સંઘ પ્રદેશમાં ગુજરાતના 5 ગામો સમાવવાની વાત વહેતી થતા ગ્રામજનોનો વિરોધ,
પાંચેય ગામને ગુજરાતમાં જ રાખવા માંગ –
તાજેતરમાં દક્ષિણ ગુજરાતના આ 5 ગામોને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સમાવવાની વાતથી ત્યાંની પ્રજામાં વિરોધનો જુવાળ ઉમટ્યો છે. આ અંગે ઉગ્ર વિરોધ કરનારા ગ્રામજનોનું કહેવુ છે કે, દાદરાનગર હવેલીમાં વીજળીની પણ સમસ્યા છે. સાંજના સમયે વીજળી ઓછી મળે છે. તો બીજી બાજુ ગુજરાતના ગામમાં આ સમસ્યા નથી. આથી તેમને કોઈપણ કાળે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનો હિસ્સો બનવું નથી.
ગુજરાતના 5 ગામો સંઘ પ્રદેશમાં જોડવાના હોવાની માહિતી મળતા વલસાડ જિલ્લાના આ ગામોએ વિરોધ નોંધાવ્યો છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી નજીકના આ ગામના લોકોને ગુજરાતમાં તમામ સગવડ મળતી હોવાથી તેમને સંઘ પ્રદેશમાં જોડાવું નથી. સંઘ પ્રદેશમાં નાનામાં નાના કામ કરાવવા હોય તો પણ મુશ્કેલી પડતી હોવાનો આ ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે.
- Advertisement -
દમણ, દીવ, દાદરાનગર હવેલીના પ્રશાસક તરીકે પ્રફુલ પટેલે ચાર્જ સાંભળ્યા બાદ સૌરાષ્ટ્રનું ઘોઘલા ગામ કે જે સમુદ્ર કિનારે આવેલું છે તે ગામને દીવમાં, જયારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મધુબન, નગર, રાયમલ અને મેઘવાલ આ ગામોને દાદરાનગર હવેલીમાં સમાવવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુચન કર્યું હતું. કપરાડાના આ 4 ગામોમાં જવા માટેનો માર્ગ દાદરાનગર હવેલીથી સારો પડે છે અને આ તમામ ગામ દાદરાનગર હવેલીની બોર્ડર ઉપર આવ્યા છે.
જેથી આ ગામને નગરહવેલીમાં જોડવામાં આવે એવા સૂચનો થયા હતા. ત્યારે આ સૂચનોને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગતિવિધિ કરતું હોવાથી કપરાડાના ગામોના લોકોએ વિરોધ કર્યો છે. તેમનું આ અંગે કહેવું છે કે, એક સમય હતો કે જ્યારે ગુજરાતના છેવાડાના ગામોમાં વિકાસ થતો નહતો. જેથી તેમની ઈચ્છા હતી કે તેમનું ગામ દાદરાનગર હવેલીમાં સમાવવામાં આવે,પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે.
આજે આ પાંચેય ગામોમાં પાયાની સુવિધાથી લઈને તમામ વ્યવસ્થા છે. જેથી તેમને ગુજરાતમાં જ રહેવું છે. ગામ લોકોનું કેહવું છે કે દાદરાનગર હવેલીમાં સરકારી કામકાજોમાં લાંબો સમય લાગે છે. ઉપરાંત અહીંના મોટાભાગના અધિકારીઓ દિલ્લીથી આવ્યા હોવાના કારણે કામકાજમાં પુરતું ધ્યાન આપતા નથી. એટલું જ નહીં પણ લોકોને સામાન્ય દાખલો પણ કઢાવવો હોય તો અઠવાડિયાથી વધુ સમય લાગે છે.
- Advertisement -
જ્યારે સ્થાનિક ગ્રામ પંચાયતમાંથી તેમને તરત જ દાખલા મળી જાય છે. આ સાથે સ્થાનિક યુવાનો શિક્ષિત બની રહ્યા છે. તેમને કોઈને કોઈ કંપનીમાં નોકરી મળી જતી હોય છે. જ્યારે દાદરાનગર હવેલીના છેવાડાના ગામના યુવાનો મોટાભાગે દારૂના ઢાબા ઉપર નોકરી કરી રહ્યા છે. દાદરા અને નગર હવેલીમાં સમાવવાથી ભલે તેમને દારૂમુક્તિ મળી જશે, પરંતુ યુવાધન દારૂની બદી તરફ ફરીથી ધકેલાશે.
કપરાડાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કલ્પસર યોજના તેમજ મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જીતુભાઈ ચૌધરીને થોડા વર્ષો પહેલા મેઘવડ ગામના લોકોએ મળીને નગરહવેલીમાં સમાવવાની માંગ કરી હતી. જોકે એ વાતને લાંબો સમય વીતી ગયો છે અને હાલ લોકો નગરહવેલીમાં જોડાવવા માગતા નથી. જેથી જીતુભાઈ પણ ગામના લોકો જોડે સહમત છે. તેમનું આ અંગે કહેવું છે કે, ગામના લોકોની જે માંગણી છે એ જ પ્રમાણે થવું જોઇએ.
ગ્રામજનોના મત પ્રમાણે, સંઘ પ્રદેશમાં દારૂની છૂટ હોવાને કારણે તેમના ગામોનું યુવાધન બરબાદ થઇ શકે છે. બીજી તરફ સંઘ પ્રદેશમાં બહારના અધિકારીઓ આવવાથી સ્થાનિક સમસ્યાને યોગ્ય ન્યાય આપી શકતા નથી. વિકાસના કામમાં પણ તેમનું પુરતું ધ્યાન રહેતું નથી. ક્યારેક અધિકારીઓને અમારી લોકલ મેટરમાં સમજણ પડતી નથી તો ક્યારેક અધિકારીને જવાબદારીની પડી નથી હોતી. ગુજરાતના માજી ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલની પ્રશાસક તરીકે નિમણુંક થયા બાદ સંઘ પ્રદેશમાં વિકાસ થયો હોવાનું ગ્રામજનો માની રહ્યા છે. જોકે પ્રફુલ પટેલની બદલી બાદ ગુજરાત સરકાર આગળ શું કરે છે અને કઈ રીતે પગલાં લે છે એના પર હાલમાં સૌ લોકોની નજર છે.


