GSTનો પ્રારંભ થયા બાદ 1 હજારથી વધુ ફેરફાર આવ્યા, 5 વર્ષમાં પહેલું એસેસમેન્ટ
જીએસટીના વર્ષ 2017-18ના હિસાબો ખુલ્યા હતા, છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જીએસટી એસેસમેન્ટની છેલ્લી ઘડીઓ વચ્ચે અનેક વેપારીઓને નોટિસો ઇશ્ર્યુ કરવામાં આવી છે અને અનેક વણઉકેલાયેલા સવાલોના જવાબ માંગવાના આવ્યા છે. જીએસટીની શરૂઆતના વર્ષના એટલે કે વર્ષ 2017-18ના વર્ષના હિસાબોનું હાલ એસેસમેન્ટ ચાલી રહ્યું છે જે પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર છે. સી.એ. નિરજ બજાજ કહે છે કે આ વર્ષ એવુ હતું કે જ્યારે જીએસટીની શરુઆત હતી અને અનેક ક્વેરીઓના જવાબ વેપારીઓને મળતા નહતા. જેના લીધે અનેક વેપારીઓ ઘણા અટવાયા પણ હતા. આ એવો સમયગાળો હતો. જ્યારે 1 હજારથી વધુ ફેરફાર પણ બહાર પડ્યા હતા. નોંધનીય છે કે વેટની જેમ જીએસટીમાં પણ એસેસમેન્ટ ચાર થી પાંચ વર્ષ પાછળ ચાલી રહ્યા છે. તહેવારોની સિઝનમાં અધિકારીઓએ જીએસટી એસેસમેન્ટ પૂર્ણ કરવાના હોય વેપારીઓ પાસેથી હાલ ઝડપથી માહિતી ન આવી રહી હોવાની પણ ફરિયાદો આવી રહી છે. અલબત્ત, જે કેસમાં એસેસમેન્ટ પુરા થયા છે તેમાં હાલ ઓર્ડરની કોપી વેપારીઓને આપવામાં આવી રહી નથી એટલે વેપારી આલમમાં એક ડર એ પણ છે કે એસેસમેન્ટમાં મોટાપાયે ડિમાન્ડ તો કાઢવામાં નહીં આવી હોય ને.
…તો વન સાઇડ એસેસમેન્ટ કરી દેવામાં આવશે
સૂત્રો કહે છે કે, જીએસટી એસેસમેન્ટના અંતિમ તબક્કાના સમયે હજારોની સંખ્યામાં નોટિસો ઈશ્યુ કરવામાં આવી છે. અનેક વેપારીઓએ અગાઉની ક્વેરીના જવાબ આપ્યા નથી અને 30 તારીખ બાદ એસેસમેન્ટ થઈ શકે એમ નથી. આથી જે પણ ક્વેરી છે તેના સંબંધિત નોટિસો કાઢવામાં આવી છે. જેનો જવાબ વેપારીઓ 29મી કે 30મીની સવાર સુધી જવાબ નહીં આપે તો વન સાઈડ એસેસમેન્ટ પણ થશે. આ પ્રકારના એસેસમેન્ટમાં વેપારીઓ પર ભારે ટેક્સ ડિમાન્ડ કાઢવામાં આવે છે. તેની પણ આગામી સમયમાં નોટિસ ઈશ્યુ કરવામાં આવશે.
ડિફરન્સ અંગેના જવાબો મંગાયા છે
એસેસમેન્ટના છેલ્લા દિવસોમાં જે નોટિસો આવી છે તે મોટાભાગે 3-બી સહિતના જે રિટર્ન છે. તેમાં આવેલા તફાવત અંગેની છે. વેપારીઓને જે ક્વેરી પુછાઈ છે તે મુજબના જવાબ આપવામાં આવી રહ્યા છે. -અતિત શાહ, સી.એ.
- Advertisement -