જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર શાસિત જાહેર કરાયેલા લડાખના લોકો હવે રસ્તા ઉપર ઉતર્યા છે અને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે હડતાળ પાડતા સમગ્ર લડાખમાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે.
કેન્દ્ર શાસિત પ્રદેશને બદલે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને ઉગ્ર આંદોલન કર્યું હતું. લેહ એપેક્સ બોડ4 તથા કારગીલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા સંયુક્ત રીતે આંદોલન શરુ કરવામાં આવ્યું છે.
- Advertisement -
કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું હોવાથી 6ઠ્ઠા શિડ્યુલ હેઠળ બંધારણીય સુરક્ષાની માંગ પણ કરવામાં આવી છે. રસ્તા પર ઉતરીને સમગ્ર પ્રદેશમાં હડતાળ પાડનારા આંદોલનકારીઓએ લેહ તથા કારગીલ માટે બે અલગ સંસદીય બેઠકની પણ માંગ કરી છે.
કેન્દ્ર સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 તથા 35એ નાબૂદ કરતાની સાથે લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યું હતું અને ત્યારથી સ્થાનિકોમાં ધૂંધવાટ પ્રવર્તતો હતો. આંદોલનકારીઓએ એવો દાવો કર્યો હતો કે પૂર્ણ રાજ્યનો દરજજો મળવાના સંજોગોમાં સ્થાનિક નેતાઓને ચૂંટી શકશે અને વિકાસ થઇ શકશે.
કેન્દ્ર સરકારે ગત વર્ષે સ્થાનિક લોકોની ચિંતાને આગળ ધરીને ગૃહ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કર્યું હતું. પ્રદેશની જમીનના રક્ષણ તથા સ્થાનિક લોકોને રોજગારી મુદ્ે ભલામણો સુચવવા કહેવાયું હતું. લડાખમાં ભારે હિમવર્ષા તથા કાતિલ ઠંડીમાં પણ હજારો લોકો આંદોલનમાં સામેલ થયા હતાં.