આપણું આયુષ્ય ટૂંકું છે કે લાંબું? સમય સાપેક્ષ છે. રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને લાગે છે કે પાંચ વર્ષ પાંપણના પલકારામાં વીતી ગયાં. ભૂખમરાથી પીડાતા મનુષ્યને લાગે છે કે એક એક દિવસ કાઢવો મુશ્કેલ છે. સત્ય એ છે કે કાળ અનંત છે અને આપણે અલ્પજીવી છીએ. જન્મના સમયે આપણે પ્રથમ શ્વાસ લઇએ છીએ અને મૃત્યુના સમયે આખરી ઉચ્છવાસ છોડીએ છીએ. આ બે ક્ષણો વચ્ચે આપણે જીવીએ છીએ. આપણું આયુષ્ય ત્રીસ વર્ષનું, પચાસ વર્ષનું કે નેવું વર્ષનું હોય તો પણ સમયના અફાટ સાગરની તુલનામાં એનું મૂલ્ય એક પરપોટાથી વિશેષ નથી.
પ્રશ્ર્ન એ છે કે આ અલ્પ આયુષ્યમાંથી કેટલો મોટો ભાગ આપણે વ્યર્થ ગપ્પાં ગોષ્ઠિમાં, વ્યસનોમાં, પાનના ગલ્લે ઊભા રહેવામાં, હોટલોમાં વેચાતો કચરો હોજરીમાં ઠાલવવાનાં વેડફી નાખીએ છીએ.
ઇશ્વરે આપેલા સમયનો સદુપયોગ કરતા શીખીએ અને આપણી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પાસેથી ઇશ્વર દ્વારા નિર્ધારિત અને અપેક્ષિત કાર્ય લઇએ. આંખોનો ઉપયોગ માત્ર પરમાત્માનાં દર્શન કરવાં અને સાત્વિક પુસ્તકો વાંચવાં માટે કરીએ. જીભનો ઉપયોગ મીઠી વાણી બોલવાં અને ભજનો ગાવાં માટે કરીએ. આજે દેશભરમાં શ્રીરામ ભક્તિનો નારો પ્રસરી ગયો છે. હવા બંધાઇ ગઇ છે. જ્યાં ‘ચીકની ચમેલી…’, ‘શીલા કી જવાની….’ અને ‘મુન્ની બદનામ હુઇ…’ જેવાં અશ્ર્લિલ ગીતોના રાગડા સંભળાતા હતા, તે દેશમાં અત્યારે ઘરઘરમાં આ ગીત ગુંજી રહ્યું છે: ‘મેરી ઝોંપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, રામ આયેંગે…’