બોલિવૂડ સિંગર અનુપ શંકર દ્વારા ગુજરાતી અને હિંદી ગીતોની અનુપમ પ્રસ્તુતિએ રંગ જમાવ્યો
આ બીચ ફેસ્ટિવલને સાકાર કરી કલ્પનાને વાસ્તવિકતામાં ઉતારી છે – કલેક્ટર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.25
જિલ્લા વહીવટીતંત્ર તેમજ ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત પ્રયાસથી ગીર સોમનાથ જિલ્લાના અહેમદપુર-માંડવી બીચ ખાતે ત્રિ-દિવસીય ચાલનારા બીચ ફેસ્ટિવલનો જિલ્લાના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ થયો છે. રંગારંગ બલૂન હવામાં ઉડાડીને કલા અને સંસ્કૃતિના સુભગ સમન્વય એવા બીચ ફેસ્ટિવલનો આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં શુભારંભ થયો હતો.
અહેમદપુર માંડવી ખાતે બીચ ફેસ્ટિવલનો રંગારંગ શુભારંભ થયો હતો. જેના પ્રથમ દિવસે બોલિવૂડના જાણીતા સિંગર અનુપ શંકરે પોતાના કર્ણપ્રિય સૂરો દ્વારા ઉપસ્થિત જનતાને સંગીતમય બનાવી દીધી હતી.
ઢળતી સાંજે એક તરફ દરિયો પોતાનું લયબદ્ધ સંગીત પ્રસ્તુત કરી રહ્યો હતો. તો બીજી તરફ ’તું મિલે દિલ ખીલે…,’ ’રાંજન દા યાર બુલિયાં…’, ’રૂૂપ તેરા મસ્તાના’ સહિતની ધૂનો પર યુવાધન ઝૂમી ઉઠ્યું હતું.
અનુપ શંકરની ’જિયા જલે જાં જલે’, ’એ ઝિંદગી ગલે લગા લે’, ’તું મિલે દિલ ખીલે…,” દા યાર બુલિયાં…’,’તેરે બીના ઝિંદગી સે કોઈ શિકવા નહી..’ ’સાથિયા, તુને ક્યાં કીયા, ’તેરે મેરે બીચ મે…’ સહિતની ફિલ્મી ધૂનોએ રંગ જમાવ્યો હતો.
અનુપ શંકરે એસ.પી.બાલાસુબ્રમણ્યન, કિશોર કુમાર સહિતના કલાકારોએ અન્ય ભાષામાં ગાયેલા ગીતોની હિંદી ભાષામાં કર્ણપ્રિય પ્રસ્તુતિ રજૂ કરી હતી.
અનુપ શંકરે હિંદી અને તમિલ ગીતો સાથે ગુજરાતી ગીતો જેવાં કે, ‘ખારવો ખલાસી’, ‘છોગાળા તારા….’ જેવા ગુજરાતી ગીતો પર યુવાધન ગરબા અને ડાન્સ સાથે ઝૂમી ઉઠ્યું હતું.
બોલીવુડ સિંગર અનુપ શંકરે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પાસે હળવા વાતાવરણમાં મલયાલમ ભાષામાં ગીત ગવડાવ્યું હતું. ઉપસ્થિત સૌએ આ પ્રસ્તુતિને તાળીઓથી વધાવી લીધી હતી.
અનુપ શંકર સાથે કો-સિંગર રેશ્ર્મા, વીનિશ, તનુજ, અતુલ પ્રભાકર , હરિકૃષ્ણન સહિતની સમગ્ર ટીમે ધૂમ મચાવતા પોતાની કલાથી ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતાં.