મનપા વોર્ડ ઑફિસમાં દારૂ મટન પાર્ટીના આક્ષેપ કરી બબાલ મચાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેક્ટર જીગ્નેશભાઈ જીતેન્દ્રભાઈ ઓડેદરાએ આરટીઆઈ એક્ટિવિસ્ટ લોકેશ પોપટાણી, મનોજ ચુડાસમા અને જીગ્નેશ પંડ્યા સામે ફરજમાં રૂકાવટ અને સફાઈ કામદારોને હડધુત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બી ડિવિઝન પોલીસ મથકમાં સોમવારે રાત્રે થયેલી ફરિયાદ અનુસાર એસઆઇ અને સફાઈ કામદારો ગઈ તા. 6 માર્ચના રોજ રાત્રે 9:30 વાગ્યે વોર્ડ નંબર 7 અને 5ની સંયુક્ત ઓફિસ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાના ભાગરૂપે પ્લાસ્ટિકની બોટલોમાંથી મોર પક્ષી બનાવવાની કામગીરી કરતા હતા. આ વખતે લોકેશ પોપટાણી અને મનોજ ચુડાસમાએ આવી મોબાઈલ કાઢી વીડિયો શુટીંગ ઉતારવા લાગ્યા હતા. અને તમો લોકો અહીં દારૂની મહેફિલ માણો છો અને માંસ મટન રાંધીને પાર્ટી કરો છો તેમ કહી કામગીરી ખોરંભે ચડાવી ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યાં જીગ્નેશ પંડ્યા પણ આવી ગયા હતા અને અમે પ્રેસ મીડિયામાંથી આવીએ છીએ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ છીએ તમે લોકો દારૂની મહેફીલ કરો છો, માંસ મટન બનાવવાના પ્રોગ્રામ કરો છો તેમ કહ્યું હતું. લોકેશભાઈ પોપટાણીએ સાથેના સફાઈ કર્મચારીઓને ગાળો કાઢી હતી. જીગ્નેશ પંડ્યાએ સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈને ફોન કરી આ જગ્યાએ આવો તમારી ઓફિસમાં માણસો દારૂ પીએ છે અને માંસ મટનની પાર્ટી ચાલુ છે તેમ કહેતા કલ્પેશભાઈ આવ્યા હતા. અને તેમણે આ લોકોમાંથી કોઈ દારૂ પીધેલ હોય તો ટેસ્ટ કરાવી લેવાનું જણાવતા ત્રણેય લોકોમાંથી કોઈએ 100 નંબર પર કોલ કરતા થોડીવારમાં પોલીસે આવી તપાસતા કોઈ દારૂ પીધેલનું જણાયેલ નહીં કેમ છતાં બ્રેથ એનેલાઇઝરથી ચેકઅપ કરતા કોઈ તેથી પીણું પીધેલ જણાયેલ નહીં. આમ ફરજમાં રૂપાવટ કરી અને સફાઈ કર્મચારીઓને હડધુત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી આર.જે.પરમારે હાથ ધરી હતી.