જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની બાહોશ કામગીરી
લોન કૌભાંડ 8થી 9 કરોડ સુધી આંક પહોંચી શકે તેવી શકયતા
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળની એકસિસ બેંકના ગોલ્ડ લોન વિભાગમાં આચરવામાં આવેલા કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે.આ સમગ્ર બેંક મેનેજર દ્વારા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જેના પગલે પોલીસે ત્રણેય આરોપીઓને તાત્કાલિક રાઉન્ડ અપ કરી વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતે જિલ્લા પોલીસ વડાએ હજુ આંક વધવાની શક્યતાઓ છે તેવું જણાવ્યું હતું.ઉપરાંત ત્રણેય આરોપીઓની પૂછપરછ તેમજ રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેરાવળની એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોન વિભાગમાં કામ કરતા યુવતી સહિત ત્રણ કર્મચારીઓએ એક જ ગોલ્ડ ઉપર અનેક ડમી ગ્રાહકો ઉભા કરી ગોલ્ડ લોન કૌભાંડ આચર્યો હતો. જેનો ઓડિટ દરમિયાન પર્દાફાશ થતાં બેંક મેનેજર રામભાઇ સોલંકી દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ઉપરાંત બેન્કમાં રહેલ કુલ 426 પેકેટની તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર આંકડો સામે આવે તેમ છે ત્યારે હાલ વેરાવળ સિટી પોલીસે ત્રણેય આરોપીઓ માનસીંગ જાદવભાઇ ગઢીયા,વિપુલ ધીરૂભાઇ રાઠોડ અને પીન્કીબેન મુલચંદભાઇ ખેમચંદાણી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી બેન્કનો સેલ્સ મેનેજર માનસિંગ ગઢીયા જે છેલ્લા 8 વર્ષથી બેન્કમાં નોકરી કરતો હતો અને ગોલ્ડ લોનનું જ મુખ્ય કામ કરતો હતો.ઉપરાંત તે સિવાય વિપુલ અને પિન્કીબેન ત્રણેયને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.ઓડિટ દરમિયાન સાચું સોનું કાઢી અને ખોટું મૂકી દઈ નવા ગ્રાહકો ઉભા કરી લોન કરતા હતા.જેથી 400 ની આસપાસ લોન થઈ હોય તેવું લાગી રહ્યું છે.વધુ વિગતો તપાસ બાદ સામે આવી શકે તેમ છે.હાલ અમોએ 2 કરોડની ફરિયાદ દાખલ કરી છે પરંતુ 8 થી 9 કરોડ સુધી આંકડો પહોંચવાની પૂરી સંભાવના છે.અન્ય લોકોની સંડોવણી બાબતે પણ તપાસ ચાલી રહી છે.