેસી ઓફ ઈઝરાયેલના તજજ્ઞ ઉરી રૂબીન્સ્ટાઈન ઉપસ્થિત રહ્યાં હતાં.આ સેમિનારમાં આંબાનું વાવેતર, વિવિધ કેરીઓની જાત માટે જમીન જાળવણી, આંબાના વાવેતર પહેલા અને પછી જમીનની જાળવણી, જમીનની સાંદ્રતા જાળવવાની વિવિધ પદ્ધતિઓ, જમીનની ખારાશ ઓછી કરવાના ઉપાયો, ઓસ્મોટિક પ્રેશર, સોઈલ ટેક્સચર, જમીનમાં બેક્ટેરિયાનું મહત્વ વગેરે વિશે પાવરપોઈન્ટના માધ્યમથી ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.
એમ્બેસી ઓફ ઈઝરાયેલના તજજ્ઞ ઉરી રૂબીન્સ્ટેઈને જણાવ્યું હતું કે, ‘એડવાન્સ ટેક્નોલોજીના માધ્યમથી કામ કરવા માટે અમે ભારત સરકાર સાથે કટિબદ્ધ છીએ. ભારતમાં મારો અનુભવ છે કે, અહીં ‘બધું જ મળશે’. ઈન્ડો-ઈઝરાયેલના માર્ગદર્શન તેમજ સેન્ટર ઓફ એક્સલન્સના માધ્યમથી સારા પરિણામો મળ્યાં છે.ક્ધસલ્ટન્ટ ધવલસિંહ ચોહાણે આંબા પાકમાં વાવેતર કરતા પહેલા જમીન ચકાસણી તેમજ યોગ્ય પદ્ધતિઓ વડે આંબા પાકમાં વાવેતર, ઉછેર તેમજ આંબાઓમાં નવા ગ્રોથની પદ્ધતિ, અલ્ટ્રાહાઈડેન્સિટી મોડલ વિશે જાણકારી આપી હતી. બાગાયત અધિકારી વિજયભાઈ બારડે જણાવ્યું હતું કે, ત્રિ-દિવસીય મેંગો સેમિનારમાં ઇઝરાયેલના તજજ્ઞ ઉરી રુબીસ્ટેઇન તેમજ વિવિધ રાજ્યના બાગાયત અધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેમિનારમાં બાગાયત નિષ્ણાંતો સાથે સંવાદ સાંધી આંબા પાકમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારવા અંગે
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં તજજ્ઞો દ્વારા ફિલ્ડ વિઝિટ પણ કરવામાં આવી હતી.
સિંહના સંવર્ધન-સંરક્ષણ પ્રત્યે રાજીપો વ્યક્ત કરતા ઈઝરાયેલના ઉરી રૂબીન્સ્ટાઈન
- Advertisement -
ગીરની ભૂમિ મધમધતી કેસર કેરી અને ડાલામથ્થા કેસરી સિંહથી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. રાજ્ય સરકારના પ્રયત્નોથી સાસણના પર્યટનને પણ વેગ મળ્યો છે. સાસણ સહિત આસપાસના વિસ્તારમાં સિંહને અદભૂત છટા દર્શાવી વિહરતો જોવા માટે દર વર્ષે લાખો ટૂરિસ્ટ આવે છે. પૂર્વ ફોરેસ્ટ અધિકારી રઘુવિરસિંહ જાડેજાએ ઈઝરાયેલના મહેમાન ઉરી રૂબીન્સ્ટાઈને ગીરની કેસર કેરી, કેસરી સિંહ, પ્રભાસક્ષેત્રની ભૂમિની વિશિષ્ટતા, સાંસ્કૃતિક બાબતો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. ઉરી રૂબીન્સ્ટાઈને રાજ્ય સરકારના સિંહ પ્રત્યેના સંવર્ધન અને સંરક્ષણ વિશે કરેલા પ્રયત્નોને બીરદાવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.



