સમગ્ર વિશ્ર્વને હચમચાવી નાખતો યુએનનો ક્લાઇમેટ રિપોર્ટ
2015ની ક્લાઇમેટ સંધિમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રીથી ન વધવા દેવા સંમત થયું છતાં વધતાં ચિંતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જિનિવા, તા.20
ગયા વર્ષે સમગ્ર વિશ્વએ જબરદસ્ત ગરમી અનુભવી હતી અને હવે તો યુએને પણ તેનો પુરાવો આપતા જણાવ્યું હતું કે 2014થી 2023નો દાયકો માનવ ઇતિહાસનો સૌથી ગરમ દાયકો રહ્યો છે. આ સમયગાળામાં જબરદસ્ત હીટવેવ્સ જોવા મળ્યા છે.વિશ્વના ગ્લેસિયરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગ્લેસિયરોએ વિક્રમજનક સંખ્યામાં બરફ ગુમાવ્યો છે. તેના લીધે તેમનું અસ્તિત્વ ભયમાં છે. છે. હીટવેવ્સે સમુદ્રોને અત્યંત ગરમ કરી દીધા છે. જાણે માનવજાત અસ્તિત્વના અંતની નજીક પહોંચી ગઈ હોય તેવી સ્થિતિ છે.યુએનના વિશ્વ હવામાન સંગઠને ક્લાઇમેટ રિપોર્ટમાં વિશ્વના વાતાવરણની વાસ્તવિક સ્થિતિ દર્શાવી હતી. તેના પ્રારંભિક આંકડામાં જણાવાયું છે કે 2023નું વર્ષ અત્યાર સુધી નોંધાયેલા વર્ષોમાં સૌથી ગરમ વર્ષ હતું.આમ માનવ ઇતિહાસના છેલ્લા દસ વર્ષ અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ હતા.
યુએન ચીફ એન્તોનિયો ગુએન્ટર્સે જણાવ્યું હતું કે આ અહેવાલ દર્શાવે છે કે આપણો ગ્રહ જાણે તેના અસ્તિત્વના અંતના આરે છે. પૃથ્વીએ આપણને ચેતી જવાનો સંકેત આપ્યો છે. અશ્મિજન્ય ઇંધણનું પ્રદૂષણ પૃથ્વીના વાતાવરણને વધુને વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે. તેની સાથે ચેતવણી આપી હતી કે ક્લાઇમેટ ચેન્જની પ્રક્રિયા વધુ ઝડપી બની છે. વિશ્વ હવામાન સંગઠને તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે પૃથ્વીની સપાટી પરનું સરેરાશ તાપમાન ઔદ્યોગિકીકરણ પૂર્વેનાવ ર્ષ કરતાં 1.45 ડિગ્રી વધારે હતું. આ આંકડા વિશ્વની ખતરનાક બનતી જતી ક્લાઇમેટ ચેન્જની સ્થિતિનો નિર્દેશ કરી રહ્યા છે.
સાઉલોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ હવે ફક્ત તાપમાનની વૃદ્ધિ પૂરતુ જ મર્યાદિત રહ્યું નથી. 2023માં આપણે અકલ્પનીય સ્થિતિઓ જોઈ હતી, સમુદ્ર કલ્પી ન શકાય તેટલો ગરમ થયો, ગ્લેસિયર ક્યારેય ન ઓગળતા હોય તેટલા ઓગળ્યા, એન્ટાર્કટિકમાં બરફ ઓગળતો જોયો. આ ઉપરાંત અન્ય ચિંતાજનક વાત એ છે કે મરીન હીટવેવ્સે ગયા વર્ષે વૈશ્વિક સમુદ્રના ત્રીજા હિસ્સાને લગભગ દરરોજે તેની ગરમીની પકડમાં લીધો હતો. 2023ના અંત સુધીમાં તો સ્થિતિ એવી હતી કે વિશ્વના સમુદ્રના 90 ટકા હિસ્સાએ કોઈને કોઈ સમુદ્રમાં હીટવેવ અનુભવ્યો હતો. તેની સાથે વિશ્વના ગ્લેસિયરોએ 1950ના દાયકાના પ્રારંભ પછી સૌથી મોટો લોસ અનુભવ્યો હતો. પશ્ચિમ નોર્થ અમેરિકા અને યુરોપમાં મોટાપાયા પર બરફ ઓગળ્યો હતો. છેલ્લા બે વર્ષમાં એકલા આલ્પ્સના ગ્લેસિયરોએ જ દસ ટકા વોલ્યુમ ગુમાવ્યું છે. એન્ટાર્કટિક સમુદ્રમાં બરફનું સ્તર અત્યાર સુધીના સૌથી નિમ્નસ્તરે છે.
નેશનલ ઓશનોગ્રાફી સેન્ટર(યુકે)ના મરીન સિસ્ટમ મોડલિંગ વિભાગના વડા જોએલ હીશ્ર્ચીએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે અગાઉનાં વરસો દરમિયાન વિશ્વભરના મહાસાગરોની સપાટીના તાપમાનનો રેકોર્ડ 2023માં તૂટયો હતો. હવે 2024માં પણ કંઇક આવી જ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાવાની પૂરી શક્યતા છે.નોઆના ઓશનોગ્રાફર ગ્રેગરી .સી. જ્હોન્સને એમ કહ્યું છે કે ઉદાહરણરૂપે 2023માં દુનિયાના બધા મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન 0.25 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે અગાઉના 2022ની સરખામણીએ વધુ રહ્યું હતું. આ પરિવર્તનો અર્થ એવો થયો કે જગતભરના મહાસાગરોની સપાટીના સરેરાશ તાપમાનમાં એક જ વર્ષમાં થયેલો વધારો અગાઉના બે દાયકામાં થયેલા વધારા બરાબર છે. આ બધું જે કાંઇ થઇ રહ્યું છે તે ખરેખર તો બહુ અગત્યું અને ભારે આશ્ચર્યજનક પણ છે.