તર્પણનું તર્પણ પ્રથમ ત્રણ પ્રકરણનો સારાંશ
‘સાહેબ ! જાહેરસભાની ભાગદોડમાં બાર મોત થયા છે અને સવાસો લોકોને નાની-મોટી ઈજા છે…’ પેલાં કાર્યકરે હાંફતા સ્વરે કહ્યું અને ઉમેર્યું
- Advertisement -
ચતૂર્વેદિનું માન વિદ્યાર્થીઓમાં ગજબ હતું, એક નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્ર હોવા ઉપરાંત તેઓ ઉમદા વિચારક પણ ખરાં, ભારતીય અને વૈશ્ર્ચિક ઈતિહાસનું તેમનું જ્ઞાન અભૂતપૂર્વ કહી શકાય એવું હતું, એમનાં જેવાં વિદ્વાન સત્વશીલ, કર્મઠ વ્યક્તિ કોઈ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરપદે પહોંચે એવું ભાગ્યે જ બનતું હોય છે
તર્પણનું તર્પણ લઘુનવલના પ્રથમ ભાગમાં જાણ્યું કે, મુંબઈના શિવાજી મેદાનમાં લાખો લોકોની જાહેરસભાને સંબોધવાનો હતો, તર્પણ શર્મા. આધૂનિક ભારતનો પ્રગતિશિલ ચહેરો એટલે તર્પણ શર્મા. પ્રજામાં તેની જબરદસ્ત વિશ્ર્વસનિયતા હતી. બહુ ટૂંકા ગાળામાં, જેટ ગતિએ ભારતીય રાજનીતિના આકાશમાં તેનો ઉદય થયો હતો. લગભગ 42ની ઉંમરે જ તર્પણ શર્મા દેશની મુખ્ય રાજકીય પાર્ટી એવી ‘લોકશક્તિ મંચ’નો અધ્યક્ષ બની ગયો હતો. તર્પણ પાસે એક મજબૂત ટીમ હતી. તેનાં બે સંન્નિષ્ઠ સાથીદારો, વિવેક વર્મા અને પુરૂષોત્તમ પાટિલ. તર્પણની સાથે વિવેકની તસવીરો પણ પાર્ટીનાં પોસ્ટર્સ પર છપાતી હતી. વિવેકના પિતા એટલે દેશનાં ટોચનાં ઉદ્યોગપતિઓમાંના એક એવાં ભગવતિચરણ વર્મા તો પુરુષોત્તમ પાટિલ મૂળે મહારાષ્ટ્રિયન, પરંતુ તેના બાપદાદા વર્ષો પહેલાં મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરી ગયા હતા. એટલે જ મહારાષ્ટ્રિયન હોવા છતાં એની ઓળખ અસ્ખલિત હિન્દી બોલી શકતા કિસાન પુત્ર અને ભીડથી અલગ તરી આવતો એક સજજ યુવાન તરીકે હતી. ભારતીય રાજનીતિની આ યુવા ત્રિપુટીએ મલક આખાને ઘેલું લગાડયું હતું. જે લોકો રાજકારણની વાતથી દૂર રહેવાનું પસંદ કરે છે એવાં સમાજનાં અનેક વર્ગને આ તીનમૂર્તિએ રાજકારણમાં રસ લેતા કર્યા હતા.
શિવાજી મેદાનમાં તર્પણ શર્માની છેલ્લી જાહેરસભા હતી. લોકસભાની ચૂંટણીઓમાં મેદાનનાં ત્રણ ચરણ ખતમ થઈ ગયા હતા. ચોથા અને છેલ્લાં ચરણનાં મતદાન પહેલાં પ્રચારનો સમય પુરો થઈ રહ્યો હતો. ત્રણ રાઉન્ડના પ્રચાર માટે તર્પણ, વિવેક અને પુરૂષોત્તમ આખો દેશ ફરી વળ્યાં હતાં. લગભગ 40 દિવસના આ સમયગાળા દરમિયાન તર્પણ આખા દેશનાં વિવિધ પ્રાંતોમાં મળી દોઢસો જેટલી સભાઓ સંબોધી ચૂક્યો હતો. મોટાભાગની સભાઓમાં જનતાનો પ્રચંડ સહકાર તેને મળ્યો હતો. લોકો સ્વયંભૂ જ તેની જાહેરસભા સાંભળવા પહોંચી જતા. ભાડૂતી શ્રોતાઓ લાવવાની આવશ્યકતા નહોતી અને તર્પણને એવી આદત પણ નહોતી. પ્રચાર દરમિયાન તેણે આ પ્રકારે અનેક સભાઓ કરી હતી. ભારતીય રાજનીતિનાં ઈતિહાસમાં અગાઉ કોઈ નેતાએ ક્યારે પણ આવી રીતે ચૂંટણી પ્રચાર નહોતો કર્યો. આ નવતર પ્રચારનો વિચાર મૂળે પુરુષોત્તમ પાટિલના ફળદ્રુપ દિમાગની પેદાશ હતી. પ્રચાર કહેવા કરતાં આમ તો તેને પ્રજામાં પોતાનાં પક્ષનો અભિગમ સ્પષ્ટ કરવાની કસરત કહી શકાય. પણ આ કસરત હતી જોખમી ! તર્પણ જેવાં નિષ્કલંક અને નીતિવાન રાજકારણી સિવાય આવું જોખમ કોઈ ઉઠાવે જ નહીં. સભાનું ફોર્મેટ કંઈક એવું હતું કે દેશની ટોચની ન્યૂઝ ચેનલ ‘હિન્દુસ્તાન ટીવી’ની તેજોતરાર મહિલા પત્રકાર કાજલ સેન મંચ પર તર્પણનો ઈન્ટરવ્યૂ કરતી હતી અને તર્પણ તેમાં પ્રામાણિક જવાબો આપતો હતો. આ તમામ પ્રશ્ર્નો દર્શકો પાસેથી વ્હોટ્સએપ્પ દ્વારા મંગાવવામાં આવતા. ચેનલ પાસે આવેલાં આ હજારો પ્રશ્ર્નોમાંથી પત્રકાર કાજલ સેન સૌથી આકરાં પંદર-વીસ સવાલો પસંદ કરી તર્પણને મંચ પરથી જ એ પૂછતી. તર્પણ પણ હૃદયપૂર્વક તેનો જવાબ આપતો.
- Advertisement -
દેશનાં કેટલાંક મહાનગરોમાં ચૂંટણી દરમિયાન વિવિધ ચેનલો દ્વારા નેતાઓ વચ્ચે ચર્ચાઓ યોજાતી હોય છે પરંતુ અહીં મામલો અલગ હતો, લોકશક્તિ પાર્ટી પોતે જ સભાનું આયોજન કરતી, કોઈ ચેનલ નહીં! આવી સભાઓ તર્પણ શર્માના વન મેન શો જેવી રહેતી. કાજલ સાથેનું પ્રશ્ર્નોપનિષદ પૂર્ણ થયા પછી તર્પણનું પંદરેક મિનીટનું ભાષણ યોજાતું. અમેરિકામાં પ્રમુખપદના બે ઉમેદવારો વચ્ચે ‘ઓપન ડિબેટ’ યોજાતી હોય છે એવું જ કંઈક અહીં થતું. તફાવત એ હતો કે અહીંયા તર્પણની લોકશક્તિ પાર્ટીને સવાલો પુછવા માટે કાજલ સેન હતી. કાજલ એક અનોખી પત્રકાર હતી. એનો ચહેરો જેટલો આકર્ષક હતો એટલી જ અસરકારક તેની કાર્યશૈલી હતી. એ ખરા અર્થમાં બાહોશ પત્રકાર હતી. પોતાનાં કાર્યક્રમ ‘ન્યૂઝ વ્યૂઝ ઈન્ટરવ્યૂઝ’માં એ જ્યારે કોઈ રાજકારણીનો ઈન્ટરવ્યૂ કરતી- પેલા રાજકારણીનું સંપૂર્ણ સ્કેનિંગ કરી નાંખતી. તેની પાસે માહિતી અને જ્ઞાનનું ભાથું હતું. જે તે વિષયનું તેનું રિસર્ચ અદભૂત કહી શકાય એવું રહેતું. આજે પણ એ કેટલાંક આકરાં પ્રશ્ર્નો પૂછવાની તૈયારી સાથે આવી પહોંચી હતી.
‘તર્પણ શર્મા… ઝિન્દાબાદ ઝિન્દાબાદ !’ના ગગનભેદી નારાંઓથી શિવાજી મેદાન ગાજી ઉઠયું. જાહેરસભામાં તર્પણનું આગમન થઈ ચૂકયું હતું. ત્રીસેક ફુટની ઉંચાઈ પર બાંધવામાં આવેલા મંચ પર પહોંચી તેણે હાથ હલાવી પ્રજાનું અભિવાદન ઝીલ્યું. બેઉ હાથ જોડી તેણે પ્રજાભાવનાને વંદન કર્યા. કોઈ હારતોરા કે સન્માન નહીં. કોઈ ફોર્માલિટી નહીં.
ભારતીય રાજનીતિનાં ઈતિહાસમાં અગાઉ કોઈ નેતાએ ક્યારે પણ આવી રીતે ચૂંટણી પ્રચાર નહોતો કર્યો, આ નવતર પ્રચારનો વિચાર મૂળે પુરુષોત્તમ પાટિલના ફળદ્રુપ દિમાગની પેદાશ હતી. પ્રચાર કહેવા કરતાં આમ તો તેને પ્રજામાં પોતાનાં પક્ષનો અભિગમ સ્પષ્ટ કરવાની કસરત કહી શકાય
તર્પણ પોતાની વાત આગળ વધારે એ પહેલાં જ મંચની બરાબર સામેની તરફ એક પ્રચંડ વિસ્ફોટ થયો, માનવ શરીરના માંસના ટુકડા ચોતરફ ઉડયા, લોહીના ફુવારાથી વાતાવરણ આતંકિત બની ગયું મંચના એક ખૂણામાંથી મધ્યમાં આવી કાજલએ શ્રોતાઓને બે હાથ જોડી ‘નમસ્તે’ કર્યું. એક માઈક્રોફોન તેણે પોતાનાં હાથમાં લીધું, બીજું તર્પણને આપ્યું. બંને વચ્ચે દેશની શાંતિ-સુરક્ષાના સવાલ-જવાબ શરૂ થયા. અને થોડીવારમાં તો અચાનક જ ‘ધડામ !’
તર્પણ પોતાની વાત આગળ વધારે એ પહેલા જ મંચની બરાબર સામેની તરફ એક પ્રચંડ વિસ્ફોટ થયો. માનવ શરીરના માંસના ટુકડા ચોતરફ ઉડયા, લોહીના ફુવારાથી વાતાવરણ આતંકિત બની ગયું. જ્યાં સૂત્રોચ્ચારથી ગગન ગાજતું હતું ત્યાં ભયભિત લોકોની ચીસોથી અને કેટલાંક લોકોની મરણચીસોની હવામાં જાણે ખૌફ ઘોળાઈ ગયો. લોકોને હોંશ નહોતા. કઈ દિશામાં ભાગવું એ પણ તેમને સમજાતું નહોતું. ધક્કામુક્કી… નાસભાગ… ઘોંઘાટ… જોતજોતામાં આખો મંચ ધરાશાયિ થઈ ગયો. ઝેડ પ્લસ સીક્યુરિટીના જવાનોની જાંબાઝી અહીં કામ લાગે એવું ન હતું. આ કોઈ હૂમલો ન હતો, હૂમલા પછી થયેલી નાસભાગ હતી. તર્પણ શર્મા હજુ બે મિનીટ પહેલા માઈક પરથી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યો હતો પરંતુ હવે તેની હાલત ખરાબ હતી. સ્ટેજ જમીનદોસ્ત થયું ત્યારે એ પોતાનાં શરીર પરનો કાબુ ગુમાવી ઉંધેકાંધ પડયો હતો. તેનાં શરીર પર આખો શમિયાણો આવી પડયો હતો. તર્પણના માથામાંથી લોહી વહી રહ્યું હતું, તેનાં પેટમાં તથા છાતીના ભાગે પણ ઈજાઓ હતી. ઝડપભેર પેલા અધિકારી ત્યાં ધસી ગયા અને તર્પણની નાડી તપાસી. પળનો પણ વિલંબ કર્યા વગર તેણે તર્પણ માટે સ્ટ્રેચર મંગાવ્યું અને ત્રીજી જ પળે તર્પણને લઈ એક એમ્બ્યુલન્સ પુરપાટ ઝડપે હોસ્પિટલ ભણી દોડી રહી હતી.
પ્રથમ ભાગમાં રોમાંચક બનેલી લઘુનવલ તર્પણનું તર્પણ ભાગમાં બેમાં રોમાંચ-સસ્પેન્સની સફર પર આગળ વધે છે જ્યાં મુંબઈની વિખ્યાત હોસ્પિટલ ‘લાઈફ લાઈન’ના ફર્સ્ટ ફ્લોર પર આવેલાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં ટોચના ડોક્ટર્સની ટીમ તર્પણની સારવારમાં તૈનાત હતી. સારવારમાં લાગેલાં ડોકટર્સએ હજુ સુધી તર્પણની તબિયતની ગંભિરતા અંગે ફોડ પાડી કશું કહ્યું ન હતું. આઈ.સી.યુ.માં વિવેક અને પુરૂષોતમ હાજર હતાં. પણ, ડોક્ટરને એમની હાજરી ખૂંચતી હોય એવું લાગતું હતું. એ બેઉને આઈ.સી.યુ. છોડી, તર્પણને એકલો મૂકી જવાનું મન ન હોય એવું લાગતું હતું. એમને તર્પણની ચિંતા હતી. ખુબ જ ચિંતા. જો કે, ડોક્ટરએ બેઉને આઈ.સી.યુ. છોડવાનું સ્પષ્ટ કહેવું ન પડયું. લોકશક્તિ પાર્ટીનો એક યુવા હોદ્દેદાર આઈ.સી.યુ.માં અચાનક ધસી આવ્યો અને તેણે પુરુષોત્તમને કાનમા કંઈ વાત કહી. પુરુષોત્તમએ આંખોથી ઈશારો કરી વિવેકને આઈ.સી.યુ.ની બહાર આવવા કહ્યું. ત્રણેય ઝડપભેર બહાર નીકળી ગયા.
‘સાહેબ ! જાહેરસભાની ભાગદોડમાં બાર મોત થયા છે અને સવાસો લોકોને નાની-મોટી ઈજા છે…’ પેલાં કાર્યકરે હાંફતા સ્વરે કહ્યું અને ઉમેર્યું :
‘પોલીસ કમિશનર કે. શ્રીરામએ હમણાં ન્યૂઝ ચેનલોને કહ્યું કે આખી ઘટના પાછળ રાજકીય કાવતરું હોય એવું તેમને પ્રથમદર્શી પુરાવાઓ પરથી લાગી રહ્યું છે..!’ વિવેકના ચહેરા પર દુ:ખનાં ભાવ પ્રસરી ગયા હતા,. પુરુષોત્તમ એકદમ ઉકળી ઉઠયો હતો. તેણે બહુ આક્રોશ સાથે કહ્યું : ‘…એક વખત તર્પણ સાજો થઈ જાય પછી એમને ભરી પીશું…’ વિવેકની વાત હજુ અધુરી હતી ત્યાં આઈ.સી.યુ.માંથી ડોક્ટર મહેતા તેમની તરફ તેજ ગતિથી આવ્યાં. એમણે વિવેક સામે જોયું અને દબાતા સ્વરે કહ્યું :
“જુઓ, હું તમને કોઈ ખોટા આશ્ર્વાસનો નહીં આપું. અમારાં તમામ પ્રયત્નો છતાં મિસ્ટર તર્પણની તબિયતમાં જેટલો સુધારો થવો જોઈએ એટલો થઈ નથી રહ્યો. ડોક્ટર મહેતા શું કહેવા માંગતા હતા એ સમજતા વિવેક અને પુરુષોત્તમને વાર ન લાગી. ડોક્ટર મહેતા ત્વરાથી આઈ.સી.યુ.માં જતા રહ્યાં. પરંતુ એમના છેલ્લાં વાક્યએ વિવેકને અને પુરુષોત્તમને હચમચાવી મૂક્યાં હતા. નજીકની બેન્ચ પર પુરુષોત્તમ લગભગ ફસડાઈ પડયો. વિવેકની હાલત પણ બહુ સારી નહોતી.
પુરૂષોત્તમએ વિવેક સામે જોયું અને અત્યંત ઢીલા સ્વરે એ ધીમેથી બોલ્યો :
‘વિવેક, આપણું સ્વપ્ન- જે તે, મેં અને તર્પણએ ઉછેર્યું હતું- શું અધુરું જ રહી જશે? તને યાદ છે ને, તેનું બીજ આપણાંમાં તર્પણએ જ રોપ્યું છે !’
એ બીજ એમની ભીતર ક્યારે રોપાઈ ગયું એ પણ બેઉને ખ્યાલ નહોતો રહ્યો. કોઈ ધસમસતા પ્રવાહમાં જાણે તણખલું વહી રહ્યું હોય એમ તર્પણના ઉમદા આદર્શવાદી વિચારોમાં તેઓ છેક કોલેજકાળથી જ વહી ગયા હતા. પુરુષોત્તમ ભૂતકાળની એ સ્મૃતિઓમાં સરી પડયો હતો. દિલ્હી યુનિવર્સિટીમાં એ સમયે પણ તર્પણ, વિવેક અને પુરુષોત્તમની ત્રિપૂટી મશહૂર હતી. આર્ટસમાં માસ્ટર્સ કરી રહેલાં તર્પણને બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થી, વિવેક સાથે અને પોતાનો જ ક્લાસના પુરુષોત્તમ સાથે ગાઢ દોસ્તી હતી.
વિદ્યાર્થીઓની નાની-મોટી સમસ્યાઓ બાબતે તર્પણ હંમેશા સજાગ રહેતો. એટલે જ યુનિવર્સિટીના જનરલ સેક્રેટરીની ચૂંટણી આવે ત્યારે બધાની નજર એ પદ માટે તર્પણ તરફ જ ગઈ. વાજતેગાજતે વિદ્યાર્થીઓનું એક નાનકડું પ્રતિનિધિમંડળ તર્પણ શર્માનાં રૂમ પર પહોંચ્યું. રૂમ પર તર્પણ ઈન્ટરનેટ સર્ફિંગમાં વ્યસ્ત હતો અને વિવેક એક ખુરસી પર બેસી કોઈ અંગ્રેજી સામયિક વાંચી રહ્યો હતો. પેલા પાંચ-સાત સભ્યોનો ડેલીગેશનમાંથી એક વિદ્યાર્થીએ તર્પણને તેમનાં નિર્ણય વિશે જણાવ્યું. એમની વાત શાંત ચીત્તે સાંભળ્યા પછી તર્પણએ પોતાનો નિર્ણય જણાવ્યો:
“મિત્રો, તમારી લાગણી બદલ હું તમારાં સૌનો આભાર માનું છું, મને ખ્યાલ છે કે યુનિવર્સિટીમાં અગાઉ ક્યારેય કોઈને સિલેકશન થકી જનરલ સેક્રેટરી બનવાનું સદભાગ્ય સાંપડયું નથી. પરંતુ, મને નથી લાગતું કે હું આ પદ સારી રીતે સંભાળી શકીશ. પ્લીઝ… તમે કોઈ બીજો વિકલ્પ વિચારો..!
‘તર્પણ શર્માનો વિકલ્પ કોઈ હોઈ જ ના શકે’ એક વિદ્યાર્થીએ મક્કમતાપુર્વક કહ્યું. બાકીના વિદ્યાર્થીઓએ પણ તેની વાતમાં સૂર પુરાવ્યો. પરંતુ તર્પણે તો વિવેકનું નામ સૂચવ્યું. એમાંથી કોઈએ કલ્પના સુધ્ધાં કરી નહોતી કે તર્પણનો પ્રતિભાવ આવો હશે. હા ! કેટલાંકને એવી શંકા જરૂર હતી કે એ કદાચ પદ સ્વીકારવાની ના કહેશે પરંતુ પોતાનાં બદલે વિવેકનું નામ સૂચવશે એવું તો કોઈએ વિચાર્યું નહોતું. લોકપ્રિયતાની દૃષ્ટિએ તર્પણ પછી કોઈનું નામ લેવાતું હોય તો એ પુરુષોત્તમ હતો. તર્પણએ જો પુરુષોત્તમનું નામ સૂચવ્યું હોત તો વિદ્યાર્થીઓ આટલો લાંબો-પહોળો વિચાર પણ ના કરતા હોત ! વિવેક આ પદ પર બેસે તો સમજવું કે હું જ બેઠો છું. અમે બેઉ અલગ નથી. એને, તમને, કોઈને પણ મારી જરૂર પડે તો હું ક્યાં તમારાથી દૂર છું !’ પેલા વિદ્યાર્થીઓ પાસે હવે કોઈ દલીલો બચી નહોતી.
ત્રીજા દિવસે વિવેકની વરણી દિલ્હી યુનિવર્સિટીના જનરલ સેક્રેટરીના પદ પર થઈ ચૂકી હતી. વિદ્યાર્થી નેતા હબિબ મોહમ્મદ સિવાય કોઈને તેનાં નામ સામે વાંધો નહોતો. પરંતુ તર્પણની સમજાવટ પછી હબિબ અંતે માની ગયો. હબિબ ભલે વિવેકની કે પુરુષોત્તમની માફક તર્પણની બહુ નજીક ના હોય, તેની ટેલેન્ટથી તર્પણ પ્રભાવિત હતો. એ બ્રિલિયન્ટ હતો, ઉમદા વાચક હતો પરંતુ વધુ પડતો જિદી, આકરાં સ્વભાવનો અને કદાચ કોમવાદી પણ ખરો. રાજનીતિના દાવપેચ તેને બરાબર માલુમ રહેતા. ચૂંટાયા પછીનાં ગણતરીના દિવસોમાં જ વિવેકને હબિબનો પરિચય મળી ગયો હતો. રાજનીતિનો તમાશો ચરમસીમા પર હતો ત્યાં જ જામિયાના સ્ટુડન્ટ યુનિયનએ ત્રણ દિવસની હડતાલની જાહેરાત કરી. હબિબ મોહમ્મદ પાસે આ સમાચાર આવતાં જ તેણે વિવેકને ફોન જોડયો અને આ સંદર્ભે વિદ્યાર્થી નેતાઓની બેઠક બોલાવવા કહ્યું. બરાબર ત્રણ કલાક પછી લગભગ ડઝનેક જેટલાં વિદ્યાર્થી નેતાઓ કેમ્પસમાં આવેલાં પાર્કમાં એકઠા થઈ ચૂક્યાં હતાં. જ્યાં તેઓ વચ્ચે તરહતરહની ચર્ચા-વિચારણા શરૂ થઈ હતી.
ભાગ ત્રણ સુધીમાં તર્પણનું તર્પણ લઘુનવલ એક નવો વળાક લઈ તર્પણ, વિવેકના ભૂતકાળના પ્રસંગો તરફ દિલધડક રીતે અગ્રેસર થાય છે. ત્રણ દિવસની હડતાલનો આજે પ્રથમ દિવસ હતો. દિલ્હી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રીકુમાર ચતૂર્વેદિને આ હડતાલ સામે સખ્ત વાંધો હતો. પોતાનાં બંગલા પર તેમણે તર્પણ, વિવેક સહિતના પાંચેક વિદ્યાર્થી નેતાઓની એક બેઠક બોલાવી હતી. ચા-નાસ્તાની ફોર્માલિટી હજુ શરૂ જ થઈ હતી ત્યાં ચતૂર્વેદિએ વિવેક સામે જોઈ સવાલ કર્યો : ‘ભાઈ, શું તને લાગે છે કે આ હડતાલ વાજબી છે?
પોલીસ ફોર્સનાં મનોબળ પર કેવી અસર તેમાંથી થશે, સમાજને શો મેસેજ જશે? મને ખ્યાલ છે કે, વિદ્યાર્થીઓમાં તમારાં જેવાં નેતાઓનો પ્રભાવ હોય છે. પરંતુ આ પ્રભાવનો તમે દુરૂપયોગ કરી રહ્યાં હોય એવું મને લાગે છે.’ શ્રીકુમાર ચતુર્વેદિ ઉકળી ઉઠયા હતાં. વાંધો તેમને હડતાલ સામે નહોતો, હડતાલનાં મુદા સામે હતો.
ચતૂર્વેદિનું માન વિદ્યાર્થીઓમાં ગજબ હતું. એક નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્ર હોવા ઉપરાંત તેઓ ઉમદા વિચારક પણ ખરાં. ભારતીય અને વૈશ્ર્ચિક ઈતિહાસનું તેમનું જ્ઞાન અભૂતપૂર્વ કહી શકાય એવું હતું. એમનાં જેવાં વિદ્વાન સત્વશીલ, કર્મઠ વ્યક્તિ કોઈ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરપદે પહોંચે એવું ભાગ્યે જ બનતું હોય છે. ચતૂર્વેદિને અહીં સુધી પહોંચાડવામાં તેમનાં લોકશક્તિ પાર્ટીના સ્ટેટ યુનિટ સાથેના સંબંધો કારણભૂત હતાં. જોકે તેનો અર્થ એવો બિલકુલ નહોતો કે તેઓ માત્ર રાજકીય પક્ષના ટેકાથી જ અહીં બિરાજમાન હોય. એમની પાસે પોતાનું ભાથું હતું. વિદ્યાર્થીઓ એટલે જ એમનો આદર કરતા.
વિવેક, તર્પણ અને પુરૂષોત્તમ સાથેની લાંબી ચર્ચા બાદ ચતૂર્વેદિ સાહેબએ તેઓને કહ્યું : ‘મિત્રો, લાંબી ચર્ચા કરવાનો અર્થ નથી. પરંતુ, મેં તમારી સમક્ષ એક વિચાર રજુ કર્યો છે તેનાં પર સ્હેજ ધ્યાન આપશો તો મને ગમશે. બાય ધ વે, હું મારો નિર્ણય તમને જણાવી દઉં.. યુનિવર્સિટીમાં અધ્યયન કાર્ય ચાલુ રહેશે. આ બંધને હડતાલને સમર્થન આપીશ તો મારો અંતરાત્મા મને માફ નહીં કરે !’
વિદ્યાર્થી નેતાઓનાં વિરોધ વચ્ચે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું. થોડાં વિદ્યાર્થીઓએ કલાસ એટેન્ડ કર્યા- બાકીનાં અળગાં રહ્યાં. પરંતુ હડતાલનાં ત્રીજા દિવસે એક એવો બનાવ બની ગયો જેમાંથી આખી યુનિવર્સિટી ખળભળી ઉઠી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સૂચનાથી રાજ્યપાલએ વાઈસ ચાન્સેલર શ્રીકુમાર ચતૂર્વેદિનું રાજીનામું માંગી લીધું. એક જ દિવસમાં એમની જગ્યાએ રામનંદન પાન્ડેની નિમણૂંક પણ થઈ ગઈ. પાન્ડેજી નખશિખ રાજકારણી હતાં, શિક્ષણ સાથે એમને નાડી નેફાનો પણ સંબંધ નહીં. ચતુર્વેદિ સાહેબએ પોતાના સ્પષ્ટ વિચારોની, રાષ્ટ્રવાદી વિચારધારાની કિંમત ચૂકવવી પડી હતી. વિદ્યાર્થીઓ માટે પણ આ સમાચાર એક અણધાર્યો આંચકો ગણાય એવાં હતાં.
તર્પણના રૂમ પર આજે વાતાવરણમાં તનાવ જાણે ઘોળાઈ ગયો હતો. ત્રિપૂટીના હાથમાં ચાની પ્યાલી હતી. વિવેક કોઈ ચેઈન સ્મોકરની માફક એક પછી એક માર્લબોરો સિગરેટ ફુંકી રહ્યો હતો. તર્પણએ ચા ખતમ કરી અને મોબાઈલમાંથી નંબર ડાયલ કરી પડખેની કિટલી પર કોફીનો ઓર્ડર આપ્યો. શું બોલવું એ કોઈને સમજાતું નહોતું. હડતાલ હવે જાણે ગૌણ બાબત બની ગઈ હતી, બધાનાં દિમાગમાં ચૂતર્વેદિ સાહેબની હકાલપટ્ટીના વિચારો ઘુમરાતા હતાં. નાનકડાં રૂમમાં ફેલાયેલી આ ખામોશીમાંથી સર્જાતો અદૃશ્ર્ય-અશ્રાવ્ય કોલાહલ જાણે હજારો ડેસિબલના અવાજ કરતાં પણ વધુ ઘોંઘાટ સર્જતો હતો. ચતૂર્વેદિ સાહેબનું રાજીનામું જાણે ત્રણેય મિત્રો માટે રાજકારણમાં પ્રવેશવાનું કારણ બની ગયું.
કોલેજ ખતમ કર્યા પછી ત્રણેય મિત્રોએ રાજકારણમાં ઝૂકાવવાનું નક્કી કરી લીધું હતું. એમનાં આ નિર્ણયથી સૌથી વધુ આંચકો કદાચ વિવેકના પિતા ભગવતિચરણ વર્માને લાગ્યો હતો. આજે રવીવારનો દિવસ હતો, એમણે ત્રણેય મિત્રોને પોતાનાં ફાર્મ હાઉસ ‘ભારત દર્શન’ પર બોલાવ્યાં હતાં. વિવેક પોતાની ડિઝાઈનર મે-બેક કારમાં બેઉ મિત્રોને લઈ ફાર્મ પર પહોંચ્યો.
‘ભારત દર્શન’ ખરા અર્થમાં દેશનાં દર્શન કરાવતું અદભુત સ્થળ હતું. તર્પણ અને પુરુષોત્તમ ફાટી આંખે ફાર્મ નિહાળી રહ્યાં હતાં. અહીં વર્માજીએ લગભગ ચાલીસેક કોટેજ બનાવ્યાં હતાં. દરેક રાજ્ય અને કેદ્રશાસિત પ્રદેશનું પ્રતિબિંબ ઝીલતું એક-એક કોટેજ. ખરા અર્થમાં આ ફાર્મ હાઉસ નહોતું, ભારતીય સંસ્કૃતિઓનું મ્યુઝીયમ હતું. રાષ્ટ્રપતિ ભવનની પ્રતિકૃતિ સમાન એ નાની શી ઈમારતના ડ્રોઈંગ રૂમમાં એક આરામ ખૂરસી પર લાંબા થઈ વર્માજી કોઈ પુસ્તક વાંચી રહ્યાં હતા.
‘આવો… આવો, ક્રાન્તિકારીઓ ! વેલકમ !’ વર્માજીએ કટાક્ષમાં ઝબોળાયેલું વાક્ય ફેંકી ત્રણેયનું સ્વાગત કર્યું. ‘હા ! તો મિત્રો, લેટ મી નો યોર ફયુચર પ્લાન.’
‘વિવેકએ તમને વાત કરી જ હશે. કોલેજમાં હતાં ત્યારથી જ અમે નક્કી કરી લીધું હતું કે અમે રાજનીતિમાં આવીશું.’
‘યસ, તર્પણ ! આઈ નો એવરીથિંગ. જનરલ સેક્રેટરી તરીકે તે વિવેકનું નામ સૂચવ્યું ત્યારથી આજ સુધી આઈ હેવ બીન ફોલોઈંગ યુ… મને વિવેક બધી જ વાતો કહેતો રહ્યો છે. જુઓ, મને ખ્યાલ છે કે, તમારામાં ભરપૂર શક્તિઓ છે. તમને લાગ્યું હશે કે, એક પિતા તરીકે વિવેકનો આ નિર્ણય મને નહીં ગમ્યો હોય. પણ, એવું નથી. આઈ એમ મોર ધેન હેપ્પી. જુઓ, દરેક બિઝનેસ ટાયકુનના ઘેર એવાં સંતાનો તો હોય છે જે બાપનો કારોબાર સંભાળી લે છે. પરંતુ દેશની ચિંતા સામે ચાલીને માથે ઓઢનાર સંતાન તો ભાગ્યથી જ મળે.’ વર્માજી હવે આ બધું કટાક્ષમાં નહોતા બોલી રહ્યાં. એમણે પોતાની વાત આગળ વધારી. ‘…પણ, તર્પણ અને પુરુષોત્તમ ! તમે ક્યારેય એ વિચાર્યુ છે કે તમારો પરિવાર તમારા તરફ આશા રાખી બેઠો હશે ! મને ખ્યાલ છે કે, તમારા પરિવાર સુખી-સંપન્ન છે. પણ, તમારાં જીવનનિર્વાહનું શું થશે? જવાબ તમારે નથી આપવાનો, હું આપું છું. તમને દર મહિને સેલરીનો ચેક મળી જશે. મારે ત્યાંથી વીસેક હજાર કર્મચારીઓનાં પગાર થાય છે. હું માનીશ કે મેં વધારે બે-ચાર મેનેજર્સ રાખ્યાં છે. તમે હૃદયપુર્વક રાજનીતિમાં સક્રિય થો. લોકશક્તિ પાર્ટીમાં મારે વાત પણ થઈ ગઈ છે. તમારી આવડતથી તેઓ પણ વાકેફ છે. તમારા મેરિટ પર જ તમને સારા પદ સાથે પક્ષમાં પ્રવેશ મળશે ! ગો અહેડ!’ ભગવતિચરણ વર્માની વાત સાંભળી તર્પણ- પુરુષોત્તમ ગળગળાં થઈ ગયા હતા. આદરપૂર્વક તેમણે વર્માજીને ચરણસ્પર્શ કર્યા અને ત્યાંથી વિદાય લીધી.
ત્રિપૂટીના આગમનથી લોકશક્તિ પાર્ટીમાં પણ જાણે નવો પ્રાણ ફુંકાયો. પુરુષોત્તમએ સંગઠ્ઠન મજબૂત બનાવ્યું, દેશભરમાં ફરી કાર્યકરોને સક્રિય કર્યા, નવા કાર્યકર બનાવ્યાં તથા પાર્ટીનો વ્યાપ વધાર્યો. વિવેકએ પ્રવકતા ઉપરાંત સ્ટ્રેટેજિસ્ટની ભૂમિકા સંભાળી લીધી હતી. એ સતત પ્રજાની નજરમાં રહેતો. તર્પણનું નામ ઝડપભેર પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં સામેલ થઈ ગયું હતું. પણ, આ વખતની ચૂંટણીઓ યુવાનોનાં નામ પર લડાઈ રહી હતી. દેશભરમાં યુવા નેતાગીરીની હવા ચાલી હતી. પીપલ્સ પાર્ટીએ હબિબ મોહમ્મદને પોતાનો ચહેરો બનાવ્યો હતો અને લોકશક્તિ પાસે તર્પણ અને વિવેક નામનાં બે મોસ્ટ સેલેબલ ચહેરાઓ હતા. ભારતના રાજકારણમાં જ્યાં મંત્રીઓ 85-90ની ઉંમરે પણ વ્હીલચેરમાં બેસીને પણ પ્રધાનપદ પર ચીટકી રહેતા હોય છે ત્યાં યુવા નેતૃત્વનો આ યુગ સ્વયં એક ઈતિહાસથી કમ નહોતો.
હવે ભાગ-4માં આવતા સપ્તાહથી આગળ વધશે
થ્રિલર લઘુનવલ તર્પણનું તર્પણ