કાર્તિક મહેતા
અમેરિકા વિશ્વના સહુથી વધુ મેદસ્વી લોકો ધરાવતા દેશોમાં ટોચ ઉપર છે. આથી, ત્યાં પાતળા થવાના કે વજન ઘટાડવાના ઉપચારનું બજાર અત્યંત મોટું છે. થયું એવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં સેમાગ્લૂટાઇડ નામની દવા ધૂમ મચાવે છે. મૂળ તો આ દવા ટાઇપ 2 ડાયાબિટીસના નિયંત્રણ માટે શોધાઈ હતી પણ એનાથી વજન ખાસ્સુ ઝડપ થી ઉતરતું હતું. આથી આ દવાને વેઇટ લોસ માટે પણ વપરાશમાં લેવામાં આવી. અમેરિકનો છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી અતિ વિકાસનો ભોગ બન્યા છે આથી સરેરાશ અમેરિકન મેદસ્વી/સ્થૂળ/જાડો/ઓબેસ છે.જો એમને ઝડપથી વજન ઉતારવાનો કોઈ ઉપાય મળે તો લોકો એને અપનાવે જ. આથી અમેરિકામાં આ સેમાગ્લુટાઇડ નામની દવાનો વકરો દિન પ્રતિદિન વધતો જ જાય છે. (દવાની આડઅસર પણ હોવાની, એમ છતાં આજના ઝડપી યુગમાં લોકોને એટલું વિચારવાની ફુરસદ નથી). ઓઝેમ્પિક નામની દવા બનાવતી કંપનીને નામે આ સેમાગ્લુટાઇડ ઓળખાય છે અને એકસમયે જેમ વાયેગ્રા વેચાતી એમ વેચાય પણ છે. હવે આવતા અમુક વર્ષોમાં આ દવાની પેટન્ટ મર્યાદા પૂરી થવામાં છે એટલે ભારતની દવા બનાવતી (ફાર્મા) કંપનીઓ ટાંપીને બેઠી છે કે ક્યારે આ વેઇટ લોસ કરતી દવાનું પ્રોડક્શન કરવા મળે અને ક્યારે જાડા/સ્થૂળ/મેદસ્વી થઈ રહેલા ભારતની માર્કેટમાં છવાઈ જઇએ. વેલ, ભારતમાં પણ અમેરિકન આધુનિકીકરણ નો વાયરો વાયો છે એટલે લોકોના ખોરાક અને વિચાર બેય અમેરિકનો જેવા બનવા લાગ્યા છે. ભારત પણ ડાયાબિટીસ, હ્રદયરોગ અને બીજી અનેક બીમારીઓનું મુખ્ય કેન્દ્ર બનતું જાય છે. (આ બાબતે ગૌરવ લેવાય એમ નથી નહિતર અમુક ગૌરવ ઘેલા લોકો આ વાતે પણ ગૌરવ લઈને પોતાના ફોટા છપાવે એમ છે.. ) એટલે જેવી આ દવા ભારતમાં સસ્તા ભાવે ઉપલબ્ધ થશે એટલે ભારતમાં પણ ધૂમ મચાવશે તે લગભગ નિશ્ચિત છે. જ્યા ઉપવાસનું મહાત્મ્ય સાવ નિરક્ષર માણસને પણ ખબર હોય એવા દેશમાં સ્થૂળતા, હ્રદયરોગ અને ડાયાબિટીસ માથું કાઢી જાય તે દુ:ખદ રીતે નવાઇજનક છે.
- Advertisement -
શ્રાવણ મહિનો આરંભ થઈ ગયો છે ત્યારે પરંપરાગત રીતે ભારતીય લોકો ઉપવાસ કરે છે. ઉપવાસનું મહાત્મ્ય વૈજ્ઞાનિક રીતે સમજાવવા વાળા જાપાની વિજ્ઞાનીને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયેલું છે પણ ભારતમાં તો લોકોને ઘેર ઘેર જાણ છે કે ઉપવાસ કરવો જરૂરી છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ઉપવાસને નામે ચિટિંગ ચાલે છે !! લોકો ઉપવાસને દિવસે ફળાહાર (દેશી ભાષામાં ફરાળ) ને નામે તળેલું અને ચરબીથી ભરેલું દાબે છે. આવો તેલિયો ફળાહાર ઉપવાસ તો હરગીઝ નથી પણ રીતસર શરીર ઉપર અત્યાચાર છે. જેમ ભારતીયો યોગ પરંપરાને વિસરી ગયેલા પણ અંગ્રેજો અને અન્ય યુરોપિયનોએ યોગ પરમ્પરાને ભારતમાં (ભલે વેપારી ઢબે તો વેપારી ઢબે) ફરી ઉભી કરી એમ કદાચ ઉપવાસના ખરા વિજ્ઞાનને ભારતીયો વિસરી ગયા છે. ઉપવાસને નામે નર્યો ઢોંગ અથવા તો જાતને છેતરવાની ચેષ્ટા કરવામાં આવે છે. કદાચ ફરી કોઈ યુરોપિયન કે અમેરિકન મોટા માતબર રિસર્ચ પેપર લખીને ખરા ઉપવાસ અને ખરા ફળાહરની વાત માંડશે ત્યારે ભારતીયો જાગશે અને ગળું ફુલાવીને ઠાલું ગૌરવ લેશે. ખરો ફળાહાર ક્યારેય તેલયુક્ત ના હોઇ શકે. જેનુ નામ જ ફળ આહાર છે એમાં તેલ ક્યાંથી શામેલ થઈ શકે? તળેલા પદાર્થો ક્યાંથી આવે? શ્રાવણના ઉપવાસ તો સૂર્યની આકાશમાં ગેરહાજરીને લીધે ઉત્પન્ન થયેલી મંદાગ્નિ અને મંદવાડને ટાળવાનું અમોધ શસ્ત્ર છે!! ફળાહાર એટલે રેશાયુક્ત આહાર.રેશા યુક્ત આહાર એવા ફળાહારનો મહિમા તો હવે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની જરનલોમાં છપાવા અને ગવાવા લાગ્યો છે. નિષ્ણાતો હવે એક અવાજે લોકોને સલાહ આપે છે કે ક્રોનિક રોગો (હ્રદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા, કેન્સર, ડિપ્રેશન વગેરે) થી બચવું હોય તો ફળાહાર કરો જ કરો…
2016માં અમેરિકન નિષ્ણાતોની એક ટીમે સાબિત કર્યું કે ફળાહાર કરવાથી આજના અનેક ચેપી પ્રકારના રોગોથી બચી શકાય છે કેમકે ફળાહાર થી આંતરડાની ઉપરનું રક્ષણાત્મક સ્તર સાબૂત રહે છે જેને પરિણામે આંતરડાની વાટે નુકસાનકારક જીવાણુઓ લોહીમાં ભળીને રોગો પેદા કરી શકતા નથી. લાયનસ પોલિંગ નામનાં નોબેલ વિજેતા રસાયણ શાસ્ત્રીએ વિટામિન સી ઉપર એક પુસ્તિકા લખેલી. લાયનસ પોલિંગ વિટામિન સી ને અમૃત કહેતો. એ સ્પષ્ટ પણે કહેતો કે વિટામિન સી માત્રના સેવનથી અનેક ચેપી રોગોથી બચીને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવી શકાય છે. આ અમૃત સમાન વિટામિન સી આપણને ફળાહાર થી મબલખ માત્રામાં મળે છે. હવે બીજી એક વાત : આ અમૃત સમાન વિટામિન સી ક્યા ફળ માંથી સહુથી વધુ મળે તે જાણો છો? તે સહુથી વધુ મળે છે : જામફળમાંથી..એકદમ સસ્તું પણ મીઠું અને દેશી ફળ.. હિન્દીમાં એને અમરૂદ કહેવામાં આવે છે . આ નામ આપવા વાળા જાણતા હતા કે જામફળ “અમૃત” થી ભરપુર છે.. અમૃત પરથી સમય જતા અમૃદ થઈ ગયું છે. ફળાહાર અમૃત છે. ઉપવાસ અમૃત છે. શ્રાવણ અમૃત છે. સોમ અમૃત છે.. જય સોમનાથ !! હેલધી શ્રાવણ માસની શુભકામનાઓ.



