ઇજિપ્તના એક નાનકડા ગામમાં સામાન્ય પરિવારમાં જન્મેલો એક બાળક માત્ર ત્રણ વર્ષની ઉંમરે અંધ થયો. હજુ તો દુનિયાને જોવાની સમજ માંડ માંડ પડી ત્યાં ભગવાને એની બંને આંખો છીનવી લીધી. પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ સામાન્ય હતી એટલે યોગ્ય સારવાર પણ શક્ય નહોતી.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
બાળક જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ જીવન પ્રત્યેની નકારાત્મકતા વધતી ગઈ. એક સમય એવો આવ્યો કે એણે દુનિયા છોડી દેવાનો વિચાર કર્યો. કોઈ જગ્યાએ આશાનું એકપણ કિરણ દેખાતું નહોતું આથી બધી સમસ્યાઓથી મુક્ત થવાનો એક માત્ર માર્ગ આત્મહત્યા જ છે એવું એને લાગતું હતું.
આ છોકરો આત્મહત્યા કરવા નીકળ્યો અને એની એક સૂફી સંત સાથે આકસ્મિક મુલાકાત થઈ. સૂફી સંતે આ છોકરાને ઘણી વાતો કરી જેનાથી જીવનને જોવાનો એનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. અનેક સમસ્યાઓ હોવા છતાં જીવનને મન ભરીને માણવાના સંકલ્પ સાથે આ છોકરો ઘરે પાછો આવ્યો.
- Advertisement -
જે છોકરાએ એક વખતે આત્મહત્યા કરવાનો નિર્ણય કરેલો એ છોકરો આજે ઇજિપ્તનું ગૌરવ છે. આ છોકરાનું નામ છે ડો. તાહા હુસૈન. ડો. તાહા હુસૈન સાહિત્યક્ષેત્રે ખૂબ જાણીતું નામ છે એમની આત્મકથા ’ઝવય ઉફુત’ અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે છે. આપણને એક વિષયમાં પીએચડીની પદવી મેળવતા નાકે દમ આવી જાય જ્યારે ડો. તાહા અંધ હોવા છતાં 14 વિષયમાં પીએચડીની પદવી ધરાવે છે. એમણે ઇજિપ્તના શિક્ષણમંત્રી તરીકે પણ અદ્ભુત સેવાઓ આપી હતી. 36થી વધુ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય એવોર્ડસથી એમનું સન્માન થયું છે. યુનાઇટેડ નેસન્સે પણ એમની સેવાઓને ધ્યાને લઈને માનવ અધિકાર રક્ષણનાં કાર્ય માટે ડો. તાહાને સન્માનિત કર્યા છે. આત્મહત્યા કરવા નીકળેલા ડો. તાહા ક્યાં પહોંચી ગયા!
માત્ર એક સારો વિચાર માણસને ખીણમાંથી ઉપાડીને શિખર સુધી પહોંચાડે છે અને એક નબળો વિચાર માણસને શિખર પરથી ખીણમાં ધકેલે છે. આપની આસપાસ સારા વિચારો પીરસનારા મિત્રો રાખજો, જે તમને સતત ચેતનવંતા રાખે.