ઇઝરાયલી સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈ આજે તેના 10મા દિવસમાં પ્રવેશી ગઈ છે. આ સમયગાળા દરમિયાન ઇઝરાયેલના હવાઈ હુમલામાં 724 પેલેસ્ટિનિયન બાળકો સહિત ઓછામાં ઓછા 2,670 લોકો માર્યા ગયા છે. હમાસના હુમલામાં માર્યા ગયેલા ઈઝરાયેલની સંખ્યા 1400થી વધુ થઈ ગઈ છે. હવે ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર વિશ્વ રાજકારણ સહિત અર્થવ્યવસ્થા પર પણ દેખાઈ રહી છે.
આ યુદ્ધને કારણે ભારતને આર્થિક મોરચે નુકશાન થઈ શકે છે
સાથે જ આ યુદ્ધ ભારતીય અર્થતંત્ર માટે ઘણા ગંભીર પરિણામો પણ લાવી શકે છે. એ વાત તો નોંધનીય છે કે હાલમાં લગભગ 20,000 ભારતીયો ઈઝરાયલમાં ફસાયેલા છે. ભારત સરકારે તેમની સુરક્ષિત વતન પરત ફરવા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. હજુ સુધી ઈઝરાયલમાં કોઈ ભારતીયના ઈજા કે મૃત્યુના સમાચાર નથી. પણ આર્થિક મોરચે ભારતને નુકસાન થઈ શકે છે. આ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં અશાંત વાતાવરણ છે, જે કાચા તેલની કિંમતો માટે ખૂબ જ ખતરનાક સાબિત થવા જઈ રહ્યું છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત યુદ્ધ તેના સિવાય પણ ભારતને વધુ 5 રીતે નુકસાન પહોંચાડી શકે છે.
- Advertisement -
પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થશે
કાચા તેલની કિંમતો પર ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર સંપૂર્ણપણે દેખાઈ રહી છે. જેના કારણે કાચા તેલનો પુરવઠો ખોરવાયો છે. અબગુટ એ વાત નોંધનીય છે કે ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ક્રૂડ ઓઈલના આ સંકટની અસર ભારત પર ચોક્કસપણે જોવા મળશે. ક્રૂડ ઓઈલના ભાવમાં થતાં આ વધારાની અસર આગામી 5 વિધાનસભાની ચૂંટણીઓ અને ત્યારબાદ 2024ની સામાન્ય ચૂંટણીઓ પર પડી શકે છે. જો કે એવું માનવામાં આવે છે કે ભારત સરકાર ચૂંટણી સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં કરે પરંતુ જો ચૂંટણી પછી પણ પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો, પરિસ્થિતિ ગંભીર બની શકે છે.
કોર્પોરેટ્સને નુકસાન થશે:
ઇઝરાયલ-હમાસ યુદ્ધ ભારતના ઘણા મોટા કોર્પોરેટ હાઉસને પણ આંચકો આપશે. ઘણી ભારતીય કંપનીઓ ઈઝરાયેલમાં બિઝનેસ કરે છે. જેમાં સન ફાર્મા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, વિપ્રો, અદાણી ગ્રુપ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ફોર્જ અને ઈન્ફોસીસનો સમાવેશ થાય છે. જો આ યુદ્ધ લંબાય તો આ તમામ કંપનીઓને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.
ફાર્માસ્યુટિકલ બિઝનેસ પર અસરઃ
ઇઝરાયલ-હમાસ યુદ્ધ ભારતના અન્ય બિઝનેસને ખૂબ અસર કરી રહ્યું છે. આ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ છે, જેમાં ભારત વિશ્વમાં અગ્રેસર છે. ભારત પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં મોટા પાયે દવાઓની નિકાસ કરે છે. હવે આ યુદ્ધને કારણે આ ધંધો પ્રભાવિત થઈ રહ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં દવાઓના શિપમેન્ટમાં ઘટાડો થયો છે.
- Advertisement -
5G કનેક્ટિવિટીના વિસ્તરણમાં વિલંબ:
ઇઝરાયલ-હમાસ યુદ્ધની સૌથી વધુ અસર ડોલર સામે રૂપિયાના મૂલ્ય પર થવાની શક્યતા છે. લાંબા ગાળે આનાથી રૂપિયાના મૂલ્યમાં 3 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે, જે આંતરરાષ્ટ્રીય વેપારને મોંઘો બનાવશે. હાલમાં ભારતમાં 5G માટે ઉપયોગમાં લેવાતા ટેલિકોમ સાધનોમાંથી લગભગ 67 ટકા વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. એટલે ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે તેમની આયાત મોંઘી થશે.
નિકાસ મોંઘી થશે:
રૂપિયા અને ડોલર વચ્ચેના સંબંધને કારણે ભારતને નિકાસમાં ફાયદો થાય છે. હવે ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે નિકાસકારો માટે વીમા પ્રીમિયમ મોંઘું થઈ શકે છે. સાથે જ શિપિંગ ખર્ચ પણ વધી શકે છે. જેના કારણે ઘણા યુરોપિયન દેશો સાથે વેપારને મોંઘો બનશે અથવા નિકાસ માર્જિન ઘટશે.
હીરા-ઝવેરાતના ધંધાને અસર થશેઃ
સુરત શહેર વિશ્વમાં ડાયમંડ કટિંગનું સૌથી મોટું હબ છે અને ભારત દર વર્ષે ઈઝરાયલને $1.2 બિલિયનના કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે. તો ઈઝરાયલમાંથી $520 મિલિયનના રફ હીરા અને $220 મિલિયનના કટ અને પોલિશ્ડ હીરાની આયાત કરે છે. આ રીતે, ઇઝરાયલ-હમાસ યુદ્ધ આ વેપારની પ્રગતિને સંપૂર્ણપણે બગાડશે.