વસ્તી વિસ્ફોટથી વિવિધ મોરચે સર્જાયેલા પડકારોને અંકુશમાં લેવા સરકારની પગલાં લેવા તૈયારી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
રાજસ્થાનના મંત્રી ઝાબરસિંઘ ખર્રાએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર બેથી વધુ બાળકો ધરાવતા દંપતિને સરકારી યોજનાના લાભ પર અંકુશની ગંભીર વિચારણા કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સતત વધતી વસતીને કારણે દેશના સ્ત્રોતો પર પ્રતિકુળ અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્રના સ્તરે ટુંક સમયમાં કાયદો અમલી બનાવાય તેવી શકયતા છે. રાજસ્થાન સરકારમા મંત્રી ઝાબરસિંઘે જણાવ્યું હતું કે બેથી વધુ બાળકો ધરાવતાં દંપતિને મળતાં સરકારી યોજનાના લાભ નિયંત્રીત કરવા સઘન વિચારણા ચાલી રહી છે.ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર આ દિશામાં કોઈ લાગુ કરશે. તેમણે કહ્યું હતું કે વસ્તી વિસ્ફોટની સીધી અસર દેશનાં સ્ત્રોતો પર થાય છે અને તેને લીધે ઘણી સમસ્યા ઉદભવે છે.
- Advertisement -
ભાજપના જ રાજસ્થાન સરકારના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સમાનતાની ભાવના સાથે વિવિધ ક્લ્યાણ યોજનાઓ લાગુ કરી છે પણ અમુક સમુદાયમાં વસતીની અસાધારણ વૃધ્ધિને કારણે યોજનાના અમલમાં અસમાનતા ઉભી થાય છે તેમણે કહ્યું હતું કે અમુક સમુદાયમાં ચાર બેગમ (પત્નિ) અને 36 બાળકો હોય છે. તે ખોટુ છે.દરેક માટે કાયદો સમાન હોવો જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે રાજસ્થાન વિધાનસભાના કેટલાંક સભ્યોને પણ 3-4 પત્નિ છે. અહીં એ નોંધવુ જરૂરી છે કે રાજસ્થાનમાં સરકારી નોકરી માટે બે બાળકોનાં કાયદાનું પાલન જરૂરી છે. સુપ્રિમ કોર્ટે પણ ફેબ્રૂઆરીમાં આ પોલીસીને મંજુરી આપી હતી. કોર્ટે જણાવ્યું હતું કે પોલીસી ભેદભાવયુકત નથી અને તેમાં બંધારણનું ઉલ્લંધન થતુ નથી. રાજસ્થાન વેરીયસ સર્વીસ (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2001 અનુસાર બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારને સરકારી નોકરીમાં રાખવા પર પ્રતિબંધ છે. નાણામંત્રી નિર્મલા સીતારામને ચાલુ વર્ષે વચગાળાના બજેટ પહેલા વસતી વધારો અને તેને લીધે વિકસીત ભારતના લક્ષ્યાંક સામે ઉભા થતા પડકાર અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમણે આવી ચિંતાનાં ઉકેલ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી હતી.