ખાનગી સ્કૂલના બાળકો માટે 1 કરોડ પુસ્તકો પહોંચાડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ વર્ષે 4.57 કરોડ પાઠ્યપુસ્તકો ફ્રીમાં સરકારી સ્કૂલો સુધી પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે ગયા વર્ષે 2023-24માં 4.40 કરોડ પાઠ્યપુસ્તકો તૈયાર કરાયાં હતાં. પાઠ્યપુસ્તકે જાહેર કરેલા આંકડા મુજબ, ગયા વર્ષની સરખામણીએ ધો.1થી 8માં 7.79 લાખ, 9થી 12માં 8.60 લાખ પાઠ્યપુસ્તકોની સંખ્યા વધી છે. મંડળ દ્વારા ખાનગી સ્કૂલોના બાળકો માટે અલગથી 1.25 કરોડ પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે.
પરંતુ રસપ્રદ વાત એ છે કે, ખાનગી સ્કૂલોમાં પાઠ્યપુસ્તકના વેચાણમાં 25 લાખ પુસ્તકોનો ઘટાડો નોંધાયો છે. અધિકારીઓના મતે, ખાનગીમાં પાઠ્યપુસ્તકોની સંખ્યા ઘટવાનું કારણ કુલ સંખ્યા ઘટી હોઇ શકે છે અથવા ખાનગી સ્કૂલો પાઠ્યપુસ્તક સિવાય અન્ય પબ્લિકેશનના પુસ્તકોનો અભ્યાસ કરાવે છે. સરકારી સ્કૂલોના બાળકોને ફ્રીમાં પાઠ્યપુસ્તકો મળે તે માટે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ સહિતના માધ્યમો માટે પુસ્તકો તૈયાર થાય છે.
અમદાવાદમાં ધો.1થી 8માં 18.46 લાખ, જ્યારે ધો.9થી 12માં 7.74 લાખ પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને ફ્રી આપવામાં આવ્યા છે.
રાજ્યમાં સૌથી વધારે ફ્રી પાઠ્યપુસ્તકો બનાસકાંઠા જીલ્લામાં આપવામાં આવ્યાં હતાં. ત્યારબાદ દાહોદમાં પુસ્તકોનું વિતરણ કરાયું છે. જાન્યુઆરી મહિનામાં આવેલી વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પુસ્તકો વિતરણ કરવામાં આવે છે.
- Advertisement -
170 વિષયો, ગીતા અને દ્વિતીય ભાષાનું પુસ્તક ઉમેરાશે
અત્યાર સુધી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધો.1થી 12 માટે કુલ 170 વિષયોના પુસ્તકો છપાતાં હતાં. જ્યારે આ વર્ષે ગીતા અને ધોરણ 8માં દ્વિતીય ભાષાનું પાઠ્યપુસ્તક ઉમેરાશે. જેથી કુલ મળીને હવે પાઠ્યપુસ્તક મંડળ 172 વિષયોના પુસ્તકો પબ્લિશ કરે છે. જેમાંથી મોટાભાગના પુસ્તકો સરકારી સ્કૂલોના બાળકોને ફ્રી પહોંચાડાય છે. જ્યારે ખાનગી સ્કૂલોના બાળકોને વેચાણથી આપવામાં આવે છે.