ખાસ-ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-7)
ડમ્પરોમાં કોલસો ભરી લઇ જવાતો હોય છે, પરંતુ તંત્રને વાહન નજરે પડતાં નથી
- Advertisement -
સુરેન્દ્રનગરમાં ચાલતા કોલસાના કાળા કારોબારમાં ત્રણ દસકાથી ભૂમાફિયા કબ્જો જમાવી બેઠા છે. રાજકીય ઓથ અને પ્રશાસનની મીઠી નજર વગર 2 હજાર કોલસાની ગેરકાયદે ખાણો ચલાવવી કઠીન નહિ પરંતુ અશક્ય છે. ત્યારે થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાં ચાલતી બે હજારથી પણ વધુ ખાણોમાં નીકળતો કોલસો વેચાણ કરવા માટે હજજારો ડમ્પરોની સતત અવર જવર અહી નજરે પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસ હોય કે રાત કોઈપણ સમયે કરબોસેલ કોલસો ભરેલા ડમ્પરો રોડ પર ખુલ્લેઆમ નીકળતા નજરે પડે છે. પાસ પરમીટ, ઓવરલોડ અને તદ્દન ગેરકાયદે ખનિજ ભરેલ વાહનો માત્ર સામાન્ય લોકોને જ નજરે પડે છે બાકી અહીંનું પ્રશાસનના નાક નીચેથી નીકળતા વાહનોને તંત્રનો એકેય અધિકારી નારી આંખે જોઈ શકતો નથી અથવા તો જોઈ જાણીને આંધળો હોવાનું નાટક કરે છે. અહી સામાન્ય કોન્સ્ટેબલથી માંડીને એસ.પી સુધી અને પટાવાળાથી માંડીને કલેકટર સુધી તંત્રના દરેક અધિકારીને ચાલતી ગેરકાયદે કોલસાની ખાણ બાબતે તમામ માહિતી છે પરંતુ કોઈ રાજકીય નેતાના ડરમાં જીવ છે તો કોઈ ગજવા ગરમ કરી બધું ચાલાવામાં મદદ કરે છે. પ્રશાસનના કેટલાક કર્મચારીઓ જેમાં પોલીસ, ખાન ખનિજ વિભાગ અને સરપંચ સહિતનાઓ મુખ્યત્વે કોલસાની ખાણોમાં ભાગીદારી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટરના સૂર્યાસ્ત બાદ ખનિજ વહન કરવાના જાહેરનામાના ઉલંઘન અહી જોવા માળે છે કારણ કે થાનગઢ, મૂળી અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના હાઇવે પર મોડી સાંજ થાય એટલે કોલસો ભરેલા વાહનોની લાઈન લાગે છે એક બાદ એક વાહનો છુટતા જાય છે અને લાખ્ખો રૂપિયાનો કોલસો ચોરી કરી બરોબર વેચાણ કરી દેવાય છે. આ ઓવરલોડ ડમ્પરોના લીધે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ બિસ્માર બની ચૂક્યા છે જેના લીધે ગ્રામ્યના રહીશો પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પરંતુ જ્યારે આખુંય પ્રશાસન ગેરકાયદે કોલસાનો ધંધો ચલાવવા માટે ભૂમાફિયા પડખે હોય ત્યારે સામાન્ય ગ્રામજનો રસ્તા બાબતે અનેક રજૂઆત કરે પરંતુ ગરીબ અને લાચાર સ્થાનિકોની કોણ સાંભળે ? અહી તો કોલસાની કમાણીનો હિસ્સો ગામડાના સરપંચથી માંડીને સાંસદ સુધીના ગજવા ગરમ કરે છે.
-થાનગઢ, મૂળી અને સાયલા પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરે છે પરંતુ કોલસો ભરેલા ડમ્પરો પોલીસના નાક નીચેથી નીકળતા હીવા છતાં પણ રોકવાની હિંમત થતી નથી. જ્યારે કોલસો ભરેલા ઓવરલોડ વાહનો સામે RTO વિભાગ તો જાણે નિંદ્રામાં હોય તેમ અહી ફરકતું પણ નથી.
-જ્યારે કોઈ જાગૃત નાગરિક તલાટી, મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ અધિકારી, ખાણ ખનીજ વિભાગ અથવા તો જિલ્લા કલેકટર સુધીનાને રજૂઆત કરે છે. ત્યારે જે અધિકારીને રજૂઆત કરી હોય તે વિભાગનો વિભીષણ ભૂમાફિયાને તુરંત જાણ કરે છે.