આઠ કિલો ચાંદીના થાળાની ચોરી થતા ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
વંથલીના બંધડા ગામે આવેલ પ્રસિદ્ધ અને અતિ પૌરાણિક એવા બંધનાથ મહાદેવ મંદિરને નિશાન બનાવી મંદિરના તાળા તોડી નાગદેવતાના ચાંદીના થાળા કિંમત આશરે 3 લાખ ચોરી જતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઈ છે. આ અંગે મંદિરના પૂજારી દિલીપગીરી બાપુએ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી પોતે વહેલી સવારે 4 વાગે મંદિર જતા જાળીનું તાળું તૂટેલ જોવા મળ્યું હતું અંદર જોતા નાગદેવતાનું ચાંદીના થાળાની કિંમત આશરે રૂ.3 લાખ નું થાળાની ચોરી થયાનું માલુમ પડતા ગ્રામજનોને જાણ કરી હતી ત્યારબાદ વંથલી પોલીસને જાણ કરતા ડીવાયએસપી બી.સી.ઠક્કર ,પીએસઆઈ એમ.કે.મકવાણા,જૂનાગઢ એલ.સી.બી. તેમજ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સી.સી.ટીવી કેમેરા તપાસી ગુનેગારો સુધી પહોંચવા પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બંધડા ખાતે આવેલ બંધનાથ મહાદેવનું મંદિર વંથલી તેમજ આજુબાજુના ગામોના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર હોય આ બનાવથી લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે તેમજ આ શેતાની કૃત્ય કરનારા આરોપીઓને તાત્કાલિક પકડી ગુનેગારોને આકરી સજા આપવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે.