ટ્રમ્પ પર ગોળીબાર મામલે સ્વતંત્ર તપાસ થશે: લોકશાહીમાં હિંસાને સ્થાન નથી
ઈજા થયાના એક જ દિવસમાં ટ્રમ્પ ફરી ચુંટણી મેદાનમાં ઉતર્યા: બાઈડન પણ કાલે પ્રચાર કરશે
- Advertisement -
અમેરિકામાં પ્રમુખપદની ચુંટણીના ઉમેદવાર અને પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે વર્તમાન પ્રમુખ જો બાઈડને એવો ગર્ભીત નિર્દેશ કર્યો છે કે ચુંટણીના વર્ષમાં હિંસાનો ખતરો હોવાથી ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. ટ્રમ્પ પર હુમલાના કેસની તટસ્થ અને સ્વતંત્ર તપાસ યોજવાની પણ તેમણે જાહેરાત કરી છે.
ટ્રમ્પ પર ગોળીબારની ઘટનાના બનાવ બાદ અમેરિકી પ્રમુખ જો બાઈડને બીજી વખત નિવેદન જારી કર્યુ છે. તેમણે કહ્યું કે વર્તમાન સમય શાંતિ રાખવાનો છે. સુરક્ષા તંત્ર દ્વારા ચુંટણી વર્ષમાં હિંસાનો ખતરો હોવાની ચેતવણી આપવામાં આવી જ છે. આવતીકાલથી રિપબ્લીકન સંમેલન શરૂ થવાનું છે. મારી ટીકા કરશે તે વાત સ્પષ્ટ છે.
લોકતાંત્રીક વ્યવસ્થામાં શાંતિપૂર્ણ કામગીરી થવી જોઈએ. નેતાઓ, ઉમેદવારોના ચરિત્ર રેકોર્ડ, મુદા, એજન્ડા અને દ્રષ્ટિકોણની સરખામણી કરવામાં આવે છે. મતદાનથી બધુ શકય બને છે, ગોળીઓ કે હિંસાથી નહી. અમેરિકાને બદલવાની શક્તિ આમઆદમીના હાથોમાં જ હોવી જોઈએ. હિંસક માનસ ધરાવતા લોકોના હાથમાં નહી. શાંતિનો માર્ગ જ સાચો છે, હિંસક કૃત્યો આચરીને ભયનું વાતાવરણ સર્જવાનું યોગ્ય નથી.
- Advertisement -
જો બાઈડને કહ્યું કે અમેરિકા જ પૃથ્વી પરનો સૌથી મહાન દેશ છે. દરમ્યાન ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા ડોનાલ્ડ ટ્રમ્પ એક જ દિવસમાં ફરી ચુંટણી મેદાનમાં આવી ગયા છે. તેણે આવતીકાલથી શરૂ થતા રીપબ્લીકન નેશનલ કન્વેન્શનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. જો બાઈડને પણ જાહેર કર્યુ છે કે ચાલુ સપ્તાહમાં જ તેઓ ફરી ચુંટણી મેદાનમાં ઉતરશે.
મંગળવારે ચુંટણી પ્રચાર કરશે. ડેમોક્રેટ ઉમેદવાર તરીકે પોતાનો ટ્રેક રેકોર્ડ અને ભાવિ દ્રષ્ટિકોણ, એજન્ડા લોકો સમક્ષ રજુ કરશે. લોકતંત્ર માટે મજબૂતાઈપુર્વક બોલવાનું ચાલુ રાખશે. બંધારણ અને કાયદાના શાસન માટે જ લડત ચાલુ રાખશે.
લોકશાહીમાં હિંસાને બદલે મત થકી જ બદલાવ શકય છે. હિંસા કોઈ સમસ્યાનો જવાબ નથી. શાસક કે વિપક્ષ કોઈની પણ સામે હિંસા મંજુર નથી. ટ્રમ્પ પરની ગોળીબારની ઘટના પર એફબીઆઈ તપાસ કરી જ રહી છે અને તેની તટસ્થ તપાસ થશે.