સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કલેક્ટર કચેરીમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો
ધમકી ક્યા માધ્યમથી મળી હતી અને તેનો મુખ્ય હેતુ શું હતો તે દિશામાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના હાર્દ સમાન અને હંમેશા લોકોથી ધમધમતી જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા આજે સરકારી તંત્ર અને નાગરિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને સમગ્ર કચેરી પરિસરમાં લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કલેક્ટર કચેરીમાં બપોરના સમયે પાંચ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે તેવી ચોંકાવનારી અને ડરામણી માહિતી સુરક્ષા એજન્સીઓને મળી હતી. આ પ્રકારની ગંભીર સૂચના મળતા જ કચેરીમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામકાજ અર્થે આવેલા અરજદારોમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.
ધમકી મળ્યાની ગણતરીની મિનિટોમાં જ રાજકોટ શહેર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કલેક્ટર કચેરી વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. સ્પેશિયલ ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના દરેક રૂમ, ગેલેરી, અને ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા પરિસરમાં પડેલી બિનવારસી વસ્તુઓ, વાહનો અને શંકાસ્પદ વ્યક્તિઓ પર ઝીંણવટભરી નજર રાખવામાં આવી હતી. સરકારી કચેરીને નિશાન બનાવવાની ધમકી હોવાથી બહારના વ્યક્તિઓના પ્રવેશ પર નિયંત્રણ લાદીને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી હતી.
હાલમાં પોલીસ વિભાગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા કચેરીના તમામ વિભાગોમાં તપાસ ચાલુ છે. પોલીસ આ ધમકી પાછળ કોનો હાથ છે, ધમકી કયા માધ્યમથી મળી હતી અને તેનો મુખ્ય હેતુ શું હતો તે દિશામાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી રહી છે. અગાઉ પણ આવી અનેક અનામી ધમકીઓ મળતી હોય છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી ન હોવાથી સમગ્ર ઓપરેશન ખૂબ જ સતર્કતા સાથે ચલાવવામાં આવી રહ્યું છે.



